આમચી મુંબઈ

પ્રદૂષણને ડામવા પાલિકાનો ‘એક્શન પ્લાન’

  • ક્ધસ્ટ્રકશન સાઈટ પર ૧૫ દિવસમાં સ્પ્રિંકલર અને ‘એન્ટી-સ્મોગ ગન’ બેસાડાશે
  • મુંબઈમાં ૫૦થી ૬૦ રસ્તા પર સવારના ‘સ્મોગ ગન’થી પાણીનો છંટકાવ
  • ક્ધસ્ટ્રકશન સાઈટ પર ૩૫ ફૂટ ઊંચા બેરીકેડ્સની સાથે કપડાંથી ઢાંકવાનું રહેશે
    *તમામ ક્ધસ્ટ્રક્શન સાઈટ પર ઍર કવોલિટી ઈન્ડેક્સ મેઝરમેન્ટ સિસ્ટમ બેસાડવાની રહેશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પ્રદૂષણ માટે પ્રખ્યાત દિલ્હીને પાછળ રાખીને છેલ્લા બે દિવસમાં મુંબઈ પ્રદૂષણમાં આખા દેશમાં પહેલા નંબરે આવી ગયું હોવાના અખબારી અહેવાલોને પગલે અચાનક સફાળી જાગી ઉઠેલી મુંબઈ મનપાએ હવે ‘એક્શન પ્લાન’ ઘડી કાઢ્યો છે અને પ્રદૂષણને નિયંત્રણમાં લેવા માટે ‘સ્મોગ ગન’ અને સ્પ્રિંકલરનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે. આ ઉપરાંત શહેરમાં ચાલી રહેલા બાંધકામ પ્રોજેક્ટ પર પણ ભારે તવાઈ લાવવામાં આવી છે.

મુંબઈમાં છેલ્લા થોડા દિવસ વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ ભયજનક રીતે વધી ગયું છે શહેરમાં વધતી જતી બાંધકામ પ્રવૃતિને કારણ વાયુ પ્રદૂષણમાં ધરખમ વધારો થઈ રહ્યો હોવાનું કહેવાય છે ત્યારે મુંબઈ મહાનગરપાલિકાએ હવે પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા ડેવલપરો સામે વધુ સખત પગલા લેવાનો નિર્દેશ આપ્યો છે, તે મુજબ પાલિકાએ શુક્રવારે પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા નિયમાવલી(ગાઈડલાઈન) બહાર પાડી હતી, તેનું પાલન નહીં કરનારા ડેવલપરોને તુરંત સ્ટોપ વર્કની નોટિસ આપવાનો નિર્દેશ મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર અને પ્રશાસક ઈકબાલસિંહ ચહલે આપ્યો હતો. આ ગાઈડલાઈનનો અમલ ૨૩ ઑક્ટોબર, ૨૦૨૩થી કરવામાં આવવાનો છે.

મુંબઈના રસ્તા પરની ધુળનું પ્રમાણ ઘટાડવા માટે મુંબઈ મહાનગરપાલિકા તરફથી ‘એન્ટી-સ્મોગ ગન’નો ઉપયોગ કરવામાં આવવાનો છે. તો આગામી ૧૫ દિવસમાં મુંબઈની દરેક ક્ધસ્ટ્રક્શન સાઈટ પર ‘એન્ટી-સ્મોગ ગન’ બેસાડવામાં આવવાની છે. તેમ જ તમામ ક્ધસ્ટ્રક્શન સાઈટ પર ઍર કવોલિટી ઈન્ડેક્સ મેઝરમેન્ટ સિસ્ટમ બેસાડવાની રહેશે.

રસ્તા પર પાણીનો છંટકાવ કરાશે

મુંબઈના મહત્ત્વના ગણાતા ૫૦થી ૬૦ રસ્તાઓ પર વાહન આધારિત એન્ટી સ્મોગ ગનથી દરરોજ વહેલી સવારના પાણીનો છંટકાવ કરવામાં આવશે, જેથી રસ્તા સ્વચ્છ થઈને ધૂળ રોકી શકાશે. મુંબઈના દરેક રસ્તાની સફાઈ કરતા સમયે ધૂળ ઓછી કરવા માટે પાલિકાના રોડ ડિપાર્ટમેન્ટી ટીમ રસ્તાઓનું ઈન્સ્પેક્શન કરશે.

બાંધકામ બાબતે સૂચના

કમિશનરે બેઠકમાં એક એકર અથવા તેનાથી વધુ ક્ષેત્રમાં બાંધકામ હોય એવી જગ્યાની આજુબાજુ ૩૫ ફૂટ ઊંચા લોખંડના પતરાથી ઢાંકવાનો આદેશ આપ્યો હતો. એ સિવાય સંપૂર્ણ બાંધકામ ક્ષેત્ર જ્યૂટ અથવા લીલા કપડાથી ઢાંકવાના રહેશે. તેમ જ તેના કરતા ઓછા ક્ષેત્રના પ્લોટ પર ઓછામાં ઓછા ૨૫ ફૂટ ઊંચાઈના લોખંડ તથા પતરા અને કપડાથી ઢાંકવાના રહેશે. દરેક બાંધકામના સ્થળે સ્પ્રિંકલર યંત્રણા (પાણીનો છંટકાવ) રાખવી અને ધૂળ ઊડે નહીં તે માટે દિવસમાં ઓછામાં ઓછું ચારથી પાંચ વખત પાણીનો છંટકાવ કરવાનો રહેશે. દરેક બાંધકામના સ્થળે આગામી ૧૫ દિવસમાં ‘એન્ટી-સ્મોગ ગન’ બેસાડવાના રહેશે. મુંબઈના રસ્તા પરની ધૂળનું પ્રમાણ ઘટાડવા માટે પાલિકા તરફથી ‘એન્ટી-સ્મોગ ગન’ વાહનોને કામ લગાડવામાં આવશે. દરેક બાંધકામના ઠેકાણે સ્વતંત્ર ઍર ક્વોલિટી ઈન્ડેક્સ માપનારી યંત્રણા બેસાડવાની રહેશે. મેટ્રો, રસ્તા, ફલાયઓવર તેમ જ સરકારી નિર્માણધીન કામના ઠેકાણે ૩૫ ફૂટ ઊંચાઈના કપડાથી ઢાંકવાનું તેમ જ સ્પ્રિંકલર બેસાડવા રહેશે. મેટ્રો રેલવેના બાંધકામ શરૂ થવાના ઠેકાણે સંબંધિત યંત્રણાની મદદથી પરિસરની હવાની ગુણવત્તા પર ધ્યાન આપીને તમામ ઉપયાયોજના કરવાની રહેશે. બિલ્િંડગ અથવા કોઈ પણ પ્રકારના બાંધકામ પાડતા સમયે પણ આજુબાજુથી કવર કરવાનું રહેશે અને ત્યારબાદ જ બાંધકામ પાડવાનું રહેશે, જેથી કરીને ધૂળ ફેલાય નહીં. ધૂળ નિર્માણ થાય એવા કોઈ પણ બાંધકામ સંપૂર્ણપણે ઢાંકવાના રહેશે. બાંધકામ માટે લાગનારા માર્બલ, પથ્થર, લાકડા વગેરે કાપવાના તેમ જ ગ્રાઉન્ડિંગ જેવા કામ બંધ વિસ્તારમાં અથવા આજુબાજુથી ઢંકાયેલા વિસ્તારમાં કરવાની રહેશે.

રિફાઈનરી પરિસરમાં હવાની ગુણવત્તાની તપાસ કરવાની સૂચના

મુંબઈના વીજળી, ઊર્જા, ગૅસ વિષયક મોટા પ્રોજેક્ટમાંથી નીકનારા વાયુ પ્રદૂષણ પર નિયંત્રણ રાખવાના સંબંધિતોએ પ્રયાસ કરવાના રહેશે. આ પ્રોજેક્ટના ઠેકાણે પ્રદૂષણ નિયંત્રણ માટે રહેલી યંત્રણાની વિજિલન્સ ટીમના માધ્યમથી તપાસ કરવામાં આવશે. રિફાઈનરીના પરિસરની હવાની ગુણવત્તાની ખાતરી કરવાની જવાબદારી પાલિકાની રહેશે. માહૂલ જેવા પરિસરમાં નિયમિત રીતે અને સખતાઈપૂર્વક તમામ ઉપાયયોજનાની અમલબજાવણી કરવાની જવાબદારી સંબંધિત યંત્રણાની રહેશે. અન્યથા તેમને પણ કાર્યવાહીનો સામનો કરવાનો રહેશે.

બાંધકામ માટે વાપરનારા વાહનો માટે સૂચના
ક્ધસ્ટ્રકશન સાઈટ પર નીકળનારી ડેબ્રીજ, બાંધકામનું મટિરિયલ તેમ જ અવર-જવર કરનારા વાહનો ઢાંકેલા રાખવાના રહેશે. તેમ જ વાહનોએ વજનની મર્યાદા પાળવાની રહેશે. ડેબ્રીજને લઈ જતા દરેક વખતે તેના પર સ્પ્રિંકલર કરવાનું રહેશે. તે જ વાહનોનો પૈંડા પણ દરેક ખેપ બાદ ધોઈને સ્વચ્છ કરવાના રહેશે. દરેક બાંધકામના ઠેકાણે સીસીટીવી બેસાડવાના રહેશે. બાંધકામથી સંબંધિત દરેક વાહનની પીયૂસી ટેસ્ટ સમયસર કરવાની રહેશે. ટેસ્ટ નહીં કરેલા વાહનોનો સામે ટ્રાફિક વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.

કાટમાળ ગમે ત્યાં ફેંકનારાનું આવી બનશે
ડેબ્રીજ તેમ જ બાંધકામના રો-મટિરિયલનું ટ્રાર્ન્સપોટેશન કાળજીપૂર્વક કરવાનું રહેશે. આવા વાહનો ચલાવનારા પર સ્પેશિયલ ટીમના માધ્યમથી નજર રાખવામાં આવશે અને દોષી સાબિત થનારા સામે આકરા પગલા લેવાશે. અમુક સમયે રાતના સમયે ગમે ત્યાં અથવા નિર્જન સ્થળે કાટમાળ ફેંકવામાં આવતો હોય છે, તેને રોકવા માટે ટીમની સ્થાપના કરવામાં આવશે. આ ટીમ રાતના સમયે ફરીને આવા વાહનો સામે આકરી કાર્યવાહી કરશે.

સ્ટોપ વર્કની નોટિસ આપવામાં આવશે
મુંબઈમાં હાલ લગભગ ૬,૦૦૦ બાંધકામ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કામ ચાલી રહ્યા છે. મુંબઈ મહાનગરપાલિકાના તમામ ૨૪ પ્રશાસકીય વોર્ડમાં રહેલી ક્ધસ્ટ્રક્શન સાઈટ પર નજર રાખવા માટે સ્પેશિયલ ટીમ બનાવવામાં આવશે. દરેક વોર્ડમાં ૫૦ ટીમ નીમવામાં આવશે. આ ટીમ બાંધકામના ઠેકાણે અચાનક મુલાકાત લઈને વીડિયો શૂટિંગ કરશે. જે ક્ધસ્ટ્રક્શન સાઈટની મુલાકાત લઈને નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે પગલાં લેશે. ક્ધસ્ટ્રશકન સાઈટ તે પછી સરકારી હોય કે ખાનગી શુક્રવારે બહાર પાડેલી નિયમાવલીનું ઉલ્લંઘન કરવાનું જણાયું તો સ્ટોપ વર્કનો નોટિસ ફટકારવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button