આપણું ગુજરાત

વેરાવળ પાલિકાના બાંધકામ સમિતિના ચેરમેનને કોન્ટ્રાકટરે જાનથી મારી નાખવાની ધમકી આપી

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વેરાવળમાં કોન્ટ્રાકટર દ્વારા પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને બાંધકામ સમિતિના ચેરમેનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.
ઉપપ્રમુખે કોન્ટ્રાકટર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ કોન્ટ્રાક્ટર દ્વારા રોડ રસ્તાના કામોના ટેન્ડરમાં ગેરરીતી કરતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ વેરાવળ પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ એવા નગરસેવક કપીલ મહેતાને કોન્ટ્રાક્ટર રામસી રામે મોબાઇલમાં ફોન કરીને કહ્યું હતું કે, તું મારા કામમાં કેમ આડો પડે છે અને મને ટેન્ડર ન મળે તેવી ખોટી વાતો શું કામ કરે છે. તેમ કહી બોલાચાલી કરી અપશબ્દો ભાંડી પાલિકા કચેરીએ બોલાવ્યો હતો. જેથી કપીલ મહેતા કચેરીએ ગયો જ્યાં ચીફ ઓફિસરની ચેમ્બરમાં અધિકારીઓ અને અન્ય નગરસેવકોની હાજરીમાં કોન્ટ્રાકટર રામસી રામ ઉશ્કેરાઈ જઈ અપશબ્દો બોલી ઉપપ્રમુખ સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો, જેથી ત્યાં હાજર સાથીઓએ બંનેને છોડાવેલા ત્યારે કોન્ટ્રાક્ટર રામસી રામે આજે તો બચી ગયો હવે મારા હાથમાં આવીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી નીકળી ગયો હતો. બાદમાં મોબાઈલ ફોન ઉપર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ઉપરોક્ત વિગતો સાથે ઉપપ્રમુખે ફરિયાદ નોંધાવતા પોલીસે કોન્ટ્રાક્ટર સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ આ મામલે કોન્ટ્રાકટર રામસી રામે પણ પૂર્વ ઉપપ્રમુખ અને બાંધકામ સમિતિના ચેરમેન સામે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે બન્ને હોદેદારોની મુદત પૂર્ણ થઈ ગઈ હોવા છતાં ટેન્ડર પ્રક્રિયામાં રૂકાવટ ઊભી કરી સરમુખત્યારશાહી ચલાવી પોતાની જ એજન્સીઓના ટેન્ડરો ખોલાવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button