વેપાર

વૈશ્વિક સોનામાં મક્કમ વલણ, સ્થાનિક સોનામાં રૂ. ૧૬૦નો અને ચાંદીમાં રૂ. ૨૯નો ઘસરકો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આગામી શુક્રવારે અમેરિકાના પર્સનલ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર ડેટાની જાહેરાત પૂર્વે હાલ વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીમાં છૂટીછવાઈ માગને ટેકે ભાવમાં મક્કમ વલણ જળવાઈ રહ્યું છે. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં ઊંચા મથાળેથી બન્ને કિંમતી ધાતુઓમાં સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવમાં સાધારણ પીછેહઠ જોવા મળતા આજે મધ્યસત્ર દરમિયાન સોનામાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૬૦નો ઘસરકો આવ્યો હતો. જોકે, આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક કોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં વધ્યા મથાળેથી ૧૬ પૈસાનો ઘટાડો આવ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરો વધવાથી ભાવઘટાડો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. તેમ જ આજે મધ્યસત્ર દરમિયાન ચાંદીમાં પણ કિલોદીઠ રૂ. ૨૯નો સાધારણ ઘટાડો આવ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન સોનામાં ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ અને જવેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ પણ મર્યાદિત રહેતાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૬૦ના ઘટાડા સાથે ૯૯૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૮૭,૨૦૮ અને ૯૯૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૮૭,૫૫૯ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે ૯૯૯ ટચ ચાંદીમાં પણ મધ્યસત્ર દરમિયાન સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જવેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૨૯ના ઘટાડા સાથે ૩. ૯૭,૩૭૮ના મથાળે રહ્યા હતા.

આગામી સપ્તાહથી અમેરિકા ખાતે રેસિપ્રોકલ ટેરિફનો અમલ થઈ રહ્યો હોવાથી તેમ જ આ સપ્તાહના અંતે અમેરિકાના પર્સનલ કન્ઝમ્પશન એક્સપેન્ડિચરના ડેટાની જાહેરાત થવાની હોવાથી આજે લંડન ખાતે સાવચેતીના અભિગમ વચ્ચે હાજર તેમ જ વાયદામાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૧ ટકા વધીને અનુક્રમે ઔંસદીઠ ૩૦૧૫.૬૬ ડૉલર અને ૩૦૧૯.૭૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 0.3 ટકા વધીને આઁસદીઠ ૩૩.૧૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા.

એકંદરે અમેરિકાના રેસિપ્રોકલ ટેક્સની અનિશ્ચિતતાનો સોનાને હેજરૂપી માગનો ટેકો મળી રહ્યો હોવાનું આઈજી માર્કેટનાં સ્ટ્રેટેજિસ્ટ યીપ જૂન રૉંગે જણાવતાં ઉમેર્યું હતું કે ગઈકાલે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ઑટોમોબાઈલ ટેરિફનો અમલ થશે એમ જણાવ્યું હોવાથી અન્ય ચીજોમાં કુણું વલણ અપનાવવામાં આવે તેવો આશાવાદ સપાટી પર આવ્યો હતો. જાકે, ટ્રમ્પની ટેરિફની નીતિઓને કારણે અમેરિકાની આર્થિક વૃદ્ધિ મંદ પડવાની સાથે ફુગાવો વધવાની અને વૈશ્વિક સ્તરે વેપારી તણાવ વધવાની ભીતિ સપાટી પર આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

આ પણ વાંચો…રેખા ગુપ્તાએ વિધાનસભામાં નાણાકીય વર્ષ 2025-26 માટેનું બજેટ રજૂ કર્યું, કોના માટે કરી વિશેષ જાહેરાત?

દરમિયાન ગઈકાલે એટલાન્ટા ફેડના પ્રમુખ રાફેલ બૉસ્ટિકે આગામી દિવસોમાં ફુગાવામાં વધારો થવાની શક્યતાને ધ્યાનમાં લેતાં અમેરિકી ફેડરલ રિઝર્વ વર્ષના અંત આસપાસ માત્ર એક જ વખત વ્યાજદરમાં ૨૫ બૈસિસ પૉઇન્ટનો કાપ મૂકે તેવી ધારણા વ્યક્ત કરી હતી. જોકે, આગામી ટૂંકા સમયગાળા દરમિયાન સોનાને આર્થિક અને રાજકી-ભૌગોલિક અનિશ્ચિતતાનો ટેકો મળતો રહેશે તેવી ધારણા બજાર વર્તુળો મૂકી રહ્યા છે. તેમ છતાં રોકાણકારોની નજર ફેડરલનાં વ્યાજદર અંગેના નિર્ણય પર અસર કરનાર સપ્તાહના અંતે જાહેર થનારા ફુગાવાના ડેટા પર મંડાયેલી રહેશે, એમ બજાર વર્તુળોએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button