ઓડિશામાં ગરમીને કારણે તમામ શાળાઓમાં સવારનો વર્ગો શરૂ કરવાનો આદેશ…

ભુવનેશ્વરઃ ઓડિશા સરકારે ગરમીને પગલે ૨ એપ્રિલથી તમામ શાળાઓમાં સવારના વર્ગો શરૂ કરવાની જાહેરાત કરી છે. પત્રકારો સાથે વાત કરતાં આપત્તિ વ્યવસ્થાપન પ્રધાન સુરેશ પૂજારીએ જણાવ્યું કે ચાલી રહેલી શાળાની પરીક્ષાઓ ૨૭ માર્ચે સમાપ્ત થશે અને ત્યારબાદ ૨ એપ્રિલથી વર્ગો શરૂ થશે. તેમણે કહ્યું કે ઉનાળા દરમિયાન આંગણવાડી કેન્દ્રો પણ સવારે ૭ થી ૯ વાગ્યા સુધી કાર્યરત રહેશે. રાજ્યભરમાં ઘણી જગ્યાએ તાપમાન એક મહિના અગાઉ સામાન્ય કરતાં વધવા લાગ્યું છે.
પૂજારીએ જણાવ્યું કે બૌધ, સંબલપુર, ઝારસુગુડા, બારગઢ, બોલંગીર અને સુંદરગઢ જેવા જિલ્લાઓમાં લોકો ગરમીનો સામનો કરી રહ્યા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભેજવાળું વાતાવરણ છે.
આ પણ વાંચો : ઓડિશાના દરિયા કિનારે અદ્ભૂત નજારોઃ જૂઓ વાયરલ વીડિયો
વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇને અમે વિવિધ વિભાગો અને જિલ્લા કલેક્ટરોને ગરમીનો સામનો કરવા માટે આગોતરા પગલાં લેવા નિર્દેશ જારી કર્યા છે. તેમણે કહ્યું કે કલેક્ટરોને સરકારની મંજૂરીની રાહ જોયા વિના સ્થાનિક જરૂરિયાતો અનુસાર જરૂરી પગલાં લેવાનો અધિકાર આપવામાં આવ્યો છે.
છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલા બોલંગીર શહેરમાં ૪૧.૧ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. તે રાજ્યનું સૌથી ગરમ સ્થળ રહ્યું હતું. પડોશી તિતલગઢમાં ૪૦.૫ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જ્યારે ઝારસુગુડામાં ૪૦.૮ ડિગ્રી અને સુંદરગઢમાં ૪૦.૧ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.