Gujarat Politics: રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત પહેલા ભાજપનું કેમ વધ્યું ટેન્શન? જાણો વિગત…

અમદાવાદઃ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) 7 અને 8 એપ્રિલે ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. કૉંગ્રેસના મહાઅધિવેશનમાં રાહુલ ગાંધી ઉપરાંત પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) સહિત પક્ષના અનેક દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે.
અમદાવાદના વસ્ત્રાલમાં ગુંડાગીરી અને ગોંડલમાં બનેલની ઘટનાના વીડિયો વાઇરલ (Viral Video) થયા બાદ રાજ્ય સરકાર પર ભારે દબાણ સર્જાયું છે. જેને લઈ હાલ અસામાજિક તત્વો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ સંજોગોમાં કૉંગ્રેસના નેતાઓ અધિવેશન દરમિયાન ભાજપ પર પ્રહારો કરે તેવી શક્યતા છે. આ કારણોસર સરકાર અને ભાજપ સંગઠનનું ટેન્શન વધ્યું છે.
આ પણ વાંચો: રાહુલ ગાંધી અને સંજય રાઉત બીજું પાકિસ્તાન બનાવવા ઈચ્છે છેઃ કોંગ્રેસના પૂર્વ નેતાએ કર્યો મોટો આરોપ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હાલ ગુજરાતમાં કૉંગ્રેસની સ્થિતિ સાવ કથળેલી છે, તેની સામે ભાજપની સરકાર અને સંગઠન બંને મજબૂત છે. છેલ્લા થોડા સમયથી રાજ્યમાં કાયદાની કથળેલી સ્થિતિ પર રાહુલ ગાંધી સહિત અન્ય નેતાઓ આકરા શાબ્દિક પ્રહાર કરી જાય તેવી સ્થિતિ છે. રાજ્યમાં ગુનાખોરીના કિસ્સા વધવા કે આંદોલન જેવી સ્થિતિ ન સર્જાય તે માટે ગુજરાત સરકારે તમામ પ્રધાનો અને અધિકારીઓને મૌખિક સૂચના આપી છે. તેમજ કેટલીક ખાસ જવાબદારી પણ સોંપી છે.
લોકસભા ચૂંટણી બાદ રાહુલ ગાંધીએ સંસદમાં ગુજરાતમાં ભાજપ સરકાર ગબડાવવાનું નિવેદન આપ્યું હતું. હાલ રાજ્ય સરકારની અડધી ટર્મ પૂરી થઈ ગઈ છે અને હવે ચૂંટણી આડા અઢી વર્ષ બાકી રહ્યું છે. આ સંજોગોમાં સરકાર ખૂબ સાવચેત થઈ ગઈ છે. રાજ્યના મતદારોના મનમાં સરકાર વિરુદ્ધ નકારાત્મક છબિ ઊભી ન થાય તે માટે સરકાર ખાસ ધ્યાન રાખશે.
ઉલ્લેખનીય છે કે ચાલુ મહિનાની શરૂઆતમાં રાહુલ ગાંધી બે દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, હું કૉંગ્રેસ પાર્ટીનો સભ્ય છું અને સ્ટેજ પરથી કહેવા માંગુ છું કે ગુજરાતમાં કૉંગ્રસ પક્ષને રસ્તો દેખાડી નથી રહી. ગુજરાત કૉંગ્રેસમાં બે પ્રકારના લોકો છે- એક લોકો સાથે ઉભા છે, જેમના દિલમાં કૉંગ્રેસની વિચારધારા છે. બીજા એવા છે જેઓ લોકોથી દૂર છે અને અડધા ભાજપ સાથે મળેલા છે.
આ પણ વાંચો: રાહુલ ગાંધીનાં નિવેદન બાદ નવાજૂનીનાં એંધાણ? કોંગ્રેસે દેશભરના પ્રમુખોને મોકલ્યો મેસેજ…
જ્યાં સુધી આપણે તે બંનેને અલગ નહીં કરીએ ત્યાં સુધી ગુજરાતના લોકો આપણા પર વિશ્વાસ નહીં કરે. ગુજરાતના લોકો વિકલ્પ ઈચ્છે છે. બી ટીમ નથી ઈચ્છતા. મારી જવાબદારી આ બે ગ્રુપ્સને છાવરવાની નથી. આપણે કડક કાર્યવાહી કરવી પડશે. 10, 15, 20, 30 લોકોને હાંકી કાઢવા પડે તો પણ અચકાવું ન જોઈએ. આ લોકો ભાજપ માટે અંદરથી કામ કરી રહ્યા છે. તેમના આ નિવેદનથી ગુજરાત કૉંગ્રેસના અનેક કાર્યકરો, નેતાઓ સ્તબ્ધ થઈ ગયા હતા.