નેશનલ

ગાઝામાં બોમ્બ ધડાકા બંધ નહીં થાય તો… ભારતીય કંપનીએ ઈઝરાયલને આપ્યો ઝટકો

કુન્નુરઃ ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં અત્યાર સુધીમાં બંને પક્ષે 6000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ દરમિયાન ઈઝરાયલ પોલીસ માટે યુનિફોર્મ બનાવતી કેરળની એક કંપનીએ મોટી જાહેરાત કરી છે. કેરળના કન્નુરમાં સ્થિત મેરિયન એપેરલ પ્રાઈવેટ લિમિટેડે કહ્યું છે કે જ્યાં સુધી ઈઝરાયલ અને હમાસ વચ્ચેની લડાઈ બંધ ન થાય ત્યાં સુધી તે ઈઝરાયલી પોલીસ તરફથી કોઈ નવા આદેશ નહીં લે. પેલેસ્ટાઈનની હોસ્પિટલ પર કથિત બોમ્બ ધડાકા બાદ કંપનીએ આ નિર્ણય લીધો છે. મરીન એપેરલ પ્રાઈવેટ લિમિટેડના પ્રેસિડેન્ટ થોમસ ઓલિકલે કહ્યું હતું કે, ‘કંપનીએ નિર્ણય લીધો છે કે જ્યાં સુધી ગાઝામાં યુદ્ધ બંધ ન થાય ત્યાં સુધી તે ઈઝરાયલી પોલીસ ફોર્સ તરફથી કોઈ નવા ઓર્ડર નહીં લે. 

આ કંપની ઈઝરાયલી પોલીસનો યુનિફોર્મ બનાવે છે, જે આછા વાદળી રંગનો છે. થોમસ ઓલિકલે કહ્યું હતું કે અમે 2015 થી ઇઝરાયલ પોલીસ માટે યુનિફોર્મ બનાવીએ છીએ, પરંતુ હમાસ અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધમાં જે રીતે નિર્દોષ લોકો માર્યા જાય છે તે કોઈ રીતે સ્વીકાર્ય નથી. હમાસે જે કર્યું તે કોઈપણ રીતે યોગ્ય નથી. એ જ રીતે ઈઝરાયલ બદલો લેવા જે કરી રહ્યું છે તે પણ યોગ્ય નથી. 25 લાખ લોકોને ભોજન અને પાણી ન આપવું, હોસ્પિટલોમાં બોમ્બ ધડાકા અને નિર્દોષ મહિલાઓ અને બાળકોના જીવ લેવા સહન કરી શકાય નહીં. અમે ઈચ્છીએ છીએ કે આ લડાઈનો અંત આવે અને ફરીથી શાંતિ સ્થાપિત થાય.’

ઓલિકલે કહ્યું હતું કે, ‘ઇઝરાયલી પોલીસ તરફથી તેને અત્યાર સુધી જે ઓર્ડર મળ્યા છે તે પૂરા કરવામાં આવશે, પરંતુ જ્યાં સુધી લડાઈ બંધ ન થાય ત્યાં સુધી કોઈ નવા ઓર્ડરને સ્વીકારવામાં આવશે નહીં. અમે ફક્ત લડાઈનો અંત જોવા માંગીએ છીએ. અમારા આ નિર્ણયથી ઈઝરાયલ પોલીસ માટે યુનિફોર્મની કોઈ કમી નહીં પડે, પરંતુ આ એક નૈતિક નિર્ણય છે. હોસ્પિટલ પર બોમ્બ ફેંકવો કોઈ પણ રીતે તાર્કિક અને સ્વીકાર્ય નથી. એટલા માટે અમે આ કડક નિર્ણય લીધો છે.’

નોંધનીય છે કે કુન્નુર સ્થિત આ કંપની વર્ષ 2006માં શરૂ કરવામાં આવી હતી અને તે સેના, પોલીસ અને અર્ધલશ્કરી દળો માટે યુનિફોર્મ બનાવે છે. આરોગ્ય કર્મચારીઓ માટે ગણવેશ પણ બનાવે છે. ઇઝરાયલ સહિત સમગ્ર વિશ્વમાં તેના ગ્રાહકો છે. આ કંપની વિશ્વભરની મોટી શાળાઓ, સુપરમાર્કેટ અને ડોકટરો માટે ગણવેશ પણ તૈયાર કરે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button