વીક એન્ડ

દશેરા એટલે જલેબીનો તહેવાર?

મસ્તરામની મસ્તી -મિલન ત્રિવેદી

દશેરાની રાહ જોવાઇ રહી છે. એટલા માટે નહીં કે આસૂરી શક્તિ પર સુરી શક્તિનું વિજય પર્વ છે, પણ જલેબી ઓનાળવા ઉતાવળા થઈ રહ્યાં છીએ. દશેરાએ આમ તો વીર પુરુષો શસ્ત્રોનું પૂજન કરે છે, પરંતુ બહેનોએ પોતાની જીભ બહાર કાઢી અને અચૂક એકાદ જલેબી મૂકી પૂજન કરવું જોઈએ, કારણ કે બહેનોનું સૌથી મોટું શસ્ત્ર તેમની જીભ છે.

ગુજરાતીઓ કરોડો રૂપિયાની જલેબી આંગળા ચાટી ચાટીને ઉલાળશે. ડાયાબિટીસ વાળાઓ આજે ખાઈ લઉં પછી કારેલાનો જ્યૂસ પી લઈશ એવું ખોટું પ્રોમિસ આપીને પણ ચાર પાંચ ગૂંચળા ઓહ્યા કરી જાય છે. બીજે દિવસે બાથરૂમમાં મકોડાની સંખ્યા ગણી ડાયાબિટીસની વધઘટ નક્કી કરી લે છે.

દશેરા મીઠાશનું પણ પર્વ છે, જેમ કે મારા પત્નીના શબ્દો. એક એક કહેણ પર તમને એમ થાય કે શું મીઠાશ છે! હું ગમે તે બોલું પણ એમના શબ્દોમાં કારેલા જેવી મીઠાશ જ હોય. મારા ફોનમાં કંપનીમાંથી ફોન આવે કે ‘આપનું બીલ ભરવાનું બાકી છે’ અને જો એ મારા પત્નીએ ઉપાડ્યો હોય તો એટલી મીઠાશથી પૂછે કે ‘બીલની ઉઘરાણીના ફોન તમને કેમ છોકરીઓ જ કરે?’ અરે રેકોર્ડિંગ છે.

અને હું કંઈ જવાબ પણ ના આપી શકું કે મારા મુખમાં મીઠાઈ ભરી હોય ને! અરે આ વાત તો કંઈ નથી પણ જો ઘરના કોઈ પણ કામ હોય તો પણ એટલાં જ પ્રેમથી મને ઓર્ડર કરે કે ‘ત્રણ દિવસથી મેં તમને છોકરાની ફી ભરવાનું કહ્યું હતું એનું શું થયું? જો હું એક દિવસ જમવાનું બનાવવાનું ભૂલી જાઉં તો?’ એટલી સરળતાથી વાત મુકે કે મીઠાઈમાં શીરો બનાવ્યો હોય એ રીતે વાત ગળે ઊતારી દે. મારી આ મીઠાશનો અનુભવ દરેક પરિણીત પુરુષોને થયો જ હશે. પણ કુવારાઓને આંચકો ન લાગે એટલે ક્વીનાઇન પર સુગરનું કોટિંગ ફક્ત મીઠાશ માટે જ ચડાવેલ છે.

જો તમને એમ થતું હોય કે અચાનક જ કેમ મીઠાઈની વાત તો ખુલાસો કરી દઉં કે દશેરો નજીક આવે છે. આ લેખ કોઈ પણ પ્રકારના જ્ઞાનની વહેંચણી માટે નથી. એટલે દશેરાનું મહત્ત્વ સમજવું જ નથી. પણ મીઠાઈનું મહત્ત્વ અનોખું છે. મારા પત્ની તો એટલાં મીઠા કે વાત જ ન પૂછો.

જલેબીની મીજબાની માણતા મને જે રીતે જૂએ એ જોઈને એમ થાય કે એમના ગુસ્સામાં પણ મીઠાશ છે, પણ પછી મારે પરાણે કહેવું પડે કે એકાદ જલેબી તમે પણ ઝાપટો. તો તરત જ જવાબ આપે કે ‘એક નહીં બે ખાઇશ બસ જલેબી સીધી કરીને ખવડાવો’. હવે આ જલેબીના ગૂંચળા ને સીધુ કેમ કરવું? આવો સવાલ પત્નીને પૂછવાની હિંમત થઈ હતી પણ બીક લાગી કે જો અનુસંધાન તેમની પોતાની સાથે જોડી લે તો!!!

મીઠાઈનો શોખ નાના બાળકથી લઈને મોટા માણસ સુધી બધાને હોય છે. જગદીશભાઈને ઘેર મીઠાઈ આપવામાં જ ન આવે કેમ કે એ શરત મારીને ચાર કિલો શ્રીખંડ ખાય જતા. ઘરમાં બજેટ જેવું કંઈ તો હોય કે નહીં? એટલે મોટા ભાગે તેમને સારા પ્રસંગોમાં આમંત્રણ બંધ કરી દેવામાં આવ્યું છે. કેમ કે ૧૦૧₹ ચાંદલામાં ૫૦૦- ૬૦૦ની મીઠાઈ દાબડી જાય. પણ આમંત્રણ ન હોય ત્યાં પણ તે પહોંચી જાય અને ધુણવા માંડે. યજમાનની ફેમિલી હિસ્ટ્રી જાણી અને ગયા હોય કોઈ મૃતકનો આત્મા તેનામાં આવ્યો હોય તેમ હાંકલા કરી અને કહે કેમ પ્રસંગે મને ભૂલી ગયા મીઠાઈ નહીં ખવડાવો. ત્યાં તો યજમાનના ઘરના દોડાદોડ થાળી ભરી અને મીઠાઈ લઈ આવે. પછી નીરાંતે બેસી અને મૃતકનો આત્મા ખાતો હોય તેમ આશીર્વાદ આપતા આપતા આખી થાળી મીઠાઈ સફાચટ કરી જાય. સરકારી અધિકારીઓને ચોખ્ખા ઘીની જલેબી ધરવાથી ધાર્યા કામ થાય છે.

ગુજરાતીઓને વજન વધવા માટે મીઠાઈ મોટો ભાગ ભજવે છે, પરંતુ જ્યારે મીઠાઈ ખાવાની હોય ત્યારે તે કારણો બીજા
વ્યંજનો પર શિફ્ટ થઈ જાય છે. અને માતેલો સાંઢ જેમ દાણમાં મોઢું નાખી આખુ તગારુ દાણ ઉલાળી જાય તેમ મીઠાઈ સફાચટ કરી
જાય છે.

દશેરાએ રાવણ દહન થાય છે મને તો એટલી ખબર પડે છે કે રાવણને દસ માથા હતા, પરંતુ પેટ એક હતું ત્યારે ગુજરાતીઓને એક માથું છે, પરંતુ જલેબી કે મીઠાઈ ખાવાની વાત આવે ત્યારે દસ પેટ હોય તેમ લાગે.

તમને સહુને મીઠો તહેવાર મુબારક…

વિચારવાયુ
૧૦૦ ગ્રામ જલેબી સાથે ૧૦ ગ્રામ ફાફડા ખાવાથી જીભ રાજી થાય છે. જલેબી ઉલાળો હવે વાંધો નહીં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button