સ્પોર્ટસ

છેલ્લી મૅચ 10 ઓવરમાં જીતી લીધી, સીફર્ટ પ્રથમ સદી ત્રણ રન માટે ચૂક્યોઃ રૅન્કિંગમાં કિવી પેસ બોલરની મોટી છલાંગ

વેલિંગ્ટનઃ એક તરફ ભારતમાં ટી-20 ફૉર્મેટની આઇપીએલમાં ધમાકા પર ધમાકા થઈ રહ્યા છે ત્યાં બીજી બાજુ ન્યૂ ઝીલૅન્ડ (New Zealand)માં ટી-20 સિરીઝ (Series) પૂરી થઈ જેમાં પાકિસ્તાનની નામોશી થઈ છે. માઇકલ બ્રેસવેલના સુકાનમાં ન્યૂ ઝીલૅન્ડે પાકિસ્તાનની ટીમને આ શ્રેણીમાં જોરદાર પછડાટ આપી. કિવીઓએ પાંચ મૅચની ટી-20 સિરીઝ 4-1થી જીતીને સલમાન આગા (Salman Agha)ની કૅપ્ટન્સીવાળી ટીમ પર પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે.

આ મૅચમાં 18 રનમાં બે વિકેટ લેનાર કિવી પેસ બોલર જૅકબ ડફી (Jacob Duffy)એ આઇસીસી દ્વારા જાહેર કરવામાં આવેલા નવા રૅન્કિંગના ટૉપ-ટેનમાં એન્ટ્રી કરી છે.

https://twitter.com/ICC/status/1904806456026947923

30 વર્ષના ડફીએ રૅન્કિંગમાં સાત ક્રમની ઊંચી છલાંગ લગાવી છે અને સીધો છઠ્ઠા નંબર પર આવી ગયો છે. તેની આ છલાંગની વિપરીત અસર ભારતના કેટલાક બોલરને થઈ છે. સ્પિનર રવિ બિશ્નોઈ સાતમા નંબર પર જતો રહ્યો છે.

આપણ વાંચો: પાકિસ્તાનને 105 રનમાં આઉટ કરીને ન્યૂ ઝીલૅન્ડે સિરીઝ જીતી લીધી

લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ ટૉપ-ટેનની બહાર જતા જરાક માટે બચી ગયો છે. તે 10મા સ્થાને છે. શ્રીલંકાનો માહીશ થીકશાન આઠમા નંબરે જતો રહ્યો છે, જ્યારે ઇંગ્લૅન્ડનો જોફ્રા આર્ચર ટૉપ-ટેનની બહાર જતો રહ્યો છે.

ન્યૂ ઝીલૅન્ડ બુધવારની મૅચ પહેલાં 3-1થી ટ્રોફી પર કબજો કરી ચૂક્યું હતું અને હવે સિરીઝની અંતિમ મૅચ પણ જીતીને 4-1થી ટ્રોફી જીતી લીધી છે પાકિસ્તાને બૅટિંગ મળ્યા બાદ કૅપ્ટન સલમાન આગાના 51 રનની મદદથી નવ વિકેટે 128 રન બનાવ્યા હતા. કિવીઓના બોલિંગ-આક્રમણ સામે અને ખાસ કરીને પાંચ વિકેટ લેનાર પેસ બોલર જેમ્સ નીશૅમ (James Neesham) સામે પાકિસ્તાનનો બીજો કોઈ બૅટર 30 રન પણ નહોતો કરી શક્યો.

ન્યૂ ઝીલૅન્ડે 129 રનનો લક્ષ્યાંક મળ્યા બાદ માત્ર 10 ઓવરમાં 131/2ના સ્કોર સાથે મેળવીને સિરીઝ 4-1થી જીતી લીધી હતી. ઓપનર ટિમ સીફર્ટ (97 અણનમ, 38 બૉલ, દસ સિક્સર, છ ફોર)એ આઇપીએલ-સ્ટાઇલ ફટકાબાજી કરી હતી.

સીફર્ટ (Tim Seifert) અને સાથી ઓપનર ફિન ઍલન (27 રન) વચ્ચે પ્રથમ વિકેટ માટે 93 રનની ભાગીદારી થઈ હતી. સીફર્ટ ત્રણ રન માટે પ્રથમ આંતરરાષ્ટ્રીય સદી ચૂકી ગયો હતો. આ પહેલાં, 65 ટી-20 મૅચમાં સીફર્ટની નવ હાફ સેન્ચુરી હતી અને તે એક પણ સેન્ચુરી નહોતો ફટકારી શક્યો. કરીઅરની 66મી મૅચમાં પણ તે ત્રણ રન માટે સેન્ચુરી ચૂકી ગયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button