Gujarat મા જાહેર દેવાના પ્રમાણમા ઘટાડાનો દાવો, આગામી વર્ષે 15.28 ટકા રહેવાનો અંદાજ…

ગાંધીનગર : ગુજરાતના(Gujarat)જાહેર દેવાના પ્રમાણમાં સતત ઘટાડો થઇ રહ્યો હોવાનો સરકારે દાવો કર્યો છે. વિધાનસભામાં રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઈએ રાજ્યના જાહેર દેવા વિશે વાત કરતા કહ્યું કે રાજ્યના ઘરગથ્થુ ઉત્પાદન-GSDPની સામે જાહેર દેવાના પ્રમાણમાં ઉત્તરોત્તર ઘટાડો થઇ રહ્યો છે.વર્ષ 2025-26 માં જાહેર દેવુ 15.28 ટકા રહેવાનો અંદાજ સૂચવવામાં આવ્યો છે. જે 27.10 ટકાની નિયત મર્યાદા કરતાં ધણું જ ઓછું છે.
ગુજરાતને રૂ.5027 કરોડની સહાય આપવામાં આવી
નાણાં મંત્રીએ કહ્યું કે દેશના જીડીપીમાં નોંધપાત્ર હિસ્સો ધરાવતું ગુજરાત સૌથી ઝડપથી વિકસતાં રાજ્યોના અર્થતંત્રોમાંનું એક છે. કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને મૂડી રોકાણના પ્રોજેક્ટ્સ માટે 50 વર્ષ માટે વ્યાજમુક્ત લોનના સ્વરૂપમાં રાજ્યોને નાણાકીય સહાય ચૂકવવામાં આવે છે. જે અંતર્ગત ચાલું નાણાકીય વર્ષમાં અત્યાર સુધી કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના હેઠળ ગુજરાતને રૂ.5027 કરોડની સહાય આપવામાં આવી છે. જેના પરિણામે જાહેર દેવા પર વ્યાજની ચૂકવણીના સરેરાશ ખર્ચમાં ઘટાડો નોંધાયો છે.
સુધારેલા અંદાજમાં 7.36 ટકા જેટલો થવાનો અંદાજ
રાજ્યના એકંદર ધરગથ્થુ ઉત્પાદન તથા આવકના વધારાની છેલ્લાં 10 વર્ષની સાપેક્ષ વિગતો આપતાં મંત્રીએ કહ્યું કે રાજ્યમાં નાણાકીય વર્ષ 2014-15 માં જાહેર દેવા પર વ્યાજની ચૂકવણીનો સરેરાશ ખર્ચનો દર 8.87 ટકા જેટલો હતો. જે નાણાકીય વર્ષ 2024-25 ના સુધારેલા અંદાજમાં 7.36 ટકા જેટલો થવાનો અંદાજ છે. આમ, એકંદર ધરગથ્થુ ઉત્પાદન તથા આવકના વધારાના સાપેક્ષમાં જાહેર દેવાનો દર ઘટ્યો છે.
આ પણ વાંચો : Gujarat Budget: કનુ દેસાઈની લાલ રંગની પોથીની શું છે વિશેષતા? તસવીરો
નાણાકીય શિસ્ત તથા કાર્યક્ષમતા વધી
રાજ્યના નાણાં વિભાગની નાણાકીય શિસ્ત તથા કાર્યક્ષમતા વિશે વાત કરતાં નાણાં મંત્રીઆવે કહ્યું કે રાજ્યના એકંદર ઘરગથ્થુ ઉત્પાદન-GSDP ના પ્રમાણમાં રાજવિત્તીય ખાધનું પ્રમાણ વર્ષ 2024-25 ના સુધારેલા અંદાજોમાં નિયત મર્યાદા 3 ટકા સામે 1.89 ટકા જેટલું નીચું, જ્યારે વર્ષ 2025-26 ના અંદાજ મુજબ 1.96 ટકા જેટલું અંદાજવામાં આવ્યું છે.