એક બાજુ ઑલિમ્પિક યોજવાની વાત ને બીજી બાજુ રાજ્યની સ્કૂલોમાં મેદાન જ નહીં…

અમદાવાદઃ વર્ષ 2036માં ગુજરાત ઑલિમ્પિક ગેમ્સનું આયોજન કરવા માટે થનગની રહ્યું છે. આ માટે કેન્દ્ર, રાજ્ય અને અમદાવાદ મહાનગરપાલિકાએ પણ બજેટમાં જોગવાઈઓ કરી છે. ગુજરાતમાં દર વર્ષે કરોડોના ખર્ચે ખેલ મહાકુંભ પણ યોજવામાં આવે છે, પરંતુ કડવી વાસ્તવિકતા કંઈક અલગ છે. ખુદ સરકારી આંકડાઓ કહે છે કે ગુજરાતમાં લગભગ 6332 શાળામાં બાળકોને રમવા માટે મેદાન જ નથી. હજુ જે સ્કૂલોમાં મેદાન છે તે કેવા છે અને કેવી હાલતમાં છે અને સાથે રમવાની કેટલી સુવિધા છે તે અલગ વિષય છે, પરંતુ આટલી સ્કૂલોમાં તો મેદાન જ ન હોવાનું બહાર આવ્યું છે.
આ પણ વાંચો…ગુજરાતના 6.28 લાખ વિદ્યાર્થીઓએ સ્કોલરશિપ માટે એન્ટ્રન્સ ટેસ્ટ આપી
ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા રિપોર્ટ પ્રમાણે ગુજરાતની 53,851 માન્ય શાળાઓમાંથી 6332 શાળાઓ એવી છે, જ્યાં મેદાન જ નથી. ગુજરાત સરકાર દ્વારા નિર્ધારિત નિયમો પ્રમાણે દરેક શાળામાં એક મેદાન હોવું જોઈએ.
5000 પ્રાથમિક શાળાઓમાં મેદાન નથી
ગુજરાત સરકારની જાહેરાતો અને સુશાસનની વાતોને ખોટી સાબિત કરતી માહિતી છે. સરકાર દ્વારા ચલાવવામાં આવતી કુલ 33000 સરકારી પ્રાથમિક શાળાઓમાંથી 5000 શાળાઓમાં રમતના મેદાનો નથી. જ્યારે 12,700 જેટલી સેકન્ડરી અને હાયર સેકન્ડરી શાળાઓમાંથી 78 સરકારી શાળાઓ, 315 ગ્રાન્ટ ઈન એઈડ દ્વારા ચાલતી શાળાઓ છે.
ખાનગી શાળા કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ચાલે
255 જેટલી ખાનગી શાળામાં પણ રમતગમતના મેદાનની સુવિધા નથી અને આ શાળાઓ પાસે તો યોગ્ય વાતાવરણ પણ નથી કારણ કે તેમાંથી મોટાભાગની તો બિઝનેસ કોમ્પ્લેક્સમાં ચાલે છે અને તેની નીચે પાનના ગલ્લાઓ છે, અન્ય દુકાનો છે. આ ઉપરાંતની કેટલીક મોટા ભાગની શાળાઓમાં નાનકડા ફળીયા જેવા પ્લોટને પણ મેદાન જેવા ખપાવીને તેની મંજૂરીઓ આપવામાં આવી હોવાનું એક અહેવાલ જણાવે છે.
શું કહે છે નિયમ?
અર્બન એન્ડ રિજનલ ડેવલપમેન્ટ પ્લાન્સ ફોર્મ્યુલેશન એન્ડ ઈમ્પ્લિમેન્ટેશન ગાઈડલાઈન્સ પ્રમાણે શાળા પાસે શાળાના કુલ વિસ્તારના 30 ટકાથી 40 ટકાનો ભાગ રમતના મેદાન માટે હોવો જોઈએ. 500 વિદ્યાર્થીની શાળા હોય તો તેમાં 2000-3000 મીટર જગ્યા હોવી જોઈએ. જ્યાં બાળકને 4-6 મીટરની જગ્યા આઉટ ડોર એક્ટિવિટી માટે મળવી જોઈએ. જ્યાં તે ઓછામાં ઓછું 100 મીટરથી 200 મીટર જેટલું અંતર દોડી શકે.
આ પણ વાંચો…Ahmedabad ના સરદાર સ્મારક ખાતે 8 એપ્રિલે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક, 9મીએ રિવરફ્રન્ટ ખાતે અધિવેશન
જોકે માત્ર ગુજરાતમાં જ નહીં સમગ્ર દેશમાં ખાસ કરીને મોટા શહેરોમાં શાળાઓ પાસે પૂરતા ક્લાસરૂમ કે ઓપન સ્પેસ હોતી નથી. બાળકોને રમવાની જે સુરક્ષિત સુવિધા મળે તે મળતી નથી. માત્ર સ્કૂલમાં જ નહીં ઘરની બહાર સોસાયટીઓમાં પણ બગિચાઓ કે ખુલ્લા મેદાન ઓછા છે અને તેથી બાળકોએ નાની ઉંમરથી જે શારિરીક પ્રવૃત્તિ કરવી જોઈએ તે થતી નથી. એકબાજુ આપણે ફરિયાદો કરી રહ્યા છે કે બાળકો મોબાઈલમાં પડ્યા રહે છે, પરંતુ સવાલ એ પણ છે કે તેમને રમવા માટેની પૂરતી સુવિધાઓ આપણે આપી રહ્યા છે કે શું?