કેરોલિના રીપર પ્રકરણ-૩૬
શેઠજી, હમણાં રહેવા દો, ભીંતોને ય કાન હોય છે
પ્રફુલ શાહ
કિરણે ગુસ્સામાં લેપટોપ બંધ કરીને દૂર પથારીમાં ફગાવી દીધું. “આ તો વગર વાંકે મને ભયંકર ખલનાયિકા ચિતરવા
માગે છે…
મુરુડ બ્લાસ્ટ્સ કેસના ટેન્શનથી એટીએસ પરમવીર બત્રાનું માથું દુ:ખવા માંડ્યું. ન જાણે શું સૂઝ્યું કે તેમણે કોન્સ્ટેબલને બોલાવ્યો. એક સ્ટ્રોંગ-કોફી અને તીખી સેવપુરી મંગાવી. કોન્સ્ટેબલ ફાંટેલી આંખે જોઈ રહ્યો. બત્રાએ સામે જોતા એ ચૂપચાપ ચાલ્યો ગયો.
પછી તીખી સેવપુરી ખાતા-ખાતા બત્રા આંખના આંસુ લૂછતા રહ્યા અને વચ્ચે કોફી પીતા રહ્યા. સાથોસાથ તેમણે એક નિર્ણય લઈ લીધો કે ભલે ચંદ્રા સ્વામી સામે પોતે મોઢું ખોલી ન શક્યો, વૃંદા સમક્ષ ઝડપથી દિલ ખોલી નાખશે: ‘આઈ લવ યુ, આઈ લવ યુ, આઈ લવ યુ?’
વધેલી ચટણીથી લથપથ સેવપુરી મોઢામાં મૂકીને તેઓ ચાવવા માંડ્યા. ભયંકર તીખાશથી આંખમાં જાણે માવઠું બેઠું- પણ બત્રાએ આંસુ ન લૂછ્યા. જાણે પોતે પ્રેમમાં દાખવેલી ઢીલાશને અશ્રુભિની શ્રદ્ધાંજલિ આપતા હોય.
અચાનક તેમણે ચપટી વગાડી. “મારા મિશન લવ એટ એની કૉસ્ટમાં પ્રશાંત ગોડબોલેની મદદ લઈશ. એ વૃંદાની સૌથી નજીક છે. જરૂર એના દિલની વાત જાણી શકશે.
આસિફ પટેલ ગાંડાની જેમ હોટેલના રૂમમાં આંટા મારતો હતો. ચહેરા પર રોષ સ્પષ્ટપણે દેખાઈ આવતો હતો. થોડીવારમાં બાદશાહ અંદર આવ્યો.
“શેઠ, તબિયત સારી છે ને? રૂમમાં આંટાફેરા કરવાને બદલે ચાલો બહાર-લટાર મારી આવીએ?
“બાદશાહ, તારી સલાહ માનવાનું હું માઠું ફળ ભોગવી રહ્યો છું સમજ્યો?
“ના, જરાય ન સમજ્યો. શું થયું?
“માલદિવ્સથી પૈસાની ઉઘરાણી થાય છે, યમનવાળા માલ ન આપવા માટે બદલ ધમકી આપે છે, નાઈજેરિયાવાળા કહે કે માલની ડિલિવરીમાં સ્થળ જણાવો, મોરેટાનિયાથી તો… આ બધું છે શું?
“અરે શેઠ. આપ ટેન્શન ન લો. આ હોટલમાં બ્લાસ્ટસને લીધે આપણા કામકાજ અટકી પડ્યા. ધંધો છે એટલે બધા ઊંચાનીચા થાય હું બધું સંભાળી લઈશ. ડૉન્ટ વરી.
“બાદશાહ, મારો પૂરો ધંધો તારા ભરોસે ચાલે છે. બરાબર?
“ક્યારેય એક નવા પૈસાનો ગોટાળો થયો છે? આ છ દેશો સાથેના વેપારમાં ગયા વરસે આપણી કંપનીઓ ખૂબ કમાઈ એ તમે ક્યાં જાણતા નથી?
“પણ આપણે ત્યાં શું વેચીએ છીએ, શું ખરીદીએ છીએ એ તો બોલ.
“શેઠ, કોઈને મોટરના સ્પેરપાર્ટસ, કોઈને મસાલા, કોઈને કાપડ, કોઈને ડ્રાયફ્રૂટ્સ…
“અરે તો ડાયરેક્ટ ધંધો કર એમની સાથે… ગોળ ગોળ સોદા કરવાની શી જરૂર છે?
“શેઠ, એમાં ખોટા આપણે બધાની આંખે ચડી જઈએ. સામેવાળાને માલ મળી રહે અને આપણેને નફો. વધારાની લમણાઝીંકમાં શા માટે પડવું?
“બાદશાહ, સામે નોટપેડ પડ્યું છે એ ઉપાડ. એમાં આ છ દેશોની કંપનીને આપણે જે, જે ચીજ-વસ્તુઓ વેચીએ છીએ એના નામ લખ. સામે કેટલા પૈસા કયાં-કયાં થઈને આવ્યા છે એ પણ લખી. મારે બધું જાણવું છે હમણાંને હમણાં.
“શેઠજી, હમણાં આ બધુ રહેવા દો પ્લીઝ પોલીસ અને એટીએસવાળા આસપાસ હોઈ શકે. ભીંતોને પણ કાન હોય.
“ખરેખર, ભીંતોના કાન બધું સાંભળી ચુક્યા હતા, જે બહુ ઝડપથી ભયંકર તોફાન લાવવાના હતા.
સાંજે મુખ્ય પ્રધાન રણજીત સાળવીએ મહારાષ્ટ્ર એટીએસના વડા કૌશલ નાગરેને સ્પષ્ટ શબ્દોમાં સખતાપૂર્વક આદેશ આપ્યો. “તમારા અલીબાગના ઓફિસરના ઉત્સાહને અંકુશમાં રાખો. હાલનું નેરેટિવ એકદમ પરફેક્ટ છે કે હોટેલમાં માર્યા ગયેલા બધા આતંકવાદી છે. એને સમજાવી દો કે કોઈ સાથે વીડિયો કોન્ફરન્સ કરવાની જરૂર નથી.
નાગરે દલીલ કરવા ગયા, તો સાળવી ઉશ્કેરાયા. “મારી એક મૂંઝવણ દૂર કરી શકશો, નાગરે?
“યસ સર, મને આનંદ થશે એમ કરવામાં…
“નાગરે, એ કહો કે માણસ પસંદ કરવામાં મેં ભૂલ કરી છે કે તમે?
“સર, સર હું સમજયો નહીં…
“જુઓ તમારી એપોઈન્ટમેન્ટ મેં કરી છે, ને પેલા બત્રાની એપોઈન્ટમેન્ટ તમે કરાવી છે. આપણી જ પાળેલી બિલાડી સામે ઘુરકિયા કરે તો એનો ઈલાજ કરતા મને આવડે છે. તમને પણ આવડવો જોઈએ. સમજ્યા?
“યસ સર, યસ સર, હું એ કરી લઈશ?
“પ્લીઝ ડુઈટ. હું ઈચ્છતો નથી કે તમારા જેવો કાબેલ ઓફિસર શોભાના ગાઠિયા જેવા હોદ્દા પર વેડફાઈ જાય.
“થેન્ક્યુ સર.
“કંઈક એવું કરો કે મારે તમને થેન્ક યું કહેવું પડે. સમજ્યા નાગરે સાહેબ?
વિચારો, હતાશા, કંટાળા અને વેદનાથી કિરણનું તન, મન, હૃદય અને આત્મા ગૂંગળામણ અનુભવવા માંડ્યા. તાજી હવા માટે હોટલની રૂમનો પાછલો દરવાજો ખોલીને એ બાલકનીમાં જઈને ઊભી રહી. બે મિનિટમાં જ બાજુની રૂમની બાલકની ખોલીને સબ-ઈન્સપેક્ટર વૃંદા સ્વામી બહાર આવી.
“ગુડ ઈવનિંગ, કિરણજી.
“ગુડ ઈવનિંગ. તમે અહીં હોટેલમાં? કે મારા પર નજર રાખી રહ્યાં છો? કે પીછો કરો છો?
“પીછો ગણો તો પીછો પણ જે છે એ તમારી સલામતી માટે છે. તમારી ઈચ્છા હોય તો મળીને વાતો કરીએ? ટાઈમપાસ થશે.
“ભલે, મળીએ.
“ગુડ. હું આવું આપના રૂમમાં?
“હા કહીને કિરણ બાલકનીમાંથી રૂમમાં ગઈને મેઈન દરવાજો ખોલ્યા.
તરત વૃંદા દેખાઈ. બેસતાવેંત એ બોલી. “કકડીને ભૂખ લાગી છે મને તો તમે શું ખાશો?
“કંઈ પણ થોડું. માત્ર વેજિટેરિયન.
“ગુડ આપી દઉં ઓર્ડર વૃંદાએ ઓર્ડર આપ્યા બાદ કિરણ સામે જોયું પણ એ તો બારીની બહાર ક્યાંક દૂરદૂર જોઈ રહી હતી. ન જાણે શું શોધતી હતી?
એ જ સમયે ટીવી ચેનલ પર “બ્રેકિંગ ન્યૂઝ શરૂ થયા. રાજ્ય કક્ષાના ગૃહપ્રધાન વિશ્ર્વનાથ આચરેકર માથે ત્રાટકી નવી, મોટી આફત. એમના જ ખાસ એવા આપ્પાભાઉ અલીબાગ વિધાનસભાની પેટા-ચૂંટણીમાં રાજકીય ગુરુને પછાડવા મેદાનમાં ઝંપલાવશે. માહિતગાર સૂત્રોના જણાવ્યા મુજબ આવતી કાલે ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે અપ્પાભાઉ પોતાનું ઉમેદવારીપત્ર ભરશે.
આ ન્યૂઝ જોઈને વિશ્ર્વનાથ આચરેકરને આંચકો લાગ્યો. એના પી.એ. નિશીથ કરંદીકરે સી.એમ. રણજીત સાળવીને મેસેજ મોકલ્યો, “કામ થઈ ગયું.
સાળવી હસી પડ્યા, હસતા રહ્યા ને અટ્ટહાસ્ય સુધી પહોંચી ગયા. એના અવાજથી બારી પાસે બેઠેલા શાંતિના દૂત જેવા પારેવડા ફફડીને ઊડી ગયા. આ સાથે જ સાળવીએ આંખ મીચકારી અને મોબાઈલ ફોન ઉપાડ્યો.
અપ્પાભાઉ જોશભેર તૈયારીમાં વ્યસ્ત હતા. એમના વિશ્ર્વાસુઓ ઉમેદવારી પત્ર ભરવામાં કોઈ કચાશ ન રહી જાય એટલે ટ્યૂબ લાઈટ બાળી રહ્યા હતા, ને પેટમાં સ્કૉચ રેડી રહ્યા હતા. અપ્પાભાઉને મદદ કરવા માટે ઘણાં સ્થાનિક આગેવાનો, વેપારીઓ અને માથા ભારે શખસો રોકડાની પેટી મોકલાવી રહ્યા હતા.
એ જ સમયે અપ્પાભાઉના ચમચા કમલેશ સાવંતે આવીને કાનમાં વાત કરી? વધુ એક બેગ આવી છે. મોકલું માણસને અંદર? અપ્પાભાઉએ માથું હલાવીને હા પાડતા એ બહાર ગયો. બે મિનિટમાં રાતેય ગોગલ્સ પહેરેલો, ગળામાં મફલર વીટેલો એક માણસ બેગ લઈને આવ્યો. બેગ નીચે મૂકીને અપ્પાભાઉ સામે બે હાથ જોડ્યા. અપ્પાભાઉએ ઠંડા પ્રતિસાદમાં માથું જરાક હલાવ્યું. આગંતુકે બેગ ઉપાડીને ખોલી, એમાંથી રિવૉલ્વર કાઢીને અપ્પાભાઉની છાતીમાં ત્રણ ગોળી ધરબી દીધી. બધા કંઈ સમજે કે કહે એ અગાઉ હત્યારો બહાર નીકળી ગયો.
કિરણ અને વૃંદા ક્યારના બેઠાં હતાં. કિરણે લુસલુસ થોડુંક પરાણે ખાધું. વૃંદા દબાવીને પેટ ભરીને જમી. એને ખાતા જોઈને કિરણને સારું લાગ્યું: એને થયું કે આ સુખી યુવતી કોઈના પ્રેમમાં ન પડે કે લગ્ન ન કરે તો સારું. ત્યાં જ વૃંદાના મોબાઈલની રિંગ વાગી. એ શરમાઈ ગઈ. “મારો બૉયફ્રેન્ડ છે. લગ્ન કરવાના છીએ. આવું વાત કરીને. વૃંદા ગઈને કિરણે તે લેપટોપ ખોલ્યું. તેણે ‘લગ્ન જીવન,’ ‘લગ્ન બાહ્ય સંબંધ’ અને ‘બ્રોકન મેરેજ’ જેવા ન જાણે કેટકેટલાંય શબ્દસમૂહ ઈન્ટરનેટ પર મૂકીને વાંચતી રહી. બધું બીબાંઢાળ હતું. પણ બ્રિટનના એલેનડે બોટોન નામના ફિલસૂફે તો હદ જ કરી નાખી. “લગ્નજીવનમાં જેણે ‘દગો’ કર્યો છે તેને બદલે જેની સાથે ‘દગો’ થયો છે તેણે સૉરી કહેવું જોઈએ.
ઓત્તારીની! આ તો એકદમ વૈચારિક શીર્ષાસન આગળ શું કહે છે મહાશય? “વિશ્ર્વાસઘાતનો ભોગ બનેલાએ શા માટે સૉરી કહેવું જોઈએ? આકર્ષણ ઘટવા બદલ, કંટાળાજનક બનવા માટે, તેને જુઠું બોલવા મજબૂર કરવા બદલ, વફાદારીની અઘરી મર્યાદારેખા ખેંચવા બદલ અને તારી અંદરની વ્યક્તિને જૈસે થે ન સ્વીકારવા બદલ સૉરી.
કિરણે ગુસ્સામાં લેપટોપ બંધ કરીને દૂર પથારીમાં ફગાવી દીધું. “આ તો વગર વાંકે મને ભયંકર ખલનાયિકા ચિતરવા માગે છે… હું વિકટીમ છું, પીડિતા છું પીડિતા. ત્યાં જ કિરણની અંદરથી બીજી કિરણ બોલી, “એ તો તું માને છે, તારો મત છે. દુનિયા શું કહેવાની એ તો ખબર નથી ને? (ક્રમશ:)