ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન(ઈસરો)ના મહત્વાકાંક્ષી મિશન ગગનયાન માટેની પ્રથમ ટેસ્ટ ફ્લાઈટ આજે શનિવારે સવારે 8 લોંચ થવાની હતી, પરંતુ કોઈ ટેકનીકલ કારણોસર ટેસ્ટ ફ્લાઈટ છેલ્લી ઘડીએ મુલતવી રાખવામાં આવી હતી. ઈસરોના પ્રમુખ એસ સોમનાથે મીડિયાને સંબોધિત કરતા કહ્યું હતું કે, અમે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે શું ખામી રહી ગઈ હતી. અમે ફરી પ્રયાસ કરીશું.
ઈસરોના પ્રમુખ એસ સોમનાથે કહ્યું કે, યોજના મુજબ આ ટેસ્ટ ફ્લાઈટ સવારે 8 વાગ્યે લોન્ચ થવાની હતી પરંતુ, કેટલાક કારણોસર અમે તેના પ્રક્ષેપણનો સમય સવારના 8.45નો કર્યો હતો. ત્યાર બાદ પણ, કમાન્ડ લોન્ચ કરતી વખતે, કમ્પ્યુટરે અમને રોકેટ ઇગ્નીશન કરવાની મંજૂરી આપી ન હતી. લોંચ વિહિકલ સુરક્ષિત છે, ઇગ્નીશન ન થવા અંગે અમે કારણોની તપાસ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું હતું કે અમે જલ્દીથી ફરી પ્રયાસ કરીશું.
અત્રે ઉલ્લેખનીય છે કે ગગનયાન મિશન વર્ષ 2025માં લોચ કરવાની ઈસરોની યોજના છે. આ ભારતનું પહેલું સમાનવ અવકાશ મિશન હશે. આ મિશન માટેની પહેલી ટેસ્ટ ફ્લાઈટ (ટીવી-ડી1) આજે 21 ઓક્ટોબરની સવારે લોન્ચ થવાની હતી પરંતુ તે શક્ય ના બન્યું. કાઉન્ટડાઉનમાં 5 સેકન્ડ બાકી હતી ત્યારે ટેસ્ટ ફ્લાઈટ હોલ્ડ પર રાખવામાં આવી હતી.