આજે આટલું જ : અતિ માહિતીનું અદોદળાપણું અત્યંત ઘાતક

-શોભિત દેસાઈ
દરરોજ હજારોની સંખ્યામાં ‘પ્રગટતા’ વોટ્સેપ, ઈન્સ્ટાગ્રામ ઈત્યાદિ મેસેજીસમાંથી એકાદ આવો, સાવ સમંદરના તળિયે છુપાયેલો પણ મરજીવો લઈ આવે છે, એ લિન્કડેન પોસ્ટનો આ મેસેજ આવ્યો છે મરજીવા શશાંક શર્મા પાસેથી. એકેએક અક્ષર પચાવવો અતિ આવશ્યક છે તમારા માનસિક એવમ્ બૌદ્ધિક સ્વાસ્થ્ય માટે. સમજાવું…
ઈન્ટરનેટની સૂમસામ કાળી શેરીઓમાં રઝળી રહી છે સ્ક્રોલ કરનાર કોઈક શહીદની આંગળીઓ. સવારનો ચા-નાસ્તો પતાવીને એણે 16 લાંબા ટૂંકા લેખો વાંચી નાખ્યા છે. એને પાકી જાણ છે અર્થવ્યવસ્થા કેમ ભાંગી પડી છે એની, હવે પછીની શેરબજારની ગતિની, પકડાઈ ગયેલી બહુ જાણીતી વ્યક્તિ દ્વારા આચરવામાં આવેલી લબાડીની. આપણો યધ્વાતધ્વા
શહીદ જ્ઞાનનાં મહાસાગરમાં ડૂબી રહ્યો છે… અને છતાં આ કોઈ પણ વિષે તમે શહીદને સમજાવવાનું કહેશો તો એ થોડીક રાહ જોશે અને પછી બાઘો થઈને તમને કહેશે કે સમજાવવું જરા મુશ્કેલ છે…!
આ પ્રસ્તુત માણસ સાવ માંદલો છે. ડૉક્ટરી જબાનમાં નહીં, પણ વધુ પડતા કાર્યરત અને એ ય અર્થ વગરનાં મગજનાં સંદર્ભમાં અતિશય, બિનજરૂરી અને વધુ પડતાં માહિતી-જ્ઞાનથી ખવાઈ ગયેલા મગજને લીધે. આમ જ થાય, માણસ જ્યારે પાચનશક્તિથી અનેક ગણું વધારે જ્ઞાન ખાય ત્યારે એ મૂંઝવણોથી ભરેલો, ઉપદ્રવી અને અણમાહિતીઓનો ભંડાર બની જાય.
આ ઘાતક રોગ ધીમે ધીમે અતિસામાન્ય બનતો જાય છે. તમે જેને જાણો છો એ બધા જ આવા માંદલા છે. એ બધા સમાચારો વાંચે છે, ચર્ચાઓના કુસાક્ષી બને છે, પોતાનાં મંતવ્યો ઓનલાઈન મુકે છે અને સાવ નિરર્થક પ્રવૃત્તિઓમાં ઓતપ્રોત થાય છે. એમની પાસે દરેક વિષયો પર અભિપ્રાયો છે અને પાછું એમને ખાતરી છે કે એ સાચા જ છે, પણ જો તમે એમને પૂરી દો એક કમરામાં અને એમની ખાતરીઓ વિષે સવાલો કરો તો એ બધા ગેંગેફેંફે અને / અથવા નિરુત્તર બની જતા હોય છે હંમેશાં… કારણ? એમનું કહેવાતું જ્ઞાન કે એમની માહિતીઓ ઉછીનાં છે. નથી એમાં મૌલિક વિચારોનો અંશ પણ. શૂન્ય, ઝીરોનાં ગોળા ઉપર આભાસી દોરીઓ વીંટાળીને બનાવેલું પીલ્લુ છે એમનાં જ્ઞાનના ભંડાર.
સાંપ્રત દુનિયાની આ બહુ મોટી વક્રતા છે. ઘણા બધા માણસો અગાઉ કરતાં ઘણુ બધું જાણે છે પણ સાચી દિશા તરફ અંગુલિનિર્દેશ અને પુખ્તાઈનાં મોત થઈ રહ્યાં છે. વિચારોનું સ્થાન પ્રતિક્રિયાઓએ છીનવી લીધું છે. જાણકારી મેળવવાની અભિલાષાની જગ્યા ખોટા આત્મવિશ્ર્વાસે પચાવી પાડી છે. લોકો વાંચે છે સમજવા માટે નહીં, પણ ચર્ચાઓ જીતવા માટે. ખરીદે છે વિશાળ બનવા માટે નહીં, દેખાડવા માટે.
આ અને આવા આત્મદર્શી બળાપા માટે એક રવિવાર પૂરતો નથી. વાત હજી ઘણી બાકી છે.
હું આવ્યો છું કરી નક્કી, છટકવાનું જ છે અહીંયા
ચૂકાયું સહેજ, તો હોવું ભટકવાનું જ છે અહીંયા.
બહુ સુંદર હતો આવાસ, પણ જાણી ગયો’તો હું
મને આ ગર્ભનું શરણું પટકવાનું જ છે અહીંયા.
ખરું કહું છું- બહુ મજબૂત છે જાળું અપેક્ષાનું
જે આવ્યું, તાંતણે એના લટકવાનું જ છે અહીંયા.
આવતા રવિવારે આગળની વાત…
આજે આટલું જ…