નેશનલ

રાજસ્થાનમાં વિચિત્ર અકસ્માતઃ ગૂડ્સ ટ્રેને બોલેરોને મારી ટક્કર, વીડિયો વાઈરલ

શ્રીગંગાનગરઃ રાજસ્થાનના શ્રીગંગાનગર ખાતે રેલવે ક્રોસિંગમાં એક ગૂડ્સ ટ્રેને સીઆઈએસએફની બોલેરોને જોરદાર ટક્કર મારતા વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. વાઈરલ સીસીટીવી ફૂટેજમાં સીઆઈએસએફના જવાનની બેદરકારીને કારણે અકસ્માત થયો હતો, પરંતુ ત્યાં ક્રોસિંગ પણ ખુલ્લું જોવા મળ્યું હતું. ક્રોસિંગ પાર કરતી વખતે બોલેરો ટ્રેક પર આવી ત્યારે ગૂડ્સ ટ્રેને ટક્કર મારી હતી, જે અકસ્માત સંદર્ભે ગંભીર બેદરકારી જોવા મળી હતી.

જિલ્લાના સુરતગઢ સુપર થર્મલ પાવર પ્લાન્ટના સુપર ક્રિટિકલ યુનિટ ડિવિઝનના કોલસાથી લાદેલા ગૂડ્સ ટ્રેનના એન્જિને બોલેરોને ટક્કર મારી હતી, જેમાં બોલેરો ટ્રેક પર ફસાઈ ગઈ હતી.

આ અકસ્માત પછી સ્ટેશન માસ્ટર સહિત રેલવે પ્રશાસન દ્વારા બચાવ અને મરમ્મત કામગીરી હાથ ધરવામાં આવી હતી. શુક્રવારે આ બનાવ બન્યો હતો, જેનો વીડિયો આજે વાઈરલ થયો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

આપણ વાંચો: Vadodara હાઇ- પ્રોફાઇલ અકસ્માત કેસમાં પોલીસની ધીમી કામગીરી પર ઉઠયા સવાલ, શું આરોપી રક્ષિત ચૌરસિયા છૂટી જશે ?

આ અકસ્માત પછી સુરતગઢ રેલવે સ્ટેશનથી એક્સિડન્ટ રિલીફ ટ્રેનને મોકલવામાં આવી હતી, જ્યારે થર્મલ પ્લાન્ટમાં હાજર સીઆઈએસએફના જવાનો સહિત ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

આ બનાવ અંગે અધિકારીએ કહ્યું હતું કે રેલવે ક્રોસિંગ પરથી સીઆઈએસએફની બોલેરો પસાર થઈ રહી ત્યારે ગૂડ્સ ટ્રેનના એન્જિન સાથે ટકરાઈ હતી. ગૂડ્સ ટ્રેનની સ્પીડ ધીમી હોવાને કારણે ટ્રેનના ડ્રાઈવર દ્વારા બ્રેક મારતા પાવર એન્જિન બંધ પડી ગયું હતું.

આપણ વાંચો: વડોદરા અકસ્માતનું ડેનિશ ફિલ્મ સાથે શું કનેક્શન છે? પોલીસને આરોપીના ઘરેથી મળ્યું પોસ્ટર…

બોલેરો ગાડીમાં સીઆઈએસએફના જવાનમાંથી કોઈને ઈજા પહોંચી નહોતી. રેલવે ટ્રેક પર ફસાયેલી બોલેરોને ટ્રેક પરથી હટાવી લેવામાં આવી હતી. જોકે, બોલેરોમાંથી જવાન એક પળમાં બહાર નીકળી જવામાં સફળ રહ્યો હતો, પરંતુ ટ્રેન પસાર થઈ ગઈ ત્યાં સુધીમાં તો બોલેરો પણ અનેક મીટર સુધી ઘસડાઈ હતી.

સૌથી મોટી રાહતની વાત એ હતી કે આ બનાવમાં મોટી કોઈ જાનહાનિ થઈ નહોતી. આ બનાવને કારણે રેલવે વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો.

વીડિયો વાઈરલ થયા પછી પ્રાથમિક દૃષ્ટિએ સીઆઈએસએફના ડ્રાઈવરની બેદરકારી જાણવા મળી હતી. આ બનાવ અંગે ઉચ્ચ ધોરણે તપાસ હાથ ધરવામાં આવી છે, જ્યારે ઘટનાસ્થળે ગેટમેનની ગેરહાજરી જોવા મળી હતી.

જો ટ્રેન પસાર થવાની હોત તો ગેટમેન ક્રોસિંગ બંધ કરવું જોઈતું હતું. અહીંના ક્રોસિંગથી પેસેન્જર ટ્રેન પસાર થઈ હોત તો મોટી હોનારતનું નિર્માણ થયું હોત, એમ અધિકારીએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button