
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. આજે વિધાનસભા ગૃહમાં વિપક્ષ નેતા અને આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાએ આરોગ્ય પ્રધાનને છેલ્લા બે વર્ષમાં અમદાવાદ સિવિલ કેમ્પસમાં આવેલી કિડની ઈન્સ્ટીટ્યુટમાં કેટલા કિડની અને લીવર પ્રત્યારોપણ થયા તે અંગે પ્રશ્ન પૂછ્યો હતો. જેના જવાબમાં પ્રધાને કહ્યું, 31-01-2025ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં અમદાવાદ સિવિલ કેમ્પસમાં આવેલી કિડની ઈન્સ્ટીટ્યુટમાં કિડનીના 848 અને લીવરના 140 પ્રત્યારોપણ થયા હતા.
જે બાદ પેટા પ્રશ્નમાં ધારાસભ્યએ હૉસ્પિટલમાં કેટલા દર્દીના મોત થયા તેવો પ્રશ્ન પૂછ્યો હતો. જનો જવાબ આપતાં પ્રધાને કહ્યું, પ્રત્યારોપણ બાદ હૉસ્પિટલમાં કિડનીના 28 અને લીવરના 54 દર્દીના મૃત્યુ થયા છે.
આ પણ વાંચો: World Kidney Day : ગુજરાતમાં કિડનીના દરદીઓ વધી રહ્યા છે, અને કિડનીદાન કરનારા હજુ પણ અચકાય છે…
નરોડાના ધારાસભ્ય પાયલ કુકરાનીએ રાજ્યમાં 31-12-2024ની સ્થિતિએ લીવર પ્રત્યારોપણ કરતી હૉસ્પિટલની સંખ્યા કેટલી છે તેવો પ્રશ્ન પૂછ્યો હતો. જેનો જવાબ આપતાં પ્રધાને કહ્યું લીવર પ્રત્યારોપણ કરતી હૉસ્પિટલ 11 છે. ઉપરાંત છેલ્લા બે વર્ષમાં કુલ કેટલા લીવર પ્રત્યારોપણ થયાં તેની વિગત આપતાં પ્રધાને કહ્યું રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 401 લીવર પ્રત્યારોપણ થયા છે. જેમાં 2023માં 196 અને 2024માં 205 લીવર પ્રત્યારોપણ થયા હતા.