આંતરરાષ્ટ્રીય બોર્ડર પર અરનિયા સેક્ટરમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યાના ત્રણ દિવસ બાદ, શુક્રવારે ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં લાઈન ઓફ કંટ્રોલ(એલઓસી) પારથી પાકિસ્તાન સેનાએ ગોળીબાર કર્યો હતો. સુત્રોના જણાવ્યા મુજબ સ્નાઈપર શોટમાં સેનાનો એક જવાન ઘાયલ થયો હતો.
સૂત્રોએ જણાવ્યું હતું કે શુક્રવારે કેરન સેક્ટરમાં એલઓસી નજીક પાકિસ્તાને સેનાના એક જવાનને સ્નાઈપર શોટથી નિશાન બનાવ્યો હતો, જેમાં જવાન ઘાયલ થયો હતો. આ ઘટના એલઓસી પર ચાંદની પોસ્ટ પાસે બની હતી. ઘાયલ સૈનિકને વિશેષ સારવાર માટે શ્રીનગરની આર્મીની 92 બેઝ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. જવાનની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. જોકે આ ઘટના અંગે સેના દ્વારા કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા ગત મંગળવારે અરનિયા સેક્ટરમાં પાકિસ્તાની રેન્જર્સ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ(બીએસએફ)ના બે જવાન ઘાયલ થયા હતા. ગુરુવારે બંને દેશો વચ્ચે યોજાયેલી ફ્લેગ મીટિંગમાં બીએસએફએ આ અંગે વાંધો વ્યક્ત કર્યો હતો. જેમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી કે પાકિસ્તાને ઉશ્કેરણી કર્યા વિના ગોળીબારની ઘટનાઓ બંધ કરવી જોઈએ, તેમજ ઘૂસણખોરીની ઘટનાઓ પર કાબુ મેળવો જોઈએ.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને