નેશનલ

ગાઝામાં હૉસ્પિટલ બાદ હવે ચર્ચ પર હુમલો

ગાઝા: ઇઝરાયલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ માનવતા માટે કલંક રૂપ સાબિત થઇ રહ્યું છે, બંને પક્ષે મળીને હજુ સુધીમાં પાંચ હજારથી વધુ લોકોનાં મોત થયાં છે. મંગળવારે ગાઝાની અલ-અહલી હોસ્પિટલ પર થયેલા રોકેટ હુમલામાં ૫૦૦થી વધુ નિર્દોષ પેલિસ્ટિનિયન નાગરિકોએ જીવ ગુમાવ્યો હતો. આ હુમલા માટે હમાસ અને ઇઝરાયલ એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે. આ દરમિયાન હમાસે ઇઝરાયલ પર વધુ એક આરોપ લગાવ્યો છે. હમાસે ઇઝરાયલ પર ચર્ચ કમ્પાઉન્ડ પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે.

હમાસ નિયંત્રિત પેલેસ્ટાઈનના આંતરિક મંત્રાલયે જણાવ્યું છે કે ઇઝરાયલે હવાઈ હુમલો કરી ગાઝામાં એક ઓર્થોડોક્સ ગ્રીક ચર્ચ પર હુમલો કર્યો હતો, આ ચર્ચમાં લગભગ ૫૦૦ પેલેસ્ટિનિયન નાગરિકો શરણ લઇ રહ્યા હતા, આ તમામ એ લોકો હતા જેમને પોતાનું ઘર છોડવું પડ્યું છે. ચર્ચના પ્રશાસને પણ આ હુમલા માટે ઇઝરાયલને જવાબદાર ઠેરવ્યું છે. ઇઝરાયલી સેનાએ કહ્યું કે તે કથિત હુમલાની તપાસ કરી રહી છે.

ગ્રીક ઓર્થોડોક્સ સેન્ટ પોર્ફિરિયસ ચર્ચ એ ગાઝાનું સૌથી જૂનું ચર્ચ છે. આંતરરાષ્ટ્રીય મીડિયાના અહેવાલ અનુસાર, ચર્ચના એક પાદરીએ પહેલા જ આશંકા વ્યક્ત કરી હતી કે તેને નિશાન બનાવવામાં આવી શકે છે, કારણ કે ત્યાં મુસ્લિમો અને ખ્રિસ્તીઓ બંને આશ્રય લઇ રહ્યા હતા. ફાધર એલિયાસે કહ્યું હતું કે, “આ ફક્ત
ધર્મ પર હુમલો નહીં, એક અધમ કૃત્ય છે, આ માનવતા પર હુમલો છે.

ચર્ચ સાથે જોડાયેલા ધાર્મિક સંગઠને નિવેદન બહાર પાડ્યું છે જે પુષ્ટિ કરવામાં આવી છે ચર્ચ નાશ પામ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આર્કબિશપ એલેક્સીઓસ જીવિત હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ તેઓ ઘાયલ છે કે કેમ એ અંગે જાણકારી નથી. અમારી પાસે ચર્ચમાં શરણ લઇ રહેલા ૫૦૦ થી વધુ લોકોની સ્થિતિ વિશે કોઈ સમાચાર નથી.
એક અહેવાલ મુજબ બોમ્બ બે ચર્ચ હોલ પર પડ્યા જ્યાં બાળકો અને મહિલાઓ સહિત શરણાર્થીઓ સૂતા હતા. હાલમાં, બચી ગયેલા લોકો અન્ય ઘાયલોની શોધ માટે કાટમાળ હટાવી રહ્યા છે. અંદાજ મુજબ ૧૫૦-૨૦૦ લોકો મૃત્યુ પામ્યા છે, મૃતકોની સંખ્યામાં વધારો થવાની ધારણા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button