મોર્નિંગ મ્યૂસિંગ : લોકો ફિલ્મોમાંથી પણ શીખતા હોય છે કે પછી…

-રાજ ગોસ્વામી
શું સિનેમા સમાજને પ્રભાવિત કરે છે? કે પછી સમાજની અસર સિનેમા પર પડે છે? આ પ્રશ્ન એ યુગથી ચર્ચાઈ રહ્યો છે જ્યારથી સિનેમામાં મનોરંજનની શરૂઆત થઇ છે અને એમાંય સિનેમાની ટેકનોલોજી વિકસી અને તે મોટા સમૂહમાં મનોરંજનનું માધ્યમ બની ત્યારે લોકોએ એવી ચિંતા કરી હતી કે મનોરંજનનું આ નવું માધ્યમ યુવા પેઢીને બગાડવાનું કામ કરશે. તેની સામે સિનેમાના તરફદારોએ કહ્યું હતું કે સિનેમા એ કળાનું જ વિસ્તારિત માધ્યમ છે અને તેનું કામ સમાજને જાગૃત કરવાનું છે.
આ પણ વાંચો..કાળા મુખની ચણોઠી હેમની સંગે તોળાય રે, તોલ બેયનો એક, પણ એના મૂલથી પરખાય
આ વાદ-વિવાદ આજે પણ થતો રહે છે. જ્યારે પણ કોઈ હિંસક અથવા બળવાખોર મૂલ્યોવાળી ફિલ્મ આવે છે (જેમ કે શાહિદ કપૂરની ‘કબીર સિંહ’ અથવા રણબીર કપૂરની ‘એનિમલ’) ત્યારે આ ચર્ચા ફરીથી જીવંત થાય છે.
ઘણીવાર આપણે સમાચારોમાં વાંચતા પણ રહીએ છીએ કે અમુક અપરાધની ઘટના કોઈ ફિલ્મ પરથી પ્રેરિત હતી. ફિલ્મ સર્જકો એવી દલીલ કરતા હોય છે કે એ લોકો સમાજમાં જે ચીજો પ્રવર્તમાન હોય છે તેના પરથી જ વિષયવસ્તુ પસંદ કરતા હોય છે. એમનો કહેવાનો ભાવાર્થ એવો હોય છે કે સમાજમાં ખરાબી હોય તો સિનેમા પણ એ આવે.
એક હદ સુધી આ વાત સાચી, પરંતુ એ વાતનો ઇનકાર પણ ન થઇ શકે કે સિનેમાય માણસોની, ખાસ કરીને યુવા પેઢીની, માનસિકતાને ઘડવામાં ભૂમિકા ભજવતી હોય છે. સિનેમા બંને કામ કરે છે. તે સમાજનું પ્રતિબિંબ પાડે છે અને સમાજના લોકોને અમુક વ્યવહાર કરવા માટે પ્રેરે પણ છે. આનું એક ઉદાહરણ વડોદરાની તાજેતરની ઘટના છે. વડોદરામાં હમણાં, કાયદાશાસ્ત્રનું ભણતા રક્ષિત ચૌરસિયા નામના એક યુવકે નશાની અસરમાં આઠ લોકોને એની કારની હડફેટે લીધા, જેમાં એક મહિલાનું મૃત્યુ પણ થયું હતું.
આ ઘટનાના વાઈરલ થયેલા વીડિયોમાં આ છોકરો કોઈ નિકિતા નામની છોકરીના નામની બૂમો પાડતો અને લોકો એને ફટકારે નહીં તે માટે ગળામાંથી માળા હાથમાં લઈને ‘ઓમ નમો શિવાય’ બોલતો નજર આવે છે. જો કે તે પહેલાં, અકસ્માત પછી કારમાંથી ઊતરીને તરત તે ‘અનધર રાઉન્ડ… અનધર રાઉન્ડ’ એવી બૂમો પાડતો હતો.
આ અનધર રાઉન્ડ શું છે? પહેલાં એવું લાગતું હતું કે તે છોકરો તેની કારનો બીજો એક રાઉન્ડ મારવો છે એવું કહેતો હશે, પણ હવે પોલીસની પૂછપરછમાં બહાર આવ્યું છે કે તે ‘અનધર રાઉન્ડ’ નામની ડેનિશ ફિલ્મનું નામ બોલતો હતો. રક્ષિત દારુના ખાલી નશામાં જ નહોતો, ફિલ્મના નશામાં પણ હતો. આ દુર્ઘટનાની તપાસ કરતી વડોદરા પોલીસને એના ભાડાના ઘરમાંથી ડેનિશ ભાષાની ‘ડ્રક’ ફિલ્મનું પોસ્ટર મળ્યું હતું, જેનું અંગ્રેજી નામ ‘અનધર રાઉન્ડ’ છે. ડેનિશ ભાષામાં ‘ડ્રક’ નો અર્થ થાય છે ‘બિંજ ડ્રિંકિંગ’ એટલે કે અનિયંત્રિત દારૂ પીવો.
પોલીસને શંકા છે કે રક્ષિત આ ફિલ્મથી પ્રભાવિત હોવો જોઈએ. તેવું માનવાને કારણ છે. આ ફિલ્મ એવા ચાર શિક્ષક વિશે છે, જે જીવનની એકવિધતાથી કંટાળી ગયા છે અને એવું નક્કી કરે છે કે એ લોકો આખો દિવસ એમના શરીરમાં આલ્કોહોલ ‘રાખશે’ એટલે કે પોતાની જાતને સતત દારુના નશામાં તરબોળ રાખશે અને પછી જોશે કે તેનાથી એમના વ્યવહાર પર શું અસર પડે છે. અનધર રાઉન્ડનો અર્થ લોહીમાં અમુક ટકા આલ્કોહોલ જાળવી રાખવા માટે પેગના એક પછી એક રાઉન્ડ લેતા રહેવું તે.
2020માં થોમસ વિન્ટરબર્ગ નામના ડિરેક્ટરે આ ફિલ્મ બનાવી હતી, જે બ્લેક કોમેડી તરીકે દુનિયાભરમાં લોકપ્રિય થઇ હતી. તેને શ્રેષ્ઠ વિદેશી ફિલ્મનો ઓસ્કાર એવોર્ડ પણ પ્રાપ્ત થયો હતો.
ફિલ્મમાં ચાર શિક્ષક એક જન્મદિવસ પર ભેગા થાય છે અને પોતાનું કામ કેટલું કંટાળાજનક છે તેની ચર્ચામાં નોર્વેના એક મનોવિજ્ઞાનીની એક ‘વૈજ્ઞાનિક’ થિયરીની વાત નીકળે છે કે અમુક માણસો પોતાના લોાહીમાં આલ્કોહોલ ડેફિસિયન્સી સાથે જન્મે છે. (જેવી રીતે વિટામિન ડી ડેફિસિયન્સી હોય છે તેવું!) એટલે એ ચારેય નક્કી કરે છે કે જો એ એમનાં લોહીમાં અમુક ટકા આલ્કોહોલ રાખે તો એમને મજા આવશે. એટલે તેઓ આખો દિવસ થોડી થોડી માત્રામાં દારુ પીવાનું રાખે છે. સમય જતાં, એ લોકો મર્યાદા બહાર નીકળી જાય છે, જે એમના જીવનને ખરાબ રીતે અસર કરે છે અને અંતે તેમાંથી એક મિત્રનું મૃત્યુ થાય છે.
ફિલ્મનો સંદેશ એ હતો કે આપણા જીવનનો કોઈ હેતુ અને મૂલ્ય હોવું જોઈએ, પરંતુ વાસ્તવિકતાને ભૂલવા માટે દારૂ પીવો હિતકારી નથી. થોમસ વિન્ટરબર્ગે આ ફિલ્મ એની દીકરીને અર્પણ કરી હતી, જે ફિલ્મમાં ભાગ લેવાની હતી, પણ શૂટિંગ શરૂ થયું તેના ચાર દિવસ પછી એક કાર અકસ્માતમાં એ મૃત્યુ પામી હતી.
કેવો યોગ કહેવાય કે રક્ષિત પણ ચાર મિત્રોનો હિસ્સો હતો. એક એની સાથે દુર્ઘટના સમયે કારમાં હતો. બીજા મિત્રને ત્યાંથી તે લોકો કાર લઈને નીકળ્યા હતા અને ચોથી નિકિતા હતી જેના નામની એ બૂમો પાડતો હતો.
રક્ષિત જો હકીકતમાં ‘અનધર રાઉન્ડ’ ફિલ્મથી પ્રેરાયેલો હોય તો એણે બીજી પણ એક વાત યાદ રાખવા જેવી હતી. ફિલ્મમાં ચારે મિત્ર એક નિયમ પણ બનાવે છે કે એ લોકો પીધા પછી કાર નહીં ચલાવે. રક્ષિતે જો કે નશો કર્યાનો ઇનકાર કર્યો પણ એનો ટેસ્ટ રિપોર્ટ આવવાનો બાકી છે.
લોકો ફિલ્મોમાંથી શીખે છે એટલું જ નહીં, પોતાને જોઈતું હોય તે જ શીખે છે. અથવા બીજી રીતે કહીએ તો, લોકો ફિલ્મોમાં સારું નથી શીખતા, ખરાબ શીખે છે. માણસની વૃત્તિઓ જંગલી છે અને એનામાં નકારાત્મક વાતોનું જોર વધુ હોય છે. એટલે એ બહુ સરળતાથી આજુબાજુના માહોલમાંથી ખરાબ બાબત
પકડી લે છે.
તેની પાછળ એક સાદો તર્ક છે કે લોકો મનોરંજન માટે ફિલ્મો જોતા હોય છે, અને એમને તેમાં જો મજા આવે તો એ ફિલ્મના કિરદારના વ્યવહાર, સ્ટાઈલ, પહેરવેશ વગેરેના દીવાના બની જાય છે અને એમના જીવનમાં તેનું અનુકરણ કરવા લાગે છે. અમુક અનુકરણ સભાન હોય છે, જેમ કે ફેશન. અમુક અનુકરણ અચેતન હોય છે, જેમ કે ખરાબ આદતો. એક જમાનામાં લોકોમાં ધૂમ્રપાનને ફેશનેબલ બનાવેવામાં ફિલ્મોની મોટી ભૂમિકા હતી.
અમેરિકાનો એક અભ્યાસ કહે છે કે ત્યાં બાળક સોળ વર્ષનું થાય ત્યાં સુધીમાં ટીવી પર આવતી ફિલ્મોમાં લગભગ 33,000 હત્યા અને બે લાખ હિંસક ઘટનાઓ જોઈ ચુક્યું હોય છે. સ્વાભાવિક છે કે આવી વિષયવસ્તુ વધુ પડતી જોવાથી હિંસા પ્રત્યેનો સહજ માનવીય સંકોચ ઓછો થઇ જાય અને આક્રમકતા વધારે છે.
અમેરિકા-કેનેડા અને અન્ય પાશ્ર્ચાત્ય દેશોમાં 1950ના દશકમાં ટીવીનો પ્રસાર થયો. પછી અભ્યાસોમાં ખબર પડી કે તે પછીના બે જ દશકોમાં ત્યાં હિંસા અને હત્યાના દરમાં વધારો થઇ ગયો હતો. આવા બીજા ઘણા અભ્યાસ છે., જેમ કે ‘બોની એન્ડ કલાઈડ’ નામની ઈંગ્લિશ ફિલ્મ જોઇને અપરાધની અનેક ઘટનાઓ બની હતી. આપણે ત્યાં ‘ધૂમ’ ફિલ્મથી પ્રેરાઈને લૂંટ થતી હતી.
આ પણ વાંચો..ફોકસ : રિયલ ફ્રેન્ડ્સ સાથે હોય ત્યારે વર્ચ્યુઅલ ફ્રેન્ડ્સ સાથે રાખો અંતર…
હિન્દી ફિલ્મોના પિતામહ દાદા સાહેબ ફાળકેને ભવિષ્યમાં બનનારી ફિલ્મો અને તેની અસરોનો સંકેત મળી ગયો હતો. એટલે જ એમણે 1927માં અંગ્રેજ લોકોની એક કમિટી સમક્ષ કહ્યું હતું, ‘આવનારા સમયમાં ધીમે ધીમે સિનેમામાં રોકાણ વધશે અને સામાજિક નિસ્બત ઓછી થતી જશે.’