ટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

Maharashta Asembley: તોફાની વિધાનસભા સત્રનો અંત

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મહારાષ્ટ્રના રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણને બુધવારે રાજ્ય વિધાનમંડળના બંને ગૃહોના કામકાજને ત્રણ અઠવાડિયા લાંબા અધિવેશન બાદ બુધવારે સ્થગિત કર્યું હતું. આ અધિવેશનમાં ઔરંગઝેબની કબર, નાગપુરની હિંસા અને કુણાલ કામરાના મુદ્દે ભારે ધમાલ જોવા મળી હતી.

રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે વિધાનસભામાં અને વિધાનપરિષદના સ્પીકર રામ શિંદેએ વિધાન પરિષદમાં રાજ્યપાલના આદેશને વાંચી સંભળાવ્યો હતો. રાજ્ય વિધાનસભાનું ચોમાસુ સત્ર જૂન મહિનામાં આયોજિત કરવામાં આવશે.
વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ ત્રીજી માર્ચે થયો હતો અને વર્ષ 2025-26નું બજેટ 10 માર્ચે રજૂ કરવામાં આવ્યું હતું.
આ અધિવેશનમાં સમાજવાદી પાર્ટીના વિધાનસભ્ય અબુ આઝમીનું સસ્પેન્શન જોવા મળ્યું હતું.

આ પણ વાંચો: સીબીઆઈના ક્લોઝર રિપોર્ટ બાદ ભાજપના વિધાનસભ્યની સુશાંત સિંહ મૃત્યુ કેસમાં એસઆઈટી નિયુક્ત કરવાની માગણી

નાગપુરમાં ઔરંગઝેબની કબરને હટાવવાના મુદ્દે થયેલા આંદોલન બાદ 17 માર્ચે થયેલી હિંસાને પગલે વિધાન મંડળના બંને ગૃહોમાં સત્તાધારી બેન્ચ અને વિપક્ષી બેન્ચ દ્વારા કાયદો અને વ્યવસ્થાને મુદ્દે ભારે બોલાચાલી જોવા મળી હતી.

દિશા સાલિયનના મૃત્યુના કેસમાં તેમના પિતા દ્વારા કરવામાં આવેલી પિટિશનને પગલે શિવસેના (યુબીટી)ના વિધાનસભ્ય આદિત્ય ઠાકરે અને અન્યો સામે ગુનો નોંધવાની માગણીને કારણે સત્તાધારીઓ અને વિપક્ષ વચ્ચે સંઘર્ષ જોવા મળ્યો હતો.
કોમેડિયન કુણાલ કામરા દ્વારા શિવસેના નેતા અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સામે કરવામાં આવેલા નિવેદનોના પડઘા બંને ગૃહોમાં જોવા મળ્યા હતા. અધિવેશનના છેલ્લા દિવસે કામરા સામે વિધાન પરિષદ દ્વારા વિશેષાધિકાર ભંગની નોટિસ ફટકારવામાં આવી હતી.

વિધાનસભાએ સામાજિક કાર્યકર્તા દંપતિ મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને ભારત રત્ન આપવાની ભલામણ કેન્દ્ર સરકારને મોકલી છે.

આ પણ વાંચો: કુણાલના કારનામાઃ સ્ટુડિયો સાથે જે થયું તેના માટે પોતે જવાબદાર નથી, નવો વીડિયો શેર કર્યો

આ અધિવેશનમાં કબરથી કામરા સુધીનું કામકાજ: વિપક્ષ

મહારાષ્ટ્રના વિધાનસભાના બજેટ સત્રનો બુધવારે છેલ્લો દિવસ હતો. આ અધિવેશનને મુદ્દે એનસીપી (એસપી)ના પ્રદેશાધ્યક્ષ અને વિધાનસભ્ય જયંત પાટીલે સરકારની ટીકા કરતાં કહ્યું હતું કે આ અધિવેશન એટલે કબરથી કામરા સુધી લઈ જનારું હતું. બાકી અધિવેશનમાં કશું જ નહોતું.

અધિવેશન પૂર્ણ થયા બાદ વિપક્ષની સંયુક્ત પત્રકાર પરિષદમાં તેમણે ઉપરોક્ત નિવેદન કર્યું ત્યારે તેમની સાથે શિવસેના (યુબીટી)ના ભાસ્કર જાધવ, કૉંગ્રેસના નાના પટોલે પણ હાજર હતા.

તેમણે કહ્યું હતું કે પ્રધાન રાજીનામું આપે છે, પરંતુ ગૃહને આ બાબતની જાણકારી આપવામાં આવતી નથી. અત્યાર સુધીમાં મેં 36 વર્ષ કામ કર્યું છે, પરંતુ આવું ક્યારેય જોયું નથી. આ સભાગૃહના સભ્યોનો અધિકાર છે. બંધારણ પર ચર્ચા કરી પણ તે જ બંધારણને વારંવાર કચડી નાખવાનું કામ કરવામાં આવી રહ્યું છે.

તેમણે એમ પણ કહ્યું હતું કે પોતાની પસંદગીના ધ્યાનાકર્ષક સૂચનાને પ્રાધાન્ય આપીને અધિકારીઓને સસ્પેન્ડ કરવાનું કામ ચાલે છે. એક દિવસમાં વધુમાં વધુ ત્રણ ધ્યાનાકર્ષક સૂચના કરી શકાય છે, પરંતુ આ અધિવેશનમાં એક દિવસમાં 30 ધ્યાનાકર્ષક સૂચના સમાવિષ્ટ કરવામાં આવી હતી. આગામી અધિવેશનમાં આ આંકડો પચાસ પર પહોંચે તો નવાઈ નહીં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button