ચારધામ યાત્રા માટે 3 દિવસમાં 5 લાખ શ્રદ્ધાળુએ કરાવ્યું રજિસ્ટ્રેશન, જવા માગતા હો તો જાણી લો પ્રક્રિયા?

નવી દિલ્હી: ઉત્તરાખંડ ચારધામ યાત્રાના કપાટ ખોલવાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. ચાર ધામના કપાટ ખોલવાની તારીખોની જાહેરાત સાથે, ઉત્તરાખંડ સરકારની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે. ચારધામ અને હેમકુંડ સાહિબ યાત્રા માટે રજિસ્ટ્રેશનનો આંકડો પાંચ લાખને વટાવી ગયો.
આ પણ વાંચો: ચારધામ યાત્રા પર જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ લેટેસ્ટ અપડેટ જાણી લેજો
પહેલા ત્રણ દિવસમાં 5.17 લાખનું રજિસ્ટ્રેશન
પ્રવાસન વિકાસ પરિષદ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, યમુનોત્રી માટે 93,803 ગંગોત્રી માટે 96,445, કેદારનાથ માટે 1,66,576 અને બદ્રીનાથ ધામ માટે 15546 રજિસ્ટ્રેશન કરવામાં આવ્યા છે. હેમકુંડ સાહિબ માટે 5151 યાત્રાળુઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ચારધામ યાત્રા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનનો આંકડો પહેલા ત્રણ દિવસમાં 5.17 લાખ સુધી પહોંચી ગયો છે.
સરકારની તૈયારીઓ તેજ
ઓનલાઈન રજિસ્ટ્રેશન બાદ ચારધામની યાત્રાએ આવતા શ્રદ્ધાળુઓનાં ધસારાને ધ્યાનમાં રાખીને, સરકારે આ વખતે ઘણી વ્યવસ્થા કરવી પડશે. જ્યારે, ખાનગી વાહનોમાં આવતા શ્રદ્ધાળુઓની રજિસ્ટ્રેશનની સંખ્યા 5802ને પર થઈ ગઈ છે. ચારધામ યાત્રા રૂટ પર યાત્રાળુઓને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે રસ્તા, આરોગ્ય, વીજળી, પાણી વગેરેની સારી વ્યવસ્થા કરવા માટે યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે.
કઈ રીતે કરશો રજિસ્ટ્રેશન?
ઉત્તરાખંડ ચારધામ યાત્રા પર જવા માટે, ધામી સરકારે ઓનલાઈન અને ઓફલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે. શ્રદ્ધાળુઓ registrationandtouristcare.uk.gov.in પર જઈને પણ પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે. આ ઉપરાંત મોબાઇલ એપ દ્વારા ચારધામ રજિસ્ટ્રેશનની સુવિધા પણ ઉપલબ્ધ છે.