‘વર્ક ફ્રોમ હોમ’માં મહિલાએ 15 લાખ રૂપિયા ગુમાવ્યા…

થાણે: ‘વર્ક ફ્રોમ હોમ’માં આકર્ષક વળતર મેળવવાની લાલચમાં મહિલાએ પોતાની જમા પૂંજીમાંથી 15.14 લાખ રૂપિયા ગુમાવ્યા હોવાનું થાણે જિલ્લાના ડોમ્બિવલીમાં બન્યું હતું.
પોલીસ ફરિયાદ અનુસાર ગયા વર્ષે ફેબ્રુઆરીથી જુલાઈ દરમિયાન ડોમ્બિવલીમાં રહેતી 37 વર્ષની મહિલાનો ઠગ ટોળકીએ સંપર્ક સાધ્યો હતો. આરોપીઓમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. આરોપીએ ફરિયાદીને ટેલિગ્રામ ઍપ્લિકેશનના એક ગ્રૂપમાં એડ કરી હતી. પછી ઑનલાઈન ટાસ્ક પૂરી કરવાનું કહેવામાં આવ્યું હતું, એવું માનપાડા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.
કામના બદલામાં આકર્ષક વળતરની ખાતરી આપી આરોપીએ વિવિધ કારણો રજૂ કરીને સમયાંતરે મહિલા પાસેથી નાણાં પડાવ્યાં હતાં. ફેબ્રુઆરીથી જુલાઈ, 2024 દરમિયાન મહિલાને 15.14 લાખ રૂપિયા વિવિધ બૅન્ક ખાતાંમાં ટ્રાન્સફર કરવાની ફરજ પડાઈ હતી.
બાદમાં મહિલાને કોઈ વળતર મળ્યું નહોતું અને તેણે પોતાની મૂડી પણ ગુમાવી હતી. આખરે પોતે છેતરાઈ હોવાની જાણ થતાં મહિલાએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો.
આ પણ વાંચો : મુંબઈ એરપોર્ટ પર આઠ કરોડનો ગાંજો પકડાયો:સુરતના બે રહેવાસી સહિત ત્રણ જણની ધરપકડ…
આ પ્રકરણે મહિલાની ફરિયાદને આધારે માનપાડા પોલીસે મંગળવારે ત્રણ આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આરોપીઓએ આ જ રીતે વધુ પાંચ જણને છેતર્યા હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું હતું. આ મામલે વધુ તપાસ ચાલી રહી હોવાનું પોલીસનું કહેવું છે. (પીટીઆઈ)