સ્પોર્ટસ

દેવાદાર પાકિસ્તાનનું હૉકીમાં પણ નાક કપાયું…જાણો કઈ નાલેશી થઈ…

કરાચીઃ ક્રિકેટમાં પાકિસ્તાને તાજેતરની ચૅમ્પિયન્સ ટ્રોફીમાં પોતાની ટીમને ભારતના હાથે મળેલી ફિટકાર બાદ સ્પર્ધામાંથી વહેલી આઉટ થતા જોઈ અને આ સ્પર્ધાના આયોજનમાં કરોડો રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું ત્યાર બાદ હવે હૉકીની રમતમાં પણ પાકિસ્તાનની મોટી નામોશી થઈ છે. અઝલાન શાહ કપ (Azlan shah cup ) નામની પ્રતિષ્ઠિત હૉકી (Hockey) સ્પર્ધામાં પાકિસ્તાન 2024ની ગઈ ટૂર્નામેન્ટમાં રનર-અપ હતું, પણ આ વખતે મલયેશિયા (Malaysia)માં રમાનારી આ સ્પર્ધામાં પાકિસ્તાનની હૉકી ટીમને આમંત્રિત જ નથી કરવામાં આવી. પાકિસ્તાન હૉકી ફેડરેશનના માથે બહુ મોટું દેવું (outstanding debt) હોવાથી મલયેશિયાના હૉકી ફેડરેશને પાકિસ્તાનની ટીમને પોતાને ત્યાં આ સ્પર્ધા રમવા નથી બોલાવી.

અઝલાન શાહ કપ સ્પર્ધા આ વર્ષે નવેમ્બરમાં મલયેશિયામાં રમાવાની છે.

પીટીઆઇના અહેવાલ મુજબ પાકિસ્તાની ફેડરેશન સાથે સંકળાયેલા એક આધારભૂત સૂત્રએ જણાવ્યું છે કે `પાકિસ્તાની ફેડરેશનના એક ભૂતપૂર્વ અધિકારીએ ગયા વર્ષે મલયેશિયામાં યોજાએલા અઝલાન શાહ કપ વખતે કેટલાક ખોટા નિર્ણયો લીધા હતા જેને કારણે પાકિસ્તાનના ફેડરેશને મલયેશિયાના ફેડરેશનને તોતિંગ રકમ આપવાની નીકળતી હતી જે હજી અપાઈ નથી.’

આ પણ વાંચો: પાકિસ્તાનને 105 રનમાં આઉટ કરીને ન્યૂ ઝીલૅન્ડે સિરીઝ જીતી લીધી

આ વખતના અઝલાન શાહ કપનું આયોજન કરનાર સમિતિએ જણાવ્યું છે કે પાકિસ્તાનના ફેડરેશને ગયા વર્ષે અહીં જે સ્થિતિ ઊભી કરી હતી અને એના માથે જે તોતિંગ દેવું છે એ જોતાં મલયેશિયાના ફેડરેશને પાકિસ્તાનની ટીમને આ વખતે ન બોલાવવાનું નક્કી કર્યું છે. જોકે પાકિસ્તાની ફેડરેશનના અધિકારીઓ આ મુદ્દે સમાધાન કરવાના પ્રયત્નો કરી રહ્યા છે.
પાકિસ્તાન આ મલયેશિયન સ્પર્ધામાં 1999માં, 2000માં અને 2003માં ચૅમ્પિયન બન્યું હતું. 2024ની સ્પર્ધા જાપાને જીતી લીધી હતી. જોકે આ વખતે જાપાનની ટીમ અન્ય સ્પર્ધામાં રમવાની હોવાથી મલયેશિયાની ટૂર્નામેન્ટમાં ભાગ નહીં લે.
ભારત પાંચ વખત અઝલાન શાહ કપમાં વિજેતા થયું છે. સૌથી વધુ 10 ટાઇટલ ઑસ્ટ્રેલિયા પાસે છે અને ભારત પાંચ ટાઇટલ સાથે બીજા સ્થાને છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button