એકસ્ટ્રા અફેર : સાંસદોના ભ્રષ્ટાચાર સામે મેદાને પડો, પગારા વધારા સામે નહીં

-ભરત ભારદ્વાજ
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે સોમવારે સાંસદોના પગારમાં 24 ટકા વધારો કરવા અંગેનું જાહેરનામું બહાર પાડ્યું તેના પગલે ટીકાઓનો મારો શરૂ થયો છે. કેન્દ્ર સરકારના જાહેરનામા પ્રમાણે, સંસદ સભ્યોને હવે દર મહિને 1.24 લાખ રૂપિયાનો પગાર મળશે. પહેલાં તેમને દર મહિને 1 લાખ રૂપિયા મળતા હતા. મોદી સરકારે 2018માં દર પાંચ વર્ષે સાંસદોના પગાર અને ભથ્થાંની સમીક્ષા કરવાનો નિયમ બનાવ્યો હતો.
મોદી સરકારે સંસદ સભ્યોના પગાર, ભથ્થાં અને પેન્શન અધિનિયમ, 1954 હેઠળ સાંસદોના પગારને ફુગાવાના દર સાથે જોડી દીધો હતો. તેના આધારે દર પાંચ વર્ષે ફુગાવાના દરને આધારે સમીક્ષા કરીને પગાર-ભથ્થાંમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો હતો. કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ (ખર્ચ ફુગાવાનો સૂચકાંક)ના આધારે કરાતી સમીક્ષા 2023માં કરાવાની હતી પણ લોકસભાની ચૂંટણી માથે હોવાથી તેમાં વિપરીત અસર ના પડે એટલે એ વખતે નિર્ણય નહોતો લેવાયો. હવે નિર્ણય લઈને જાહેરનામું બહાર પડાયું છે તેથી વધેલો પગાર 1 એપ્રિલ, 2023થી લાગુ થશે. મતલબ કે, આપણા માનનીય સાંસદોન બે વર્ષનું એરીયર્સ પણ મળશે.
આ પણ વાંચો: એકસ્ટ્રા અફેર : રાણા સાંગા મહાન હતા, છે અને રહેશે રામજીલાલના બકવાસથી શું ફરક પડે છે?
મોદી સરકારના જાહેરનામા પ્રમાણે, પગારની સાથે દૈનિક ભથ્થાં અને પેન્શનમાં પણ વધારો કરવામાં આવ્યો છે. દૈનિક ભથ્થું 2,000 રૂપિયાથી વધારીને 2,500 રૂપિયા કરવામાં આવ્યું છે જ્યારે ભૂતપૂર્વ સાંસદોનું પેન્શન 25,000 રૂપિયા પ્રતિ માસથી વધારીને 31,000 રૂપિયા પ્રતિ માસ કરવામાં આવ્યું છે. પાંચ વર્ષથી વધુ સમય માટે સાંસદ રહેલા સભ્યોને આપવામાં આવતું વધારાનું પેન્શન પણ 2,000 રૂપિયા પ્રતિ માસથી વધારીને 2,500 રૂપિયા પ્રતિ માસ કરવામાં આવ્યું છે.
આ જાહેરનામાની ટીકા થઈ રહી છે કેમ કે સરકારનો વિરોધ કરવાનો આવે ત્યારે નાનામાં નાની વાતે પણ કૂદાકૂદ કરી મૂકતા વિપક્ષો ચૂપ છે. સરકાર અને વિપક્ષ એક થઈને દલા તરવાડીની જેમ સરકારની તિજોરીમાંથી પગાર અને ભથ્થાં લઈને પ્રજાના માથે બોજ વધારી રહ્યા છે એવી પણ ટીકા થઈ રહી છે. સામાન્ય લોકોની હાલત ખરાબ છે ત્યારે સાંસદો પોતાનો સ્વાર્થ સાધી રહ્યા છે એવી ટીકા પણ થઈ રહી છે. રાજકારણીઓ સરકારની તિજોરીમાંથી બારોબાર કરોડો રૂપિયા ચાઉં કરી જાય છે છતાં તેમના લોભને થોભ નથી ને નાની રકમ પણ છોડતા નથી એની કોમેન્ટ્સ પણ સોશિયલ મીડિયા પર થઈ રહી છે.
આ પણ વાંચો: એકસ્ટ્રા અફેર : સંઘ મણિપુરની ચર્ચા જ કરશે કે કશું નક્કર પણ કરશે?
ભારતમાં રાજકારણીઓની મથરાવટી મેલી છે તેથી આ ટીકા, સ્વાભાવિક છે, પણ સાંસદોનો પગારવધારો કરાય તેમાં કશું ખોટું નથી ને તેના કારણે સરકારની તિજોરી પણ બહુ મોટો બોજ પણ નથી આવી જવાનો. પહેલી વાત એ કે, સાંસદો પણ માણસ છે અને તેમને પણ પોતે કામ કરે છે તેના બદલામાં વળતર મેળવવાનો અધિકાર છે. તેમને પણ મોંઘવારી નડે છે તેથી સમયાંતરે તેમના પગારમાં વધારો કરાય તેમાં કશું ખોટું નથી. સરકારી કર્મચારીઓના પગારમાં દર ત્રણ મહિને ફેરફાર થાય છે કેમ કે દર ત્રણ મહિને મોંઘવારી ભથ્થું બદલાય છે.
દર વરસે બેઝિક સેલેરી બદલાય છે તેથી એ પ્રમાણે, ભથ્થાં પણ બદલાય છે. વચ્ચે પ્રમોશન મળે તો પાછો પગાર વધી જાય છે, પ્રમોશન ના મળે તો પણ વરસમાં એક વાર તો પગાર વધારો મળે જ છે, મોટા ભાગની ખાનગી કંપનીઓમાં પણ વરસમાં એક વાર તો પગાર વધારો થાય જ છે. સરકારી કર્મચારીઓની સરખામણીમાં કેટલાંક સેક્ટરમાં પગાર વધારો બહુ વધારે હોય છે ને કેટલાંક સેક્ટરમાં ઓછો હોય છે એ અસમાનતા છે પણ એકંદરે પગાર વધારો મોટા ભાગના કર્મચારીઓને મળે છે. તેમની સરખામણીમાં સાંસદોને પાંચ વર્ષે એક વાર પગારો વધારો અપાય તો એ ખોટું નથી.
આ પણ વાંચો: એકસ્ટ્રા અફેર : રશિયા-યુક્રેન વચ્ચે કાયમી શાંતિ દુનિયાના હિતમાં
સાંસદોને બીજા લાભ પણ મળે છે પણ એ સરકારી કર્મચારીઓ કે કોર્પોરેટ કર્મચારીઓ જેવા જ છે. દરેક સાંસદ એક વર્ષમાં 34 મફત હવાઈ મુસાફરી કરી શકે છે. સાંસદ ઈચ્છે તો પોતાના સાથીદાર કે સ્ટાફને 8 ટ્રિપ ટ્રાન્સફર કરી શકે છે. સાંસદને ઈન્ડિયન રેલવેના તમામ વર્ગોમાં મફત મુસાફરીની સુવિધા સંસદ સત્ર ચાલુ હોય કે ના હોય પણ સતત મળે છે. સાંસદો સત્તાવાર કામ માટે રોડ દ્વારા મુસાફરી કરે અને પ્લેન કે ટ્રેન દ્વારા ના જાય એ સંજોગોમાં રોડ મુસાફરી માટે પ્રતિ કિમી ₹16 સુધીનું ભથ્થું આપવામાં આવે છે. સંસદ સત્ર દરમિયાન દિલ્હીમાં સાંસદોને સંસદ સુધી આવવા-જવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે. સરકારી કર્મચારીઓ અને કોર્પોરેટ કર્મચારીઓ પણ બહાર જાય ત્યારે સરકાર કે કંપનીના ખર્ચે જાય જ છે, ટીએ-ડીએ પણ લે છે એ જોતાં સાંસદો વધારાનું કંઈ લેતા નથી.
દિલ્હીમાં સાંસદોને મફત સરકારી આવાસ, ઓફિસ માટે 50,000 યુનિટ મફત વીજળી અને 4 લાખ લિટર મફત પાણીની સુવિધા મળે છે. લોકસભાના સાંસદોને 1.50 લાખ મફત કોલ અને રાજ્યસભાના સાંસદોને 50,000 મફત કોલ મળે છે. સાંસદોને તમામ મેડિકલ સારવાર મફત મળે છે. દેશમાં કોઈ રોગની સારવાર શક્ય ન હોય તો સરકાર ખાસ પરવાનગી હેઠળ વિદેશમાં સારવારનો ખર્ચ ઉઠાવી શકે છે. ભૂતપૂર્વ સાંસદો અને તેમના જીવનસાથીઓને પણ મફત સારવારની સુવિધા મળે છે. આ પ્રકારની સુવિધાઓ સારી કંપનીઓ આપે જ છે ને સરકારી કર્મચારીઓને પણ મળે છે તેથી સાંસદો વધારાનું કંઈ લઈ જતા નથી.
આ પણ વાંચો: એકસ્ટ્રા અફેર : સુનિતાની વાપસીનો તખ્તો તૈયાર, અંત ભલો તો બધું ભલું
સાંસદોના પગાર વધારાના કારણે બહુ મોટો બોજ પણ નથી પડવાનો. લોકસભામાં હાલમાં 543 સાંસદ છે જ્યારે રાજ્યસભામાં 245 સાંસદો છે. લોકસભાના તમામ સાંસદોનો મહિને 24 હજારનો પગાર વધારો ગણો તો 1.31 રૂપિયા જેવો વધારાનો ખર્ચ દર મહિને પડશે ને દર વર્ષે 15.64 કરોડ રૂપિયા સરકારી તિજારીમાંથી વધારાના જશે. રાજ્યસભાના 245 સાંસદનો મહિને 24 હજાર પગાર વધારો ગણો તો મહિને 59 લાખનો બોજો આવે.
રાજ્યસભાના સાંસદોના પગારનો વાર્ષિક બોજો 7.66 કરોડ રૂપિયા થાય. મતલબ કે, લોકસભા અને રાજ્યસભાના સાંસદો મળીને 788 સાંસદોના પગાર વધારાના કારણે વરસે 24 કરોડ રૂપિયા જેવો વધારાનો ખર્ચ થશે. ભારત જેવી મોટી ઈકોનોમી માટે આ ખર્ચ મોટો નથી. આ તમામને એપ્રિલ 2023થી પગાર વધારો આપી દેવાશે, એટલે બે વર્ષના 45.39 કરોડ એરિયર્સ ચૂકવાશે ને આ રકમ પણ મોટી નથી.
લોકોને જે અસંતોષ છે તેનું કારણ રાજકારણીઓ દ્વારા કરાતો ભ્રષ્ટાચાર છે. નેતાઓ બંને બાજુથી સરકારી તિજોરીને લૂંટે છે તેનો આ ખાર છે, પણ તેના માટે પ્રજા જવાબદાર છે. ભ્રષ્ટાચાર સામે પ્રજા ચૂપ બેસી રહે છે તેથી નેતાઓને મોકળું મેદાન મળે છે. લોકોએ પગાર વધારાનો નહીં પણ ભ્રષ્ટાચારનો વિરોધ કરવાનો હોય પણ ભ્રષ્ટાચાર સામે ચુપકીદી સધાય છે ને પગાર વધારા સામે ગણગણાટ થાય છે. આ અસંતોષનો ઉપાય નથી કેમ કે પ્રજામાં નેતાઓના ભ્રષ્ટાચારને રોકવાની હિંમત આવવાની નથી.