ગાંધીનગરટોપ ન્યૂઝ

Gujarat Politics: પ્રધાન મંડળના વિસ્તરણની શક્યતાઓ સાથે જ કૉંગ્રસમાંથી ભાજપમાં આવેલા નેતાઓની આશાઓ ફરી જાગી

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રને હવે બે દિવસ જ બાકી રહ્યા છે. વિધાનસભાનું સત્ર પૂરું થયા બાદ ગુજરાતમાં પ્રધાન મંડળનું વિસ્તરણ થઈ શકે છે. ચૈત્ર નવરાત્રિમાં ગમે ત્યારે પ્રધાન મંડળનું વિસ્તરણ થઈ શકે છે. આ અંગે રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી ચર્ચા ચાલી રહી છે. કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓને ફરી પ્રધાન પદ મળવાની આશા જાગી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અર્જુન મોઢવાડિયાને પ્રધાન પદ મળી શકે છે. આ ઉપરાંત ભાજપના છ જેટલા નવા ચહેરાઓને તક મળી શકે છે. આશરે 8 થી 9 પ્રધાનનો સમાવેશ કરવામાં આવે છે. આ ઉપરાંત વર્તમાન પ્રધાન મંડળમાંથી ચાર પ્રધાનની વિદાય કરવામાં આવી શકે છે. આ દરમિયાન કોઈ વિવાદ ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવશે. રાજભવનમાં આ માટે થોડા જ દિવસમાં સત્તાવાર રીતે સંદેશો મોકલવામાં આવશે અને રાજ્યપાલની મંજૂરી અને સમય લેવામાં આવશે.

વિધાનસભામાં ધારાસભ્યોની કુલ સંખ્યા 182 છે. આ અનુસાર તેના 15 ટકા પ્રધાનોની સંખ્યા સુનિશ્ચિત કરવામાં આવી હોવાથી ગુજરાતમાં 27 સભ્યો સાથેનું પૂર્ણ કદનું પ્રધાન મંડળ ગણવામાં આવે છે. પરંતુ પ્રધાન મંડળની સંખ્યા 22 થી 23 જ હોઈ શકે છે, એટલે કે પૂર્ણ કદનું પ્રધાન મંડળ ન બને તેવી પણ શક્યતા છે.

2022 વિધાનસભા ચૂંટણીનું શું આવ્યું હતું પરિણામ
ગુજરાતમાં 2022માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 156 સીટ જીતીને ઇતિહાસ રચ્યો હતો. જ્યારે કૉંગ્રેસને 17 બેઠક મળી હતી. આમ આદમી પાર્ટીને 5 તથા અન્યને 4 સીટ મળી હતી. 2017માં ભાજપને 108 સીટ, કૉંગ્રેસને 68 સીટ તથા અન્યને 6 સીટ મળી હતી.

ગુજરાતના પ્રધાનોનું લિસ્ટ
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, નાણા, ઉર્જા અને પેટ્રોકેમિલ્સ પ્રધાન કનુભાઈ દેસાઈ, આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ, કૃષિ -પશુપાલન, ગૌસંવર્ધન અને ગ્રામ ગૃહ નિર્માણ તથા ગ્રામ વિકાસ પ્રધાન – રાઘવજી પટેલ, ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન અન શ્રમ રોજગાર પ્રધાન – બલવંતસિંહ રાજપૂત, જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબત – કુંવરજી બાવળીયા, પ્રવાસન પ્રધાન – મુળુભાઈ બેરા, આદિજાતિ વિકાસ તથા પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ – કુબેર ડીંડોર, મહિલા અને બાળ કલ્યાણ તથા સામાજિક ન્યાય- ભાનુબેન બાબરીયા.

આ પણ વાંચો…અમદાવાદમાં યુવકને હેલમેટ નહીં પહેરવા બદલ રૂ. 10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો

રાજ્યકક્ષાના પ્રધાનો
ગૃહ અને પોલીસ હાઉસિંગ, રમત ગમત, વાહનવ્યવહાર – હર્ષ સંઘવી, સહકાર – જગદીશ પંચાલ, મત્સ્યોદ્યોગ અને પશુપાલન – પરષોત્તમ સોલંકી, પંચાયત અને કૃષિ – બચુબાઈ ખાબડ, વન અને પર્યાવરણ, કલાયમેટ ચેન્જ તથા જળસંપત્તિ અને પાણી પુરવઠા – મુકેશ પટેલ, સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ – પ્રફુલ પાનશેરીયા, અન્ન અને નાગરિકા પુરવઠા, સામાજીક ન્યાય અને અધિકારીતા – ભીખુસિંહજી પરમાર, આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ – કુંવરજી હળપતિ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button