ધર્મતેજ

મનન : પ્રકાશની ગતિની સાંદર્ભિકતા

હેમંત વાળા

વિજ્ઞાનમાં કહેવાય છે કે પ્રકાશ કરતાં વધુ ઝડપે ગતિ ન થઈ શકે. વાત સાચી પણ છે. વિજ્ઞાનમાં એમ કહેવાય છે કે જેમ ગતિ વધે તેમ જથ્થો વધતો જાય. સાથે એમ પણ કહેવાય છે કે ગતિ વધતાં સ્થળની પરિકલ્પના શૂન્યતામાં પરિણમે. આવા અનેક કારણો છે જેનાથી એ સિદ્ધ કરવામાં આવે છે કે પ્રકાશ કરતાં વધુ ઝડપે ગતિ ન થઈ શકે. આ ભૌતિક વિજ્ઞાનની વાત છે, જ્યારે સૂક્ષ્મ દુનિયાના વિજ્ઞાનની વાત કરીએ ત્યારે
આ નિયમની પાર જઈ શકવાની સંભાવના છે.

પ્રકાશની ગતિની વાત ત્યાં સુધી જ યથાર્થ રહે જ્યાં સુધી સમયની પરીકલ્પના હોય. પ્રકાશની ગતિ સમજવા માટે સમયની સમજ જરૂરી છે. ગતિ એ અંતર અને સમયનો એક ચોક્કસ પ્રકારનો ગુણોત્તર છે. કાપવામાં આવેલ અંતરને સમયના કોઈક એકમથી ભાગવામાં આવે ત્યારે ગતિનો આંક જાણમાં આવે. અર્થાત ગતિને સમજવા માટે અંતર જરૂરી છે, સમયનો સ્વીકૃત એકમ જરૂરી છે અને ગતિ નિર્ધારણ માટેનો હેતુ જરૂરી છે.
વિજ્ઞાનમાં, ભૌતિક વિશ્વમાં આ ત્રણેય બાબતો નિર્ધારિત થઈ શકે છે, જ્યારે સૂક્ષ્મ વિશ્વની વાત થાય કે કારણ વિશ્વની વાત થાય ત્યારે આમાનું કશું જ પોતાની યથાર્થતા જાળવી ન રાખી શકે.

સમયનું માપ આવર્તન દ્વારા નિર્ધારિત થતું હોય છે. ચોવીસ કલાકનો સમય એટલે પૃથ્વીનું પોતાની ધરી પરનું એક આવર્તન. વર્ષ એટલે પૃથ્વીનું સૂર્યની ચારે તરફનું એક આવર્તન. પૃથ્વીને સ્થાને જો કોઈ બીજો ગ્રહ હોય તો ચોવીસ કલાક અને વર્ષના સમયનું માપ બદલાઈ જાય. સમયનું માપ શાશ્વત નથી, સાતત્યપૂર્ણ નથી, કાયમી પણ નથી. જો સૃષ્ટિની દરેક રચના સ્થિર થઈ જાય, જેમ છે તેમની સ્થિતિમાં બંધાઈ જાય તો સમયની પરિકલ્પના શક્ય ન બને. પછી સમયના નિર્ધારણમાં બાહ્ય પરિસ્થિતિ નહીં પણ આંતરિક પરિસ્થિતિ મહત્ત્વની બની રહે. આ આંતરિક પરિસ્થિતિ એટલે શ્વાસોચ્છવાસનું માપ. આ માપ પણ એકધાં કે કાયમી નથી.

એક સ્થાપિત વિચારધારા પ્રમાણે સમય અને સ્થળની અનુભૂતિ એ મનની ભૂમિકાની પેદાશ છે. મન કેટલીક ધારણાઓ સાથે કાર્યરત થાય ત્યારે સ્થળ પણ અનુભવાય અને સમય પણ. સ્થળની અનુભૂતિ થતા માપની ધારણા અસ્તિત્વમાં આવે. અંતર સમજવા માટે આ માપ જરૂરી છે. અંતર અને સમય સ્થાપિત થયા પછી આપમેળે ગતિની પ્રતીતિ થાય, જ્યારે સ્થળ અને
સમય એ ભાવાત્મક અસ્તિત્વ ગણાતું હોય ત્યારે ગતિ પણ ભાવાત્મક અસ્તિત્વનો એક પ્રકાર બની જાય. અર્થાત્‌‍ ગતિ મનમાં ઉદ્ભવેલ એક ધારણા સમાન બને.

આ વાત પ્રકાશને પણ લાગુ પડી શકે. પ્રકાશ એ અગ્નિનું વિશેષ પરિણામ છે. અગ્નિ એ પાંચ મહાભૂતોમાંનુ એક તત્ત્વ છે. પાંચ મહાભૂત એ ચોક્કસ પ્રકારની ધારણાનું ચોક્કસ પ્રકારનું ભૌતિક રૂપાંતરણ છે. અહીં એમ કહી શકાય કે પ્રકાશ પણ મનમાં ઉદ્ભવેલ એક ધારણા સમાન છે. જો ગતિ અને પ્રકાશ બંને ધારણા સમાન હોય તો તે બંને વચ્ચે સ્થપાયેલ સમીકરણ પણ એક પ્રકારની ધારણા બની રહે.

પ્રકાશની ગતિ માટે માધ્યમ જરૂરી છે, પણ આ ભૌતિક પ્રકાશની વાત થઈ. આધ્યાત્મિક પ્રકાશ એટલે સૂક્ષ્મ પ્રકાશના આવન-જાવન માટે માધ્યમ જરૂરી નથી. આધ્યાત્મિક પ્રકાશ આત્મસ્વરૂપ છે. આત્માને આવન-જાવન માટે કોઈ પ્રકારનો બાધ નથી હોતો. આત્મા સ્વયં સંચાલિત છે, જેમ આત્મા દ્રષ્ટા દૃશ્ય અને દર્શન એ ત્રણે છે તેમ આત્મા તેની ગતિ, તેની ગતિ માટેનું સ્થાન તથા તે માટે લેવાયેલ સમય બધું જ છે.

આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર : સંઘ મણિપુરની ચર્ચા જ કરશે કે કશું નક્કર પણ કરશે?

આત્માના ગમન માટે નથી કોઈ અન્ય સ્થાનની જરૂરિયાત એ નથી સમયની. આ પ્રકાશ એ રીતે ગતિ કરે છે કે જેમાં ક્યારેય કોઈ અન્ય નિયમનું – અન્ય પરિસ્થિતિનું બંધન ન હોય.

બ્રહ્મનો સ્વભાવ આધ્યાત્મ છે. બ્રહ્મ સત્ય સ્વરૂપ છે. બ્રહ્મ ધર્મનો પર્યાય છે. બ્રહ્મ પણ પ્રકાશ સ્વરૂપ છે. આ પ્રકાશના પ્રસાર માટે કોઈ આધાર જરૂરી નથી. સમગ્ર સૃષ્ટિ જ્યારે બ્રહ્મને આધારિત હોય ત્યારે તે બ્રહ્મને – તે પ્રકાશને પોતાના આધાર માટે, પોતાની ગતિ માટે અન્ય આધારનું પ્રયોજન ન હોય. આ પ્રકાશ સ્વયં આધાર છે, સ્વયં ગતિ છે, સ્વયં ગતિ માટેનું માધ્યમ છે, સ્વયં ગતિની શરૂઆત છે, સ્વયં ગતિનો વિરામ છે, અને સ્વયમ્‌‍ શરૂઆત અને વિરામ વચ્ચેનો ગાળો છે. આવા સંજોગોમાં આ પ્રકાશની ગતિમાં કોઈપણ પ્રકારની મર્યાદા ન હોય.

આ પણ વાંચો…અલખનો ઓટલો : બે ઘડી સત્સંગ

અર્થાત્‌‍ જ્યાં સુધી ભૌતિક પ્રકાશની વાત છે ત્યાં સુધી મર્યાદા છે અને જ્યાં આધ્યાત્મિક પ્રકાશની વાત થાય તો કોઈ મર્યાદા નથી. માનવી જ્યારે ભૌતિક વિશ્વમાંથી – સ્થૂળ વિશ્વમાંથી સૂક્ષ્મ વિશ્વ તરફ પ્રયાણ કરે ત્યારે પ્રકાશની ગતિની ધારણા નાશ પામે. પછી ભૌતિક પ્રકાશ પર તેનું સંપૂર્ણ નિયંત્રણ હોય. સૂક્ષ્મ વિશ્વમાં સ્થાન અને સમય બંનેની ધારણાનું પણ ખંડન થતું હોય છે, અથવા બંને બીજા સ્વરૂપે સ્થાપિત થયેલ રહે છે. તે સંજોગોમાં અહીં ગતિનું નિર્ધારણ કરતા પરિબળો – સ્થળ અને સમય – બંને શૂન્યતામાં અને સાથે સાથે અનંતતામાં પરિણમે છે. પછી પ્રકાશની ગતિ અનંત પણ હોઈ શકે અને શૂન્ય પણ. પછી પ્રકાશની ગતિની મર્યાદાની બહાર પણ જઈ શકાય.

ભૌતિક વિશ્વ ભૌતિક સિદ્ધાંતો પ્રમાણે કાર્યરત થાય. સૂક્ષ્મ વિશ્વના સિદ્ધાંતો સૂક્ષ્મતા મુજબના હોય. કારણ વિશ્વના સિદ્ધાંતો કારણ સ્વરૂપ હોય. સૂક્ષ્મ વિશ્વમાં હજુ પણ ક્યાંક મર્યાદાઓ રહેતી હશે, પરંતુ કારણ વિશ્વમાં બધું જ અમર્યાદિત રહે છે. અહીં કાં તો બધું જ છે કાં તો કશું જ નથી. અપાર સામર્થ્યવાળી આ સ્થિતિ કાં તો અનંતતામાં પ્રસરી શકે છે કાં તો શૂન્યમાં પ્રવેશી શકે છે. આ બંને સ્થિતિમાં પ્રકાશની ગતિની વ્યાખ્યા જ બદલાઈ જાય.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button