ભુજ

અંજારમાં પણ ચાલી બુલડોઝર ડ્રાઈવઃ બની બેઠેલા માથાભારે બાબાનું બાંધકામ જમીનદોસ્ત…

ભુજઃ ગુજરાતમાં અસામાજિક તત્વો પર કાર્યવાહી હાલ પુરજોશમાં ચાલી રહેલી છે તેવામાં સરહદી કચ્છના અંજાર વિસ્તારના રીઢા બૂટલેગર તરીકે પંકાયેલા સુજા રબારીએ વરસામેડી નજીક કરેલા દબાણને જમીનદોસ્ત કર્યા બાદ પોલીસે અન્ય માથાભારે શખ્સ સુલેમાનશા આમદશા શેખ ઊર્ફે બાબાના ગેરકાયદે ફાર્મ હાઉસને તોડી પાડ્યું છે.


બાબાના ટૂંકા નામથી ઓળખાતા આ નામચીન શખ્સે ભુજ-અંજાર માર્ગ પર ઓક્ટ્રોય નાકા પાસે નગરપાલિકા હસ્તકની રોડટચ જમીન પર તેણે બે રૂમ, એક મોટા હોલ સાથે બે રસોડાં, મોટું આંગણું, આલીશાન બાથરૂમ તથા પતરાનો મોટો શેડ ખડકીને કમ્પાઉન્ડ વૉલ ચણી નાખી હતી. પી.આઈ એ.આર. ગોહિલે જણાવ્યું હતું કે આરોપી સામે સસ્તાં સોના અને એક કા તીન જેવી લાલચ આપીને ઠગાઈ કરવી, બળજબરીથી મિલકત પડાવી લેવી, મારામારી સહિતના સંખ્યાબંધ શરીરસંબંધી ગુના અંજાર અને અન્ય પોલીસ મથકોમાં નોંધાયેલાં છે.

આ પણ વાંચો:માત્ર કચ્છના બંદરો પરથી વીતેલા પાંચ વર્ષોમાં આટલું ડ્રગ્સ પકડાયુંઃ લોકસભામાં જાહેર થયા આંકડા

ચુસ્ત બંદોબસ્ત સાથે આ દબાણ હટાવીને અંદાજે ૩૦૦ ચોરસ મીટર જમીન મુક્ત કરાઈ છે જેની અંદાજીત કિંમત ૫૦ લાખથી વધુની થાય છે.

આ પણ વાંચો:ભુજ પોલીસદળ કૉમ્બિંગ કરતું હતું અને મળી ગયો આરોપીઃ જાણો વિગતવાર

બીજી તરફ, ગાંધીધામના કિડાણામાં દાદા બનીને ફરતાં ઈસ્માઈલ ઊર્ફે કાસુડો ઈબ્રાહિમ ચાવડા, અસગર ઈસ્માઈલ ચાવડા અને ઝુબેર અકબર પઠાણને આજે હાથકડીઓ પહેરાવીને પોલીસે બજારમાં સરઘસ કાઢ્યું હતું. આ ત્રણ શખ્સ અને ગની ઊર્ફે ગનીડો ચાવડા એમ ચાર આરોપીએ કબૂતર વેચવાની નજીવી બાબતે ૧૫ માર્ચના રોજ ગામમાં રહેતા સોમચંદ રોશિયા નામના એક દલિત યુવક પર પાઈપ, કુહાડીથી હુમલો કરી ઢોર માર માર્યો હતો. આ ગુનામાં આજે ત્રણેની ધરપકડ કરીને ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ગુનાના સ્થળ પર ડેમોન્સ્ટ્રેશન પંચનામું કર્યું હતું. આરોપીઓ પર અગાઉ ગુજસીટોક જેવા ગંભીર ગુના દાખલ થયેલાં હોવાનું જાણવા મળી રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button