બફારો વધ્યો, ગરમી વધશે:રવિવાર સુધીમાં પારો ૩૬એ પહોંચશે…
એપ્રિલના પહેલા સપ્તાહમાંં હળવા ઝાપટાં પણ પડી શકે છે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈગરાએ બે-ત્રણ દિવસથી આકરી ગરમી અને ઉકળાટનો અનુભવ કરી રહ્યા છે. દિવસના સમયે દઝાડતો તડકો પડી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે ૩૦ માર્ચ સુધી ગરમીનું પ્રમાણ ઊંચું રહેશે અને તાપમાનનો પારો ૩૬ ડિગ્રી સુધી ઊંચો જવાની શક્યતા વ્યક્ત કરી છે.
મુંબઈમાં બે-ત્રણ દિવસથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ વધી ગયું છે અને સખત બફારો પણ થઈ રહ્યો છે. મંગળવારે કોલાબામાં સવારના ભેજનું પ્રમાણ ૮૬ ટકા અને સાંજના ૬૪ ટકા રહ્યું હતું. તો સાંતાક્રુઝમાં સવારના સમયે ભેજનું પ્રમાણ ૮૪ ટકા અને સાંજના ૫૮ ટકા રહ્યું હતું.
બપોરના સમયે આકરો તડકો પડી રહ્યો હોવાથી શક્ય હોય તો તો ઘરની બહાર નીકળવાનું ટાળવાની અપીલ પણ હવામાન વિભાગે કરી છે. મંગળવારે દિવસના કોલાબામાં મહત્તમ તાપમાન ૩૨.૫ ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતા ૦.૭ ડિગ્રી વધુ હતું. જયારે સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન ૩૩.૫ ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતા ૦.૩ ડિગ્રી વધુ હતું. જયારે લઘુતમ તાપમાન અનુક્રમે ૨૪.૭ ડિગ્રી અને ૨૨.૭ ડિગ્રી રહ્યું હતું, જે સામાન્ય કરતા ૧.૧ ડિગ્રી અને ૦.૬ ડિગ્રી વધુ હતું.
હાલ રાજ્યમાં વિદર્ભમાં આકરી ગરમી પડી રહી છે અને મોટાભાગના જિલ્લામાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગે મુંબઈ માટે આગામી સાત દિવસની આગાહી કરી છે, જેમાં ૨૯ માર્ચથી મહત્તમ તાપમાન ૩૬ ડિગ્રી સુધી વધવાનું શરૂ થઈ શકે છે અને ૩૧ માર્ચના ૩૫ ડિગ્રી સુધી ઘટી શકે છે.
હવામાન વિભાગના નિષ્ણાતના કહેવા મુજબ મુંબઈ સહિત મુંબઈ મેટ્રોપોલિટન રિજનના અમુક ભાગમાં પહેલીથી છ એપ્રિલની આસપાસ ચોમાસા પહેલાના વરસાદનાં હળવા ઝાપટા પડવાની શક્યતા છે. તેથી હાલ આકાશ જે સ્વચ્છ જોવા મળી રહ્યું છે, તેની સરખામણીમાં આગામી થોડા દિવસ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે.
આ પણ વાંચો : કોલસાથી પ્રદૂષણ થાય છે કે નહીં નક્કી કરોઃ હાઇ કોર્ટે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને લગાવી ફટકાર
હવામાન વિભાગે આપેલા આંકડા મુજબ મુંબઈમાં માર્ચ મહિનામાં સૌથી ઊંચું તાપમાન ૪૧.૭ ડિગ્રી ૨૮ માર્ચ ૧૯૫૬ના નોંધાયું હતું. તો છેલ્લા એક દાયકામાં શહેરમાં માર્ચમાં ઓછામાં ઓછા ચાર વખત તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર કર્યો છે, જેમાં ૨૮ માર્ચ, ૨૦૨૧ના ૪૦.૯ ડિગ્રી, ૨૬ માર્ચ, ૨૦૧૯ના ૪૦.૩ ડિગ્રી, ૨૬ માર્ચ, ૨૦૧૮ના રોજ ૪૧.૦ ડિગ્રી અને ૨૬ માર્ચ, ૨૦૧૫ના રોજ ૪૦.૮ ડિગ્રી નોંધાયું હતું.