Gujarat માં ઉનાળાની શરૂઆતમાં જ 63 જળાશયોમાં 30 ટકાથી ઓછું જળસ્તર નોંધાયું…

અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)માર્ચ મહિનામાં જ ધોમધખતો ઉનાળો શરૂ થયો હોય તેવી અસર વર્તાઈ રહી છે. સતત વધી રહેલી ગરમીને કારણે રાજ્યમાં 63 જળાશયોમાં 30 ટકાથી ઓછું જળસ્તર નોંધાયું હતું. જ્યારે રાજ્યના 207 જળાશયોમાં હાલ 60.82 ટકા પાણીનો જથ્થો હોવાની વિગતો મળી હતી. સરદાર સરોવર ડેમમાં બુધવારની સ્થિતિએ 64.59 ટકા પાણીનો જથ્થો હોવાની માહિતી મળી હતી.
આ વખતે જળસ્તરની સ્થિતિ ખૂબ જ સારી
રાજ્યમાં 63 જળાશયોમાં જળસ્તર 30 ટકાથી ઓછું નોંધાયું છે. જેમાં 20 ટકા જળાશયોમાં જળસ્તર 10 ટકાથી પણ ઓછું છે. ઉત્તર ગુજરાતના જળાશયોમાં સૌથી ઓછું 36 ટકા, દક્ષિણ ગુજરાતમાં 66 ટકા, મધ્ચ ગુજરાતમાં 61 ટકા, સૌરાષ્ટ્રમાં 49 ટકા, કચ્છમાં 43 ટકા પાણીનો જથ્થો છે. ગત વર્ષે 25 માર્ચે 55.81 ટકા, જ્યારે સરદાર સરોવરમાં 58.79 ટકા જળસ્તર નોંધાયું હતું. ગયા વર્ષની સરખામણીએ આ વખતે જળસ્તરની સ્થિતિ ખૂબ જ સારી છે.
આ પણ વાંચો : ગુજરાત સરકાર Green Energy ને પ્રોત્સાહિત કરશે, 100 ગીગાવોટની કેપેસિટી સ્થાપિત કરશે
70 ટકાથી ઓછું પાણી હોય તેવા 181 જળાશયો
હાલ સંપૂર્ણ 100 ટકા ભરાયેલું હોય તેવું એકમાત્ર જળાશય સુરેન્દ્રનગરનું ચુડા છે. આ સિવાય મહિસાગરનું વણાકબોરી, બોટાદનું ખાંભડા, કચ્છનું કાલાઘોડા-ટપ્પર, રાજકોટનું આજી-1, સુરેન્દ્રનગરનું ધોળી ધજા 90 ટકાથી વધુ જળસ્તર ધરાવે છે. 26 માર્ચ 2025ની સ્થિતિએ 90 ટકાથી વધુ ભરાયેલા માત્ર 6 જળાશયો છે. 80 ટકાથી ઉપર ભરાયેલા 11 જળાશયો છે અને 70 ટકાથી ઉપર ભરાયેલા 8 જળાશયો છે. 70 ટકાથી ઓછું પાણી હોય તેવા 181 જળાશયો છે.