ચાર વિધાનસભા બેઠકો પર વિવાદને કારણે 2014માં યુતિ તૂટી હતી: ફડણવીસ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે 2014માં ભાજપ અને શિવસેનાની યુતિ પહેલી વખત શિવસેના દ્વારા તોડવામાં આવી હતી અને તેનું કારણ ચાર વિધાનસભાની બેઠક હતી. જ્યારે તેમને લડવા માટે 147 બેઠકો ફાળવવામાં આવી હતી, પરંતુ તેમણે 151 બેઠકો પર લડવાનો આગ્રહ રાખ્યો હતો.
સિક્કિમના રાજ્યપાલ ઓમ પ્રકાશ માથુરની મુંબઈ મુલાકાત વખતે તેમના સન્માનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો ત્યારે તેમણે આ વાત કહી હતી. અહીં ઉલ્લેખનીય છે કે માથુર એ સમયે મહારાષ્ટ્રના ભાજપના ઈન-ચાર્જ હતા.
ફડણવીસે કહ્યું હતું કે ભાજપે ત્યારે 127 બેઠકો પર લડવાની તૈયારી કરી હતી અને શિવસેનાને 147 બેઠકો ઓફર કરી હતી.
અમે શિવસેનાને અલ્ટિમેટમ આપ્યું હતું કે તેઓ 147 બેઠકો પર ચૂંટણી લડી શકે છે અને અમે માત્ર 127 બેઠકો પર લડીશું, જ્યારે અમને એવી પૂરી આશા હતી કે અમે 200થી વધુ બેઠકો જીતી શકીશું. એ સમયે શિવસેનાને મુખ્ય પ્રધાનપદ મળી શક્યું હોત. ભાજપનો ત્યારે નાયબ મુખ્ય પ્રધાન બન્યો હોત.
અમને એમ કહેવામાં આવ્યું હતું કે ‘યુવરાજે’ 151 બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે અને હવે તેઓ એનાથી ઓછી બેઠક પર લડવા માગતા નથી, એમ ફડણવીસે કોઈનું નામ લીધા વગર કહ્યું હતું.
ફડણવીસે પછી એમ પણ કહ્યું હતું કે એવું લાગે છે કે નિયતીએ તેમને રાજ્યના મુખ્ય પ્રધાન બનાવવાની યોજના ઘડી હતી.
તેમણે ભાજપના સિનિયર નેતા અમિત શાહ સાથે થયેલી ચર્ચા પણ વાગોળી હતી.
અમે અમિત શાહ સાથે વાત કરી અને તેમને કહ્યું હતું કે આ આપણી સાથે યોગ્ય વર્તન કરવામાં આવતું નથી. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી. શાહ, માથુર અને મને વિશ્ર્વાસ હતો કે 2014ની વિધાનસભાની ચૂંટણીમાં અમે જોરદાર લડત આપી શકીશું, એમ તેમણે કહ્યું હતું.
આપણ વાંચો: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પ્રથમ મોબાઇલ ફોરેન્સિક વૅન લોન્ચ કરી
ભાજપે પહેલાં જ યુતિ તોડવાનું નક્કી કરી નાખ્યું હતું: સંજય રાઉત
ફડણવીસે કરેલા દાવાનો જવાબ આપતાં શિવસેના (યુબીટી)ના નેતા અને સંસદસભ્ય સંજય રાઉતે મંગળવારે કહ્યું હતું કે તે સમયે ઘણી બધી ઘટના બની હતી અને તેમણે એવો દાવો પણ કર્યો હતો કે ભાજપના નેતાઓએ શિવસેના સાથે યુતિ તોડી નાખવાની યોજના પહેલેથી જ ઘડી રાખી હતી.
દરેક બેઠક માટેની ચર્ચાઓ 72 કલાક સુધી ખેંચવામાં આવતી હતી. ઓમ માથુર ભાજપના મહારાષ્ટ્રના ઈન-ચાર્જ હતા. મારે પ્રમાણિકપણે સ્વીકારવું રહ્યું કે ફડણવીસ શિવસેના સાથે યુતિ જાળવી રાખવાના પક્ષકાર હતા. તેમને યુતિ જોઈતી હતી, પરંતુ યુતિ તૂટી કેમ કે ભાજપના કેટલાક સિનિયર નેતાઓને યુતિ તોડવી હતી, એમ રાઉતે દાવો કર્યો હતો.
બંને પાર્ટીઓએ 2014માં ચૂંટણીઓ અલગથી લડી હતી અને શિવસેના પરિણામો પછી ભાજપની સાથે યુતિમાં સરકારમાં જોડાઈ ગઈ હતી.