પાણીપતનું યુદ્ધ મરાઠાઓની બહાદુરીની નિશાની છે, પરાજયની નહીં: ફડણવીસ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પાણીપતનું ત્રીજું યુદ્ધ મરાઠાની બહાદુરીની નિશાની છે, પરાજયની નહીં, એમ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે વિધાનસભામાં જણાવ્યું હતું. અંતિમ અઠવાડિયા પ્રસ્તાવ પર જવાબ આપતાં તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકાર આગ્રામાં છત્રપતિ શિવાજી મહારાજની યાદમાં ‘શિવ-સ્મારક’ બનાવી રહી છે.
આવી જ રીતે મરાઠાઓ અને અહમદશાહ અબ્દાલી વચ્ચે 1761માં જ્યાં પાણીપતનું ત્રીજું યુદ્ધ થયું હતું ત્યાં પણ સ્મારક બાંધવા માટે ભૂમિ અધિગ્રહણ કરી લેવામાં આવ્યું છે, એમ તેમણે કહ્યું હતું. આના જવાબમાં જિતેન્દ્ર આવ્હાડે એવો સવાલ કર્યો હતો કે પાણીપતમાં અબ્દાલીએ મરાઠાઓને પરાજિત કર્યા હતા ત્યાં કેમ સ્મારક બાંધવામાં આવી રહ્યું છે, પાણીપત આપણી બહાદુરીની નહીં, પરાજયની નિશાની છે.
આ યુદ્ધ અહમદશાહ અબ્દાલી અને મરાઠા સરદાર સદાશિવરાવ ભાઉ વિરુદ્ધ લડવામાં આવ્યું હતું. વિશ્ર્વમાં ક્યાંય પરાજયના સ્મારક બાંધવામાં આવતા નથી, એમ આવ્હાડે કહ્યું હતું. આનો જવાબ આપતાં ફડણવીસે કહ્યું હતું કે પાણીપતનું યુદ્ધ મરાઠાઓની બહાદુરીનું પ્રતિક છે, પરાજયનું નહીં.
દિલ્હીનો શાસક મરાઠાઓને ચૌથ ચુકવતો હતો, જ્યારે અબ્દાલીએ દિલ્હી પર વિજય મેળવ્યો ત્યારે તેમણે મરાઠાઓને દિલ્હી બચાવવા માટે આવવા જણાવ્યું હતું, એમ ફડણવીસે આ યુદ્ધની વાતો યાદ કરાવતાં કહ્યું હતું. મરાઠાઓ દિલ્હી ગયા અને અબ્દાલીને હરાવ્યો હતો. અફઘાન શાસક ત્યારે દિલ્હી છોડીને ભાગી ગયો હતો અને યમુના નદી પાસે તંબુ તાણ્યા હતા.
આ પણ વાંચો : છત્રપતિ શિવાજી-સંભાજી મહારાજ વિશે વાંધાજનક ટિપ્પણી કરનાર પત્રકાર પકડાયો
અબ્દાલીએ ત્યારબાદ મરાઠાઓને શાંતીનો પ્રસ્તાવ આપ્યો હતો કે પંજાબ, સિંધ ને બલૂચિસ્તાન અહમદશાહનો પ્રદેશ ગણાશે જ્યારે બાકીનો સમગ્ર દેશ મરાઠાનો પ્રદેશ ઓળખાશે. મરાઠાઓ આ વિવાદ સાથે સંકળાયેલા નહોતા, પરંતુ તેમણે ભારપુર્વક કહ્યું હતું કે તેઓ એક ઈંચ જગ્યા અબ્દાલીને નહીં આપે. મરાઠા દેશ માટે લડ્યા હતા, જેથી આ ત્રણ વિસ્તારો ભારતનો હિસ્સો રહે, એમ પણ ફડણવીસે કહ્યું હતું.