નેશનલ

નાણામંત્રી Nirmala Sitaraman ની સ્પષ્ટતા, બેંકોમાંથી લોન લઇને ભાગેલા લોકોના બક્ષવામા નહિ આવે

નવી દિલ્હી : ભારતની બેંકોમાંથી કરોડો રૂપિયાની લોન લઇને વિદેશ ભાગી ગયેલા લોકોના દેવા માફીના વિપક્ષના આક્ષેપને સરકારે નકારી કાઢ્યા છે. તેમજ આ અંગે નાણામંત્રી નિર્મલા સીતારમણે(Nirmala Sitaraman) સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે આવા લોકો સામે કાર્યવાહી ચાલુ રહેશે અને તેમને કોઇ પણ ભોગે બક્ષવામા નહિ આવે. રાજ્યસભામાં બેંકિંગ કાયદા (સુધારા) બિલ પર ચર્ચાના જવાબમાં નાણામંત્રી સીતારમણે કહ્યું કે આવા કેસોમાં 749.83 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આ બિલ દ્વારા પાંચ કાયદાઓમાં સુધારો કરવામાં આવશે. સીતારમણના જવાબ પછી રાજ્ય સભામાં ધ્વનિ મતથી બિલ પસાર કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: નાણામંત્રી નિર્મલા સીતારમને ડોલર સામે રૂપિયાના અવમૂલ્યન અંગે આપ્યું આ મોટું નિવેદન

બેંકોની સ્થિતિમાં ઘણો સુધારો થયો

નિર્મલા સીતારમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, વર્ષ 2014 માં બેંકો પર ઘણું દબાણ હતું અને ભારતને પાંચ નબળા અર્થતંત્રોમાં ગણવામાં આવતું હતું. તેમણે કહ્યું કે આ પછી સરકારે બેંકની સ્થિતિ સુધારવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલાં લીધાં. સીતારમણે કહ્યું કે સપ્ટેમ્બર 2024 માં શિડ્યુલ્ડ કોમર્શિયલ બેંકોની ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ ઘટીને 2.5 ટકાના નીચા સ્તરે આવી ગઈ છે. તેમણે કહ્યું કે બેંકોની સ્થિતિમાં ઘણો સુધારો થયો છે.

22,280 કરોડ રૂપિયાની સંપત્તિ રિકવર કરી

તેમણે વધુમાં જણાવ્યું કે, સરકારે આ લોન માફ કરી નથી, પરંતુ રાઇટ ઓફ કરી છે અને તેને વસૂલવાના પ્રયાસો ચાલુ છે. તેમણે કહ્યું કે વિલફુલ ડિફોલ્ટર્સના કેસોમાં ઇડીએ લગભગ 22,280 કરોડ રૂપિયાની સંપત્તિ રિકવર કરી છે અને કોર્ટના આદેશ પર તેને સફળતાપૂર્વક કાયદેસર દાવેદારોને સોંપી દીધી છે.

નવ લોકોને ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરવામાં આવ્યા

તેમણે કહ્યું કે લોકોના પૈસા અને સંપત્તિ પરત મળી ગઈ છે. નાણામંત્રીએ જણાવ્યું હતું કે લોન લઈને ભાગી ગયેલા લોકોના કિસ્સામાં 31 ડિસેમ્બર, 2024 સુધીમાં નવ લોકોને ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરવામાં આવ્યા છે અને 749.83 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.

જાહેર ક્ષેત્રની બેંકોની કામગીરીમાં નોંધપાત્ર સુધારો

નિર્મલા સીતારમણે જણાવ્યું કે, તેમણે કહ્યું કે જાહેર ક્ષેત્રની બેંકોની કામગીરીમાં નોંધપાત્ર સુધારો થયો છે અને તેમનો કુલ NPA ગુણોત્તર ડિસેમ્બર 2024માં ઘટીને 2.85 ટકા થઈ ગયો છે. જે માર્ચ 2018માં 14.58 ટકાના ખૂબ ઊંચા સ્તરે હતો. તેમણે કહ્યું કે સરકારની ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર નીતિને કારણે નાના ખેડૂતોને સૌથી વધુ ફાયદો થયો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button