
નવી દિલ્હી: થોડા દિવસ પહેલા અલ્હાબાદ હાઈકોર્ટે એક બાળાત્કારના કેસમાં ચોંકાવનારો ચુકાદો આપ્યો (Allahabad High Court Controversial Verdict) હતો. હાઈકોર્ટે ચુકાદામાં કહ્યું હતું કે મહિલાનની છાતીને સ્પર્શ કરવો, તેના પાયજામાની દોરી તોડી નાખવી અને તેને ઢસડવીએ બળાત્કારનો પ્રયાસ ગણાય શકાય નહીં. આ ચુકાદા બાદ હાઈકોર્ટના ચુકાદાની ટીકા કરવામાં આવી. હવે આ ચુકાદા અંગે સુપ્રીમ કોર્ટે (Supreme Court0 અલ્હાબાદ હાઈકોર્ટની ઝાટકણી કાઢી છે અને વિવાદાસ્પદ ચુકાદા પર રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન, આદેશ લખનાર જજની સંવેદનશીલતા પર સવાલ ઉઠાવ્યા હતાં.
સુપ્રીમ કોર્ટે કહ્યું, ‘અમને એ જાણીને દુઃખ થયું છે કે આ નિર્ણય લખનારમાં સંવેદનશીલતાનો અભાવ છે. આ ચુકાદો તાત્કાલિક આપવામાં આવ્યો ન હતો, પરંતુ ચુકાદો ચાર મહિનાના સુધી અનામત રાખ્યા બાદ જાહેર કરવામાં આવ્યો હતો. ચુકાદાના ફકરા 21, 24 અને 26 માં જે કહેવામાં આવ્યું છે, તે કાયદાની હદમાં નથી અને લખનારમાં માનવતાનો અભાવ દર્શાવે છે. અમે આ ફકરામાં કરવામાં આવેલી ટિપ્પણીઓ પર રોક લગાવીએ છીએ.’
‘વી ધ વુમન ઓફ ઈન્ડિયા’ નામની સંસ્થાએ અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદા સામે વાંધો ઉઠાવ્યો હતો અને આ કેસને સુપ્રીમ કોર્ટ સમક્ષ લઇ જવામાં આવ્યો હતો. બાદમાં સુપ્રીમ કોર્ટે સુઓ મોટો લીધો. સોમવારે, જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા આ આદેશ પર સ્ટે મૂક્યો.
સરકાર પાસેથી પણ જવાબ માંગવામાં આવ્યો:
સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્ર સરકાર અને ઉત્તર પ્રદેશ સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. ઉપરાંત, એટર્ની જનરલ આર વેંકટરામણી અને સોલિસિટર જનરલ તુષાર મહેતા પાસેથી પણ સહયોગ માંગવામાં આવ્યો છે.
આ પણ વાંચો…ભારતને યુએસના રેસિપ્રોકલ ટેરિફમાંથી રાહત મળી શકે છે! આજે દિલ્હીમાં થશે મહત્વપૂર્ણ બેઠક
હાઈ કોર્ટે ચુકાદામાં શું કહ્યું હતું?
અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ રામ મનોહર નારાયણ મિશ્રાની બેન્ચે બે આરોપીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી રીવ્યુ પીટીશન આંશિક રીતે સ્વીકારતી વખતે આ ટિપ્પણી કરી હતી. બેન્ચે કહ્યું હતું કે, ‘પ્રોસિક્યુશન પક્ષના મતે, બે આરોપીઓ, પવન અને આકાશે પીડિતાની છાતીને દબાવી, તેમાંથી એકે તેના પાયજામાની દોરી તોડી નાખી અને તેને નાળા નીચે ખેંચવાનો પ્રયાસ કર્યો, પણ પસાર થતા લોકો કે સાક્ષીઓની દરમિયાનગીરીથી તેઓ ભાગી ગયા, આ કલમ 376(બળાત્કારનો પ્રયાસ), 511 IPC અથવા POCSO એક્ટની કલમ 18 સાથે કલમ 376 IPC હેઠળ કેસ ચલવવા માટે પૂરતું નથી.