વીક એન્ડ

મિડલ-ઈસ્ટમાં ધર્મયુદ્ધ છેડવામાં ઈરાનને કેમ રસ છે?

આરબ-ઇઝરાયેલ એલાયન્સ’ સાબિત કરે છે કે બધા આરબોને ઇઝરાયેલ સામે લડવામાં રસ નથી!

કવર સ્ટોરી -જ્વલંત નાયક

ઇસ ૧૮૫૭માં ભારતની પ્રજા અને કેટલાક દેશી રાજાઓએ સાથે મળીને ક્રાંતિ કરી. બહુ ખોટી રીતે આપણે એ ક્રાંતિને બળવો કહીને ઉતારી પાડવાનું કામ કરીએ છીએ. હકીકતે એ ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ હતો. ખેર, ઈતિહાસની બારીકીઓ બાબતે દુર્લક્ષ્ય સેવવાની ટેવ આપણા ભારતીયોના લોહીમાં વણાયેલી હોય એમ લાગે છે! એ જે હોય એ, પણ ૧૮૫૭ના વિપ્લવ પછી ભારત કંપની સરકારને બદલે બ્રિટનની રાણીના સીધા અંકુશ હેઠળ આવ્યું. ઇસ ૧૮૫૮માં લંડન ખાતે ‘ઇન્ડિયા ઓફિસ’ નામના વિભાગની શરૂઆત થઇ. આ વિભાગ ભારતીય ઉપખંડના સંસ્થાનોના કારભાર ઉપર વાઈસરોય મારફત દેખરેખ રાખતો. ઇન્ડિયા ઓફિસ દ્વારા જ ઇતિહાસમાં સૌપ્રથમ વખત સાઉદી અરેબિયા, ઈરાન, ઈજીપ્ત વગેરે દેશો માટે સામૂહિક રીતે ‘મિડલ-ઈસ્ટ’ (મધ્ય-પૂર્વ) શબ્દસમૂહ વપરાવાની શરૂઆત થઇ. જો કે એ પછી આ શબ્દને ઠેઠ ૧૯૦૨માં અમેરિકી નૌકાદળના આલ્ફ્રેડ નામક રણનીતિકારે વધુ પ્રચલિત કર્યો. હાલ આખી દુનિયાને ત્રીજું વિશ્ર્વયુદ્ધ થવાની ચિંતા કોરી ખાય છે, અને લશ્કરી-રાજકીય બાબતોના વૈશ્ર્વિક નિષ્ણાંતો માને છે કે જો ત્રીજું વિશ્ર્વયુદ્ધ થશે, તો એની શરૂઆત આ મિડલ-ઈસ્ટમાંથી જ થશે. એટલું જ નહિ, પણ મધ્ય-પૂર્વના ઝનૂને ચડેલા દેશો પરિસ્થિતિને એ હદે લઇ જશે કે પરમાણુ યુદ્ધનું જોખમ ઉભું થાય! ૭ ઓક્ટોબરે હમાસ દ્વારા ઇઝરાયલ ઉપર કરાયેલા આતંકવાદી હુમલા બાદ કંઈક એવું જ ચિત્ર ઉપસતું દેખાઈ રહ્યું છે. સામાન્ય સંજોગોમાં બે દેશો વચ્ચે કોઈ મુદ્દે મગજમારી થાય, ત્યારે આસપાસના બીજા પડોશી દેશો યુદ્ધ ટાળવા મથામણ કરતા હોય છે. પણ ઇઝરાયલ-પેલેસ્ટાઇન-હમાસની બબાલમાં તો ઉલટાનું ઈરાન જેવા કેટલાક દેશો સામેથી કૂદી પડ્યા છે. આથી સ્વાભાવિકપણે અમેરિકા અને રશિયાએ પણ સામસામી તલવારો તાણી લીધી છે.

આ ધર્મયુદ્ધ છે! ખરેખર?!
આ લખાય છે ત્યારે ઈરાને એવું જણાવ્યું છે કે આ ધર્મયુદ્ધ છે! જો ઇઝરાયલ હમાસ પર હુમલાઓ નહિ રોકે, તો દુનિયાભરના મુસલમાનો ઇઝરાયલ પર તૂટી પડશે, એવું ઈરાનનું કહેવું છે! જો ખરેખર આવું થાય તો ઇઝરાયલના બચાવમાં અમેરિકા સહિત બ્રિટન, જર્મની, ફ્રાંસ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોએ ઉતરવું પડે. આતંકવાદ સામેની લડાઈમાં ભારત પણ ઇઝરાયલને મજબૂત ટેકો જાહેર કરી ચૂક્યું છે. જો ઇસ્લામને નામે પાકિસ્તાન યુધ્ધમાં ઉતરે, તો ભારતે નછૂટકે રણશિંગુ ફૂંકવું પડે! ચીન ભારત-અમેરિકાને દુશ્મન તરીકે જુએ છે, પણ ઘરઆંગણે ઉઇગર મુસ્લિમો પ્રત્યે દમનકારી નીતિ અપનાવનાર ચીનની ઇસ્લામ પ્રત્યેની ઘૃણા જાણીતી છે. રશિયાનું ભલું પૂછવું, પુતિનની કમાન છટકે તો એ અમેરિકા સામે હિસાબ સેટલ કરવા યુધ્ધમાં ઉતરે ખરું, પણ યુક્રેનમાં જે ફસામણી થઇ છે, એ જોતા રશિયા બીજો મોરચો ખોલવાની ભૂલ ઝટ કરે, એવું અત્યારે તો નથી લાગતું.

ટૂંકમાં, રશિયા-ચીન હોકારા-પડકાર ભલે કરે, પણ ખરેખરા રણમેદાનમાં ઉતરે નહિ તો આખું યુદ્ધ ઇસ્લામ વર્સીસ રેસ્ટનું થઇ પડે! પહેલી નજરે કદાચ એવું લાગે ય ખરું, પણ શું તમામ દેશો પેલેસ્ટાઇનના સમર્થનમાં ઇઝરાયેલ-અમેરિકા સહિતના મિત્રદેશો સામે બાથ ભીડવા તૈયાર થશે ખરા?! આ પ્રશ્ન વિચારણા માંગી લે છે.

શું છે મિડલ-ઈસ્ટની પરિસ્થિતિ?
હજારો કિલોમીટર દૂર બેસીને સોશિયલ મીડિયા પર આઈ સપોર્ટ ફલાણા લખી દેવું આસાન છે, પણ ગ્રાઉન્ડ રિયાલિટી સાવ જુદી હોય છે. આ વિસ્તારમાં ત્રણ સૌથી મહત્વના ગણાતા દેશો એટલે ઈજીપ્ત (વસ્તી – આશરે સાડા દસ કરોડ), ઈરાન (વસ્તી – આશરે સાડા આઠ કરોડ) અને સાઉદી અરેબિયા (વસ્તી – આશરે સવા ત્રણ કરોડ). આ ઉપરાંત મિડલ-ઈસ્ટમાં ઓમાન, જોર્ડન, તૂર્કી જેવા બીજા દેશો પણ છે, જે નોંધપાત્ર વિસ્તાર અને વસ્તી ધરાવે છે. પણ આ દેશોએ હજી સુધી ઇઝરાયેલ-હમાસ બાબતે ખાસ કોઈ ખાસ નિવેદનબાજી નથી કરી. પ્રશ્ર્ન એ છે કે ઈરાનના કહેવા મુજબ ઇસ્લામ વિરુદ્ધ ઇઝરાયલની લડાઈ છેડાઈ પડે, એટલો રોષ મિડલ-ઇસ્ટના બીજા આરબ દેશોમાં છે ખરો?

મધ્ય-પૂર્વના મહત્વના દેશ તરીકે ઈજીપ્તની ગણના થાય છે. જે મોટી જનસંખ્યા અને લશ્કર ધરાવે છે. ઇઝરાયલ અને ઈજીપ્ત વચ્ચે ઠેઠ ૧૯૭૯માં જ સંધિ થઇ ચૂકી છે, જે ઇઝરાયલ-ઈજીપ્ત પીસ ટ્રીટી’ તરીકે ઓળખાય છે. આવી જ સંધિ ૧૯૯૪માં જોર્ડન સાથે થઇ ગઈ. ૨૦૨૦માં બીજા ચાર અરબ રાષ્ટ્રો યુએઈ, બહેરીન, મોરોક્કો અને સુદાન પણ ઇઝરાયેલ સાથે આવી સંધિઓ કરી ચૂક્યા છે. આવી સંધિઓનો સ્પષ્ટ અર્થ એવો થાય કે આ તમામ આરબ દેશોએ ઇઝરાયલને એક સ્વતંત્ર દેશ તરીકેની માન્યતા આપી દીધી છે! આરબ-મુસ્લિમ પડોશીઓથી ઘેરાયેલા ઇઝરાયલ માટે આ એક બહુ મોટી સિદ્ધિ ગણાય.

આરબ-ઇઝરાયલ એલાયન્સ અને ઈરાન
આ પેરેગ્રાફ્નું હેડિંગ વાંચીને નવાઈ લઈને? સામાન્ય રીતે આપણે આરબ વિરુદ્ધ ઇઝરાયલ સાંભળવા જ ટેવાયેલા છીએ. પણ જે રીતે ઈજીપ્ત, જોર્ડન, યુએઈ, બહેરીન, મોરોક્કો અને સુદાને ઇઝરાયેલ સાથે સંધિઓ કરી છે, એ સ્પષ્ટપણે આરબ-ઇઝરાયેલ ધરી રચાયાનો નિર્દેશ કરે છે. આ ધરી સ્પષ્ટપણે રચાવાની શરૂઆત ઇસ ૨૦૦૦ આસપાસથી થઇ. આરબ રાષ્ટ્રો પૈકી બહેરીન, કુવૈત, ઓમાન, કતાર, યુએઈ અને સાઉદી અરેબિયાએ ૧૯૮૧માં ગલ્ફ કો-ઓપરેશન કાઉન્સિલ-ૠઈઈની રચના કરેલી. ઇઝરાયલ અને ૠઈઈ રાષ્ટ્રો વચ્ચે ઇસ ૨૦૧૯ના ફેબ્રુઆરી મહિનામાં મહત્વની કોન્ફરન્સ યોજાયેલી, જે પોલેન્ડના વોર્સો શહેરમાં યોજાઈ હોવાને કારણે ૨૦૧૯ વોર્સો કોન્ફરન્સ’ તરીકે જાણીતી થઇ. કહેવાની જરૂર ખરી કે આ કોન્ફરન્સ યોજવા પાછળ મૂળ માર્ગદર્શન અમેરિકાનું હતું.

વાત એમ છે કે ઈરાનને પોતાની આગવી મહત્વાકાંક્ષાઓ છે. રાષ્ટ્રોની મહત્વાકાંક્ષાઓ ઘણી વાર વિનિપાત સર્જે છે. અમેરિકાએ પોતાના હિતો સાધવા ઘણા દેશોનો કચ્ચરઘાણ વાળી દીધો છે. છતાં લોકશાહી શાસન પદ્ધતિમાં માનનારા દેશો પાસે અમેરિકાથી ઓછો ખરાબ કોઈ વિકલ્પ આજની તારીખે મોજૂદ નથી. બીજી તરફ સામ્યવાદી ચીન આખા વિશ્ર્વમાં એકમાત્ર મહાસત્તા તરીકેનું અમેરિકાનું સ્થાન છીનવીને પોતે એકહથ્થુ રાજ કરવાના સપના સેવી રહ્યું છે. તો ત્રીજી તરફ ડિટ્ટો આવું જ સપનું ઈરાનને પણ આવે છે. ફરક એટલો જ છે કે ઈરાનનું સપનું મધ્ય-પૂર્વ પૂરતું સીમિત છે. ઓઈલ-ગેસના ભંડારો અને સહુ દેશોને જોડતી કડી જેવા ઇસ્લામને કારણે ઈરાન આ પ્રદેશમાં સુપર પાવર’ બનવા માંગે છે. પણ ખાટલે મોટી ખોડ એ છે કે બીજા સુન્ની દેશો સામે ઈરાન એકલું શિયા મુસ્લિમ છે! જો તમામ મુસ્લિમોને યહૂદી ઇઝરાયલના નામે ભડકાવીને એક કરી શકાય, તો સમગ્ર મધ્ય-પૂર્વને પોતાના તાબામાં આણવાનું આસાન થઇ પડે, એવું ઈરાનનું ગણિત હોય, એમ લાગે છે. પરંતુ બીજા મુસ્લિમ રાષ્ટ્રોને આ મંજૂર નથી. ઈરાનના વધતા જતા પ્રભાવને ખાળવા માટે જ આરબ-ઇઝરાયેલ એલાયન્સે આકાર લીધો છે.

સાઉદી અરબ-ઈરાનની દુશ્મની
શિયાપંથી ઈરાન અને સુન્ની સાઉદી અરેબિયા વચ્ચે બાપે માર્યાં વેરનો લાંબો ઇતિહાસ છે, એમ કહીએ તો ખોટું નથી. આ બંને દેશો ઓઈલ અને ગેસના મોટા એકસપોર્ટર્સ છે. શિયા-સુન્ની પંથ સિવાય એનર્જી પોલીસી અને વ્યાપારિક હિતો મુદ્દે બંને દેશો વચ્ચે દાયકાઓથી શીત યુદ્ધ ચાલતું રહે છે, જે અનેક વખત ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. સાઉદી અરેબિયા પાસે ઓઈલ-ગેસનો મોટો ખજાનો છે, જેની સામે દેશની વસ્તી પ્રમાણમાં ઓછી છે. આથી ગ્લોબલ ઓઈલ માર્કેટમાં એ લાંબા સમયનું ભવિષ્ય વિચારીને પ્રાઈઝ સેટ કરવામાં માને છે. બીજી તરફ ઈરાનની વસ્તી ગીચતા વધુ છે, અને ઈરાક સાથેની એક દશક લાંબા યુદ્ધને કારણે અર્થતંત્ર મજબૂત નથી. એટલે તે ટૂંકા ગાળામાં ફાયદો મેળવી લેવાનું લક્ષ્ય રાખીને ઓઈલ પ્રાઈઝ સેટ કરવામાં માને છે. સાઉદી શરૂઆતથી જ અમેરિકાનું સમર્થન મેળવતું રહ્યું છે. જ્યારે ઈરાન તો ઠેઠ ઈરાક સાથેના સંઘર્ષ સમયથી અમેરિકાને આંખના કણાની માફક ખૂંચે છે. ત્રીજા એક મુસ્લિમ દેશ સીરિયામાં ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું, ત્યારે પણ ઈરાન-સાઉદી અરેબિયા સામસામે આવી ગયેલા. ઈરાને સિરીયન સરકારને આર્થિક-લશ્કરી સહાય આપેલી. બીજી તરફ સાઉદીએ બળવાખોર જૂથને તમામ પ્રકારની સહાય પૂરી પાડેલી! હમણાં હમણાં વળી બેઉ દેશો વચ્ચે ઉપરછલ્લી શાંતિ વાર્તાઓની વાતો ચાલેલી, પણ જરા ખોતરો ત્યાં લોહીના ટશિયા ફૂટી નીકળે એવી હાલત છે.

આ લખાય છે, ત્યાં સુધીની પરિસ્થિતિને આધારે, લેખની શબ્દમર્યાદા મુજબ આ માહિતીઓ વણી લીધી છે. બાકી મધ્ય-પૂર્વમાં આ સિવાયની બીજી ઘણી બાબતો-ફેક્ટર્સ મોજૂદ છે. ચીન પણ મિડલ-ઈસ્ટમાં મોટા’ભા બનવા માટે વલખા મારી રહ્યું છે. આમાં કયું પાસુ ક્યારે બદલાશે, એ તો આવનારો સમય જ કહેશે. અત્યારે તો એવું લાગે છે કે આખા મામલામાં ઈરાનને પોતાનું આધિપત્ય જમાવવાની મોટી તક દેખાઈ રહી છે. અને એટલે જ એને આક્રમકતાની ચળ ઉપડી છે. આપણે તો તમામ પીડિતોને શાતા પહોંચે એવી પ્રાર્થના જ કરી શકીએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button