આજે રાજસ્થાન અને કોલકત્તા વચ્ચે ટક્કર, બંન્ને ટીમ પહેલી મેચ હારી ચૂકી છે…

ગુવાહાટીઃ પોતાની શરૂઆતની મેચોમાં હારનો સ્વાદ ચાખ્યા બાદ આજે ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ આવતીકાલે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં એકબીજા સામે ટકરાશે. આ મેચમાં બંન્ને ટીમો પોતાની નબળાઈઓને દૂર કરવાનો પ્રયાસ કરશે.
આ પણ વાંચો: શ્રેયસનું પ્રથમ સેન્ચુરીનું બલિદાન, મેક્સવેલના શૂન્યનો રેકોર્ડ
બેટિંગ અને બોલિંગ બંનેમાં આક્રમકતા રાજસ્થાન નિષ્ફળ
ટુર્નામેન્ટની શરૂઆતની મેચમાં કોલકત્તાને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે સાત વિકેટથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે રાજસ્થાન રોયલ્સને સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 44 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ બંને મેચોમાં કોલકત્તા અને રાજસ્થાન બેટિંગ અને બોલિંગ બંન્નેમાં આક્રમકતા બતાવવામાં નિષ્ફળ રહી હતી.
સ્પિનર વરુણ ચક્રવર્તી ચિંતાનો વિષય
સુનીલ નારાયણ સિવાય કોલકત્તાના અન્ય કોઈ બોલર આરસીબીના બેટ્સમેનોને રોકી શક્યા નહીં. આ મેચ પહેલા સારા ફોર્મમાં રહેલા સ્પિનર વરુણ ચક્રવર્તી માટે ચિંતાનો વિષય હશે કે તે પ્રભાવ પાડી શકશે નહીં. ઈડન ગાર્ડન્સની પીચ પર ચક્રવર્તી સામે ફિલ સોલ્ટ અને વિરાટ કોહલીએ સરળતાથી બેટિંગ કરી હતી. કોલકત્તાની ટીમ આશા રાખશે કે આ સ્પિનર ગુવાહાટીમાં વાપસી કરવામાં સફળ રહેશે.
તો એનરિક નોર્કિયાને સ્થાન મળવાના ચાન્સ
ઇજામાંથી સ્વસ્થ થઈ રહેલા એનરિક નોર્કિયાની ફિટનેસ પર પણ નજર રાખશે. જો આ દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલરને ફિટ જાહેર કરવામાં આવે છે, તો તેને સ્પેન્સર જોહ્ન્સનની જગ્યાએ પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળી શકે છે.
છેલ્લી મેચમાં કેપ્ટન અજિંક્ય રહાણે અને નારાયણના આઉટ થયા બાદ નાઈટ રાઈડર્સના મિડલ ઓર્ડર્સમાં કોઇ પણ સારી બેટિંગ કરી શક્યો નહોતો. વેંકટેશ ઐયર અને આન્દ્રે રસેલ ખોટા શોટ રમીને આઉટ થઈ ગયા હતા. ટીમ મેનેજમેન્ટ હવે આશા રાખશે કે તે તેના શોટ પસંદગીમાં સાવધ રહેશે. આ ઉપરાંત કોલકત્તા રિંકુ સિંહ પાસેથી પણ સારા પ્રદર્શનની અપેક્ષા રાખશે.
બોલરોએ સારું પ્રદર્શન કર્યું તો રાજસ્થાનને ફાયદો
જો રાજસ્થાને વાપસી કરવી હોય તો તેના બોલરોએ સારું પ્રદર્શન કરવું પડશે. સનરાઇઝર્સ સામેની છેલ્લી મેચમાં તેના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરે ચાર ઓવરમાં 76 રન આપ્યા હતા જ્યારે ફઝલ હક ફારૂકી અને મહિષ તિક્ષ્ણા પણ બેટ્સમેનોને રોકવામાં નિષ્ફળ રહ્યા હતા.