આજે વિશ્વ વન દિવસ: સરકારની જંગલના રક્ષણની વાતો વચ્ચે ગુજરાતના ટ્રી કવરમાં 21 ટકા ઘટાડો…

અમદાવાદઃ આજે વિશ્વ વન દિવસ છે. ગુજરાત સહિત વિશ્વભરમાં પર્યાવરણ અને માનવજીવન માટે વનોના સંરક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા દર વર્ષે 21મી માર્ચને ‘આંતરરાષ્ટ્રીય વન દિવસ’ મનાવવામાં આવે છે. આ વર્ષે વિશ્વ વન દિવસની થીમ “વનો અને ખોરાક” એવિનોની ખોરાક સુરક્ષા, પોષણ અને આજીવિકાની પુરવણી માટેની રાખવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં છેલ્લાં બે દાયકામાં જંગલની 19347 હેક્ટરથી વધુ જમીન વિકાસનો ભોગ બની છે. રાજ્ય સરકારની સ્કીમો અને જનભાગીદારી દ્વારા જંગલના રક્ષણની વાતો વચ્ચે વાસ્તવિકતા એકદમ અલગ છે.
આ પણ વાંચો: દાઝેલા લોકો માટે આશીર્વાદ! અમદાવાદની સિવિલ હોસ્પિટલને મળ્યું 10 મું સ્કિન ડોનેશન…
દર વર્ષની જેમ આ વર્ષે ગુજરાત વન વિભાગ દ્વારા રાજ્યભરમાં શાળાના બાળકો, સ્થાનિક લોકો અને સાથે સાયકલ રેલી, કાર્યશાળાઓ અને અન્ય જાગૃતિ કાર્યક્રમો દ્વારા વનોના મહત્વથી લોકોને અવગત કરાવવા માટે અનેક કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યું છે. ત્યારે વન વિભાગની વિવિધ યોજનાઓ, કેન્દ્ર અને રાજ્ય સરકારની સ્કીમો અને જનભાગીદારી દ્વારા જંગલના રક્ષણની વાતો વચ્ચે વાસ્તવિકતા એકદમ અલગ છે. જંગલો અને વૃક્ષો માટે વિવિધ યોજનાઓ હોવા છતાં પરિણામ નહીં આવતા તેની સીધી અસર વૃક્ષોની સંખ્યા પર પડી રહી છે.
ગુજરાત ફોરેસ્ટ સ્ટેટેસ્ટિક્સ 2023-24 રિપોર્ટ મુજબ, રાજ્યમાં છેલ્લાં 20 વર્ષમાં જંગલની 19347 હેક્ટરથી વધુ જમીન વિકાસનો ભોગ બની છે. તેમાંથી 46 ટકા એટલે કે 8895 હેક્ટર જમીન રોડના બાંધકામ અને ટ્રાન્સમીશન લાઇનનો ભોગ બની છે. આ દરમિયાન ઔદ્યોગિક એકમો અને ટાઉનશિપ માટે જંગલની 420 હેક્ટર જમીન વાપરવામાં આવી છે.
ગુજરાતના ટ્રી કવરમાં 21 ટકા ઘટાડો
કેન્દ્રીય પર્યાવારણ મંત્રાલયના ‘ઇન્ડિયા સ્ટેટ ઑફ ફોરેસ્ટ રિપોર્ટ 2023’ મુજબ, એક દાયકામાં દેશમાં સૌથી વધુ ગુજરાતમાં 1725 ચોરસ કિલોમીટરમાં ટ્રી કવર ઘટ્યું છે. 2013માં રાજ્યનું ટ્રી કવર 8358 ચો.કિમી હતું, જે 2023માં 21 ટકા ઘટીને 6632 ચો.કિમી થઇ ગયું છે.
ગુજરાતમાં સૌથી વધુ જમીન રોડના બાંધકામ માટે વપરાઇ
છેલ્લા 20 વર્ષમાં સૌથી વધુ 8895 હેક્ટર જમીન રોડના બાંધકામ અને ટ્રાન્સમિશન લાઇન માટે વપરાઇ છે. રિહેબિલિટેશન માટે 2843 હેક્ટર, સબમર્જન્સ એટલે કે ચારે તરફ પાણી ભરાઇ ગયું હોય તેવી 939 હેક્ટર જમીન છે. સિંચાઇ માટે 539 હેક્ટર, ઔદ્યોગિક એકમો અને ટાઉનશીપ માટે 420 હેક્ટર જમીન, ખેતી માટે 41 હેક્ટર જમીન વિકાસનો ભોગ બની છે. જ્યારે 5669 હેક્ટર જમીનનો અન્ય કારણો માટે ઉપોયગ થયો છે.
ગુજરાતમાં જંગલો ઘટ્યા
ગુજરાતમાં જંગલ વિસ્તાર હવે 10 ટકા કરતાં પણ ઓછો થઈ ગયો છે. ગુજરાત વન વિભાગના વાર્ષિક અહેવાલ ગુજરાત ફૉરેસ્ટ સ્ટેટિસ્ટિ્ક્સ 2022-23 પ્રમાણે ગુજરાતના કુલ ભૌગોલિક વિસ્તારના માત્ર 9.05 ટકા વિસ્તારમાં જંગલ છે.
આ પણ વાંચો: અમદાવાદમાં ફરી કાયદાના ઉડ્યા લીરેલીરા, ભદ્રમાં પોલીસની હાજરીમાં જ થઈ ઝપાઝપી
13 જિલ્લાઓમાં પાંચ ટકાથી ઓછો જંગલ વિસ્તાર
ગુજરાતના 13 જિલ્લાઓમાં પાંચ ટકા કરતાં પણ ઓછો જંગલ વિસ્તાર છે. અમદાવાદ, અમરેલી, આણંદ, ભરૂચ, ભાવનગર, બોટાદ, ગાંધીનગર, ખેડા, મહેસાણા, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર અને વડોદરા જિલ્લાઓમાં શહેરીકરણના કારણે જંગલ વિસ્તાર ઝડપથી ઘટી રહ્યો છે. ડાંગ, તાપી, નર્મદા, છોટા ઉદેપુર, જૂનાગઢ અને વલસાડ જિલ્લાઓ જ એવાં છે જ્યાં કુલ ક્ષેત્રફળના 25 ટકા કરતા વધુ વિસ્તારમાં જંગલો છે.