અમદાવાદના આંબાવાડીમાં જાહેરમાં યુવકની કરી મારપીટ, કાયદો અને વ્યવસ્થા સામે સવાલ…

અમદાવાદ: અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બન્યાં છે અને આવા લોકોને જાણે કાયદાનો કોઇ દર જ નાં હો તેવી ઘટનાઓ છેલ્લા ઘણા દિવસોથી પ્રકાશમાં આવી છે. તે ક્રમમાં હોળીની રાતે વસ્ત્રાલમાં બનેલી ઘટનાએ રાજ્યનાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને પોલીસની કામગિરી સામે પ્રશ્ન ખડા કર્યા હતા. તે જોઈને અમદાવાદ જાણે યુપી-બિહાર બની રહ્યું હોય તેવા પ્રશ્નો ખડા થયા હતા. ત્યારે આવી વધુ એક ઘટના અમદાવાદમાં ઘટી છે.
યુવક પર ચાર શખ્સોએ કર્યો હુમલો
પ્રાપ્ત વિગતો અનુસાર આંબાવાડીમાં એક યુવક પર ચાર શખ્સોએ લાકડી વડે ઢોરમાર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. આંબાવાડી ચાર રસ્તા નજીક 24 વર્ષના નીહાર ઠાકોર નામના યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. રાતે સાડા બાર વાગ્યા આસપાસ નીહાર ઠાકોર અને તેનો મિત્ર પરિમલ ગાર્ડનથી તેનાં ઘર તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન રવિ જ્વેલર્સની સામે એક એક્ટિવા ચાલકે તેને રોકીને નીચે ઉતારીને લાકડીનો ફટકો માર્યો હતો.
માથાનાં ભાગે પહોંચી ઇજા
લાકડીનાં ફટકાનાં મારથી નિહાર નીચે પટકાયો હતો અને ત્યારબાદ સૌરભ દેસાઇ, વિજય દેસાઈ તથા ધવલ દેસાઈએ મળીને નિહારને લાકડીથી માર માર્યો હતો. જો કે આ દરમિયાન નીહાર આરોપીઓને ધક્કો મારીને ભાગી ગયો હતો. નીરવને માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી અને લોહી નીકળતું હોય આથી તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટેઆ દાખલ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : અમદાવાદમાં યુવકને હેલમેટ નહીં પહેરવા બદલ રૂ. 10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો
પોલીસે નોંધી ફરિયાદ
આ અંગે અમદાવાદનાં એલિસબ્રિજ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં અમદાવાદનાં સૌરભ દેસાઈ, વિજય દેસાઈ તથા ધવલ દેસાઈ તથા એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. અત્રે ઉલ્લેખઇય છે કે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્વોએ રામોલ પોલીસ સ્ટેશનની હદ્દ વિસ્તારમાં લાકડી-દંડા અને તલવાર જેવા તીક્ષ્ણ હથિયારો વડે તોફાની તત્વોએ આતંક મચાવ્યો હતો. જેનાથી અમદાવાદની સુરક્ષા વ્યવસ્થા સામે પ્રશ્નો ખડા થયા હતા.