ઉત્સવ

વલો કચ્છ: જયુબિલી હૉસ્પિટલ: જૂની ઇમારત સાથે નવી સ્મૃતિઓ ઊભી થાય તે જરૂરી

-ડૉ. પૂર્વી ગોસ્વામી

ભુજ શહેરના સરપટ નાકા પાસે ભવ્ય અને ઐતિહાસિક ઇમારત જયુબિલી હૉસ્પિટલ સમયના અનેક પડછાયાઓમાંથી પસાર થઈ આજે એક અસ્થિર પ્રતીક બનીને ઊભી છે. ઓગણીસમી સદીનું એ બાંધકામ સ્થાપત્યની દૃષ્ટિએ અને ભુજના આરોગ્યસેતુનો એક અનન્ય ભાગરૂપ ગણી શકાય તેવું છે. એની ગાથા ભવિષ્ય માટે મહત્ત્વપૂર્ણ સાબિત થાય તેમ છે.

આ હૉસ્પિટલની શરૂઆત ઈ.સ. 1849માં થઈ હતી. ઈ.સ. 1860માં 10 બેડની સગવડ હૉસ્પિટલમાં ઊભી કરાઈ હતી. ઈ.સ. 1887માં કૈસરે-હિંદ તરીકે ઓળખાતાં બ્રિટનનાં રાણી વિક્ટોરિયાના શાસનને પચાસ વર્ષ પૂર્ણ થયાંના અવસરને ધામધૂમથી ઊજવાયો હતો ત્યારે આ હૉસ્પિટલનું વિસ્તૃતિકરણ કરવામાં આવ્યું અને ત્યારથી તેનું નામ જ્યુબિલી હૉસ્પિટલ રાખવામાં આવ્યું. તેનો પાયો ડ્યુક ઑફ કોનેટના હસ્તે નાખવામાં આવ્યો હતો.

આ પણ વાંચો..સ્પોટ લાઈટ: રાતના અઢી વાગ્યે પોલીસ ઘરે આવી!

ભુજના જાણીતા ઇતિહાસવિદ નરેશભાઈ અંતાણીના પુસ્તક તવારીખી તેજછાયા'ની નોંધ મુજબ,તા: 16 તથા 17 ફેબ્રુઆરી 1887ના દિવસે આ ઉજવણી કરવામાં આવી હતી અને તેની ઉજવણીની વિગતો કચ્છ દરબારી રાજ્યના 24મી ફેબ્રુઆરી 1887ના 17મા અંકમાં એક જાહેરનામા દ્વારા અપાઈ છે. દરબારમાં વિકટોરિયા રાણીને મોકલવાનો સોનાના કેસ સહિતનો અભિવાદન પત્ર મહારાવે ગુડફેલોને આપ્યો અને તેનું વાંચન પણ કરાયું હતું. આ પ્રસંગની ઉજવણીના ભાગરૂપે ભુજમાં જયુબિલી હૉસ્પિટલ તથા માંડવીમાં તળાવનું બાંધકામ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

101 તોપોની સલામી આપવામાં આવી, ભુજ શહેરનાં પાંચ નાકાઓ પર હંગામી રસોડાં બાંધી ગરીબોને ભોજન આપવામાં આવ્યું અને બપોરના ખારસરાના મેદાનમાં ખાસ જાહેર સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં ભુજ શહેરની નાનીબા પાઠશાળાના વિદ્યાર્થીઓએ સંસ્કૃતમાં, ગુજરાતી શાળાના વિદ્યાર્થીઓએ ગુજરાતીમાં, પોશાળના વિદ્યાર્થીઓએ વૃજભાષામાં તથા અંગ્રેજી શાળાના વિદ્યાર્થીઓએ અંગ્રેજીમાં કાર્યક્રમ રજૂ કર્યો હતો. તે સિવાય વિવિધ રમતો, સ્પર્ધા તથા ઘોડાઓની વિવિધ રમતો અને રેસ યોજવામાં આવી હતી. વિજેતાઓને 30 કોરીથી 5 કોરી સુધીનાં ઈનામો પણ અપાયાં હતાં.’

લેખકે મુલાકાત માટે આ બિલ્ડિંગને અડીને આવેલા શિવ મંદિરના પૂજારી રાજુભાઈ જોશીની મદદ લીધી હતી હૉસ્પિટલના એક ગેટની ચાવી એમની પાસે હોય છે અને બીજી આયુર્વેદિક હૉસ્પિટલના સ્ટાફ પાસે, બંને સવારે 9થી 12 સુધી ખોલી આપવામાં આવે છે. સદીઓથી કચ્છ અનેક કુદરતી આફતોનો સામનો કરતું આવ્યું છે.

26 જાન્યુઆરી 2001ના વિનાશકારી ભૂકંપે અનેક ઐતિહાસિક સ્મારકોને બાનમાં લીધાં જેમાં ગૌરવભર્યા ઇતિહાસની સાક્ષીરૂપ આ ઐતિહાસિક હૉસ્પિટલ નબળી દીવાલો અને તૂટી પડેલી છતોથી વિખેરાતી ભવિષ્યની રાહ જોઈ રહી છે. આ હૉસ્પિટલનું સંતુલિત વિકાસ પામવું જરૂરી હતું, પરંતુ આજે અઢી દાયકાનો સમય વીતી ચૂક્યો છે અને તેનું સાચું સંવર્ધન થયું નથી. હૉસ્પિટલની ચારે તરફ બાવળિયાઓએ ઘેરો ઘાલ્યો છે, સ્વછતા અને સલામતીના અભાવે આ બિલ્ડિંગ મુલાકાતભોગ્ય નથી. ઇતિહાસને માત્ર વાંચી ન શકાય, તેને જીવવો પડે છે, જતન કરવું પડે છે. ભવિષ્ય માટે, આ જૂની ઇમારત સાથે નવી સ્મૃતિઓ ઊભી થાય એવા શુભાશય સાથે અસ્તુ.

ભાવાનુવાદ: ભુજજે સરપટ નાકે વટ ભવ્ય ને ઐતિહાસિક ઈમારત જયુબિલી હૉસ્પિટલ સમયજી કિઇક થપાટું ખાઇને અજ હિકડ઼ી અસ્થિર પ્રતીક ભનીને ઉભી આય. ઉનૈ સધિજો હી બાંધકામ સ્થાપત્યજી નજરેં તીં ભુજજે આરોગ્યસેતુજો હી આઉગો નમૂનો ગણી સગાજે તીં આય. હી ગાથા ભવિસ જે માટે મહત્વપૂર્ણ સાભિત થિએ તીં આય.

હિન હૉસ્પિટલજી સરૂઆત ઇ.સ. 1849મેં થિઇ હૂઇ. ઇ.સ. 1860મેં ડો ખાટલેજી સગવડ઼ હોસ્પિલમેં ઉભી કરેમેં આવઇ હૂઇ. ઇ.સ. 1887મેં કૈસરે-હિંદ તરીકેં ઓરંખાધા બ્રિટનજા રાણી વિક્ટોરીયાજે શાસનકે પંજા વરે પૂરે થે જે પ્રિસંગકે ધામધૂમસે ઉજવેમેં આયો હો તેર હિન હૉસ્પિટલજો વિસ્તૃતિકરણ કેમેં આયો ને તેરનું ઇનજો નાંલો જ્યુબિલી હૉસ્પિટલ રખેમેં આયો, તેંજો પાયો ડ્યુક ઓફ કોનેટજે હથે ખોડે઼મેં આયો હો.

લેખક મુલાકાત લા હિન બિલ્ડીંગકે અડીને આવલ શિવ મિંધરજા પુજારી રાજુભા જોશીજી મધધ ગ઼િડ઼ી હૂઇ. હૉસ્પિટલજે હિકડે઼ ગેટજી ચાવી ઇની વટ તીં બિઇ આયુર્વેદિક હૉસ્પિટલજે સ્ટાફ વટ હોયતિ, બોય સવારો 9 નું 12 તઇં ખુલી રખેમેં અચેંતા. સધિએંનું કચ્છ કિઇક કુધરતી આફતુંજો સામનો કરીંધો આયો આય. 26 જાન્યુઆરી 2001જે કારે ભૂકંપજે લીધેં કિઇક ઐતિહાસિક સ્મારકેંકે નુકસાન થ્યા વા તેમેં હી ગૌરવભરલ ઈતિહાસજી સાક્ષીરૂપ હૉસ્પિટલ પ નબરી ધિવાલું નેં તૂટલ છતેંસે વિખરાઇને ભવિષજી વાટ નેરંધિ ઉભી આય.

આ પણ વાંચો..DM – ડાયરેક્ટ માર્કેટિંગ કે ડાયરેક્ટ મેસેજ?

હિન હૉસ્પિટલજો સંતુલિત વિકાસ થેંણૂ જરૂરી આય પ અજ અઢી ડાયકા નિકર્યા તય કીં થ્યો નં. હૉસ્પિટલજી ચારો કુરા બાવરીયા વધી વ્યા ઐં, સફાઇ નેં સલામતીજે અભાવસેં હી બિલ્ડીંગ મુલાકાત કરે યોગ્ય નાય. ઈતિહાસકે ખાલી વાંચી ન સગ઼ાજે, તેંકે જીવનૂં પે, જતન ણું પે’તો. ભવિષ જે માટે, હિન જૂની ઈમારત ભેરી નઇ જાધગીરીયું ઉભી થિએ ઍડ઼ા પ્રયાસ થિએ હિન આશા સાથે અસ્તુ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button