કુણાલ કામરાને સતત ધમકીભર્યા કોલ મળી રહ્યા છે; કામરાએ પોલીસ સમક્ષ હાજર થવા માટે સમય માંગ્યો

મુંબઈ: જાણીતા સ્ટેન્ડઅપ કોમેડિયન કુણાલ કામરા(Kunaal Kamra)ના શોની એક વિડીયો ક્લિપ વાયરલ થયા બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં હોબાળો મચી ગયો છે. કામરાએ નામ લીધા વગર મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે (Eknath Shinde) અંગે એક પેરોડી ગીત ગયું હતું, જેને કારણે શિવસેનાના કાર્યકરો રોષે ભરાયા છે. ત્યાર બાદથી કુણાલ કામરાને શિવસેનાના કાર્યકરો તરફથી સતત ધમકીભર્યા કોલ્સ અને મેસેજીસ મળી રહ્યા છે, શિવસેનાના કાર્યકર્તા કુણાલને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી રહ્યા છે.
નાયબ મુખ્ય પ્રધાન સામે જોક કરવા બદલ કુણાલ સામે FIR પણ નોંધવામાં આવી છે. મુંબઈ પોલીસે (Mumbai Police) કુણાલને સમન્સ પાઠવ્યું છે, જો કે કુણાલ કામરાએ અધિકારીઓ સમક્ષ હાજર થવા માટે એક અઠવાડિયાનો સમય માંગ્યો છે.
ખાર પોલીસ સ્ટેશનમાં શિવસેનાના વિધાનસભ્ય મુળજી પટેલ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે કુણાલ કામરા વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી. આ કેસના સંદર્ભમાં, પોલીસે કુણાલ સામે નોટીસ જાહેર કરી હતી અને તેને હાજર રહેવા જણાવ્યું હતું. પોલીસે મંગળવારે એમ પણ જણાવ્યું કે શિવસેના પ્રમુખને બદનામ કરવાના આરોપમાં કામરા વિરુદ્ધ થાણેમાં પણ FIR નોંધવામાં આવી છે.
સતત મળી રહ્યા છે ધમકીભર્યા કોલ્સ:
મીડિયા ચેનલના અહેવાલ મુજબ, વિડીયો વાયરલ થયા બાદ કુણાલને 500 થી વધુ ધમકી ભર્યા કોલ્સ આવ્યા છે, જેમાં ફોન કરનારા કુણાલને મારી નાખવાની અને તેના ટુકડા કરવાની ધમકી આપી રહ્યા છે. શિવસેના કાર્યકર્તા વિરોધ પ્રદર્શન કરી કુણાલ કામરાના પુતળા પણ બાળી રહ્યા છે, અને કુણાલ કામરાને મારવાની જાહેરમાં ધમકી આપી રહ્યા છે.
કોમેડી ક્લબ તોડફોડ:
શિવસેના કાર્યકર્તાઓએ મુંબઈના ખારમાં હેબિટેટ કોમેડી ક્લબમાં પણ તોડફોડ કરી હતી, આ ક્લબમાં કુણાલનો કોમેડી શો યોજાયો હતો. શો દરમિયાન, કુણાલે કોઈનું નામ લીધા વિના, ફિલ્મ ‘દિલ તો પાગલ હૈ’ના એક ગીતનું પેરોડી વર્ઝન ગયું હતું, જે કથિત રીતે એકનાથ શિંદેની મજાક મજાક ઉડાવવામાં માટે હતું.
કોમેડી ક્લબમાં તોડફોડ કરવાના આરોપસર પોલીસને શિવસેનાના 12 કાર્યકર્તા અને નેતાઓની ધરપકડ કરી હતી, બાદમાં આ લોકોને જામીન પર છોડી દેવામાં આવ્યાં. તોડફોડ કરવા બદલ 40 શિવસેના કાર્યકરો સામે બીજો એક કેસ પણ નોંધવામાં આવ્યો હતો.
આ પણ વાંચો…ઈદ પર ધમાલ મચાવશે સલમાન-રશ્મિકાની ફિલ્મ સિકંદર, જાણો કેટલું થયું એડવાન્સ બુકિંગ
કામરા માફી નહીં માંગે:
હોબાળા બાદ કુણાલ કામરા પોતાની વાત પર અડગ છે. તેણે કહ્યું કે તે તેના જોક બદલ માફી માંગશે નહીં. તેણે કહ્યું “મેં એ જ કહ્યું છે જે અજિત પવાર (પ્રથમ નાયબ મુખ્યપ્રદાન) એ એકનાથ શિંદે (બીજા નાયબ મુખ્યપ્રધાન) વિશે કહ્યું હતું”.