નેશનલ

પ્રથમ ‘નમો ભારત’ ટ્રેન શરૂ દેશ માટે ઐતિહાસિક ક્ષણ: મોદી

શાહિબાબાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે રિજ્યોનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (આરઆરટીએસ)ની પ્રથમ ટ્રેનને લીલીઝંડી દેખાડી હતી. આરઆરટીએસ કોરિડોર દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાનને જોડશે.

૮૨ કિ.મી. લાંબા દિલ્હી-મેરઠ આરઆરટીએસ પ્રાયોરિટી સેક્શન પર પ્રથમ ‘નમો ભારત’ ટ્રેનને લીલીઝંડી આપ્યા બાદ એક સમારોહને સંબોધન કરતા તેમણે કહ્યું હતું કે આ પ્રોજેક્ટ આવનારા ૧૨થી ૧૮ મહિનામાં પૂરો થઈ જશે અને લોકો માટે કાર્યરત થઈ જશે.

આ યોજનાનો પ્રથમ તબક્કો રાજધાની દિલ્હીની ભાગોળે આવેલો ૧૭ કિ.મીનો પટ્ટો શાહિબાબાદને દુહાઈ ડેપોથી જોડશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે બેંગલૂરુની બે મેટ્રો રેલવેલાઈનનું લોકાર્પણ કર્યું હતું.

ઉત્તર પ્રદેશના ગવર્નર આનંદીબહેન પટેલ, મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધરામૈયા (વીડિયો કોન્ફરન્સિંગ મારફતે) અને કેન્દ્રીય પ્રધાન હરદીપસિંહ
પૂરીની હાજરીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે દેશની પ્રથમ રેપિડ રેલ સર્વિસ ‘નમો ભારત’ની શરૂઆત દેશ માટે ઐતિહાસિક ક્ષણ છે.

આરઆરટીએસના પ્રથમ તબક્કામાં ‘નમો ભારત’ ટ્રેન દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાનને જોડશે, એમ તેમણે કહ્યું હતું.

દિલ્હી અને મેરઠના ૮૨. કિ.મી. લાંબા સંપૂર્ણ પટ્ટાને જોડવાનું કામ આવનારાં એકથી દોઢ વર્ષમાં પૂરું કરી દેવામાં આવશે.

ચાર વર્ષ અગાઉ મેં દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ રિજ્યોનલ કોરિડોર પ્રોજેક્ટની શિલારોપણ વિધિ કરી હતી, એમ જણાવતાં મોદીએ કહ્યું હતું કે આજે શાહિબાબાદ અને દુહાઈ ડેપોને જોડતા પટ્ટામાં ‘નમો ભારત’ ટ્રેનસેવા શરૂ થઈ ગઈ છે.

અગાઉ પણ મેં કહ્યું હતું અને આજે ફરીવાર કહી રહ્યો છું કે અમે જે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરીએ છીએ તે શરૂ થાય છે, એમ મોદીએ કહ્યું હતું.

એકથી દોઢ વર્ષ બાદ જ્યારે દિલ્હી-મેરઠ પટ્ટાનું કામ પૂરું થઈ જશે ત્યારે પણ હું તમારી સેવામાં હાજર હોઈશ, એમ મોદીએ કહ્યું હતું. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button