આપણું ગુજરાત

ગુજરાતમાં વન વિભાગના બજેટમાં 20 ટકાનો વધારોઃ પ્રોજેક્ટ લાયન માટે 415 કરોડની જોગવાઇ…

અમદાવાદઃ પ્રકૃતિના વિકાસ અને સંવર્ધન માટેની વન અને પર્યાવરણ વિભાગની માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવી હતી. તેની ચર્ચા દરમિયાન સરકારે કહ્યું હતું કે વન બહારના વિસ્તારોમાં 1143 ચો.કિ.ના વન આવરણ વધારા સાથે ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે.રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024 -25માં વન અને પર્યાવરણ વિભાગનું બજેટ 2586 કરોડ હતું જે આ વર્ષે 20 ટકા વધારીને 3139 કરોડ કરાયું છે.

વન અને પર્યાવરણ પ્રધાન મુળુભાઈ બેરાએ કહ્યું કે, વર્ષ 2020ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં 674 સિંહો વસવાટ કરે છે. અગાઉ વર્ષો પૂર્વે જ્યાં સિંહોનો વસવાટ હતો તેવા બરડા વિસ્તારમાં સિંહોનો પુનઃવસવાટ કરવામાં સફળતા મળી છે. ગીર જંગલ સફારીની જેમ ચાલુ વર્ષે બરડા, જાંબુઘોડા, રતનમહાલ તથા શુણપાણેશ્વર ખાતે ઓપન જંગલ સફારી શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો : જૂનાગઢને મળ્યા નવા મેયરઃ મેયર સાથે પદાધિકારીઓના નામ પણ જાણી લો!

સિંહ સંરક્ષણ માટે 415.68 કરોડની જોગવાઇ
રાજ્યમાં આવેલા 24 અભયારણ્ય અને 4 રાષ્ટ્રીય ઉદ્યાનો તથા 1 કન્ઝર્વેશન રીઝર્વ વિસ્તારની જાળવણી માટે તથા ઇકો ટુરીઝમનો વિકાસ અને ખાસ કરીને બૃહદ ગીર વિસ્તારમાં સિંહના સંરક્ષણ અને સંવર્ધન કરવા હેતુ પ્રોજેક્ટ લાયન સહિત કુલ રૂ. 415.68 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા હિંસક પ્રાણીઓના હુમલાથી મૃત્યુના કેસમાં દસ લાખ અને ઇજાના કેસમાં બે લાખ એટલે કે અગાઉ અપાતા વળતરને બમણું કરવામાં આવ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સિંહોના લાંબાગાળાના સંરક્ષણ હેતુ અદ્યતન સુવિધાવાળી હોસ્પિટલ અને રીસર્ચ સેન્ટર જૂનાગઢ ખાતે ખાતમૂહૂર્ત કરાયું છે. રાજ્ય સરકારના સામાજિક વનીકરણ અંગે ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાના વર્ષ 2023ના રિપોર્ટ મુજબ ગુજરાત રાજ્યમાં વન બહારના વિસ્તારોમાં 1143.29 ચો.કી.મી.ના વન આવરણ વધારા સાથે દેશમાં પ્રથમ ક્રમે છે. સાથે સાથે વન વિસ્તારમાં પણ 90.77 ચો.કી.મી.નો વન આવરણમાં વધારો નોંધાયો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button