રવિવારે રોહિત સાથે કોણ કરશે ઓપનિંગ, વિલ જૅક્સ કે રાયન રિકલ્ટન?
કોણ છે આ બે વિદેશી હાર્ડ-હિટિંગ બૅટર?

મુંબઈઃ બાવીસમી માર્ચે શરૂ થનારી 18મી આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ)ની પ્રથમ મૅચ રવિવાર, 23મી માર્ચે ચેન્નઈમાં ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) વચ્ચે રમાશે અને એમાં એમઆઇ વતી કૅપ્ટન હાર્દિક પંડ્યા તથા જસપ્રીત બુમરાહ રમતા નહીં જોવા મળે એ તો નક્કી થઈ ગયું છે, પણ ઓપનિંગમાં રોહિત શર્મા સાથે ઇંગ્લૅન્ડનો વિલ જૅક્સ રમશે કે સાઉથ આફ્રિકાનો રાયન રિકલ્ટન રમશે એના પર હજી પ્રકાશ નથી પાડવામાં આવ્યો.
એમઆઇને સૌથી વધુ પાંચ ટાઇટલ અપાવનાર રોહિત શર્મા સાથે 23મીએ ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાનારી એમઆઇની પ્રથમ મૅચમાં કોણ દાવની શરૂઆત કરશે એ વિશે હજી કંઈ નક્કી નથી કર્યું, એવું મુખ્ય કૅપ્ટન હાર્દિક પંડ્યાએ બુધવારે મુંબઈમાં પત્રકારોને જણાવ્યું હતું.
એમઆઇની ટીમ ગઈ સીઝનમાં છેક છેલ્લે રહી હતી, પણ આ વખતે સ્ટાર બૅટર્સવાળી એની બૅટિંગ લાઇન-અપ ચમકશે તો ભલભલી મજબૂત હરીફ ટીમને ભારે પડી શકશે. આ ટીમમાં રોહિત શર્માથી માંડીને નમન ધીર સુધી અનેક સ્ટાર બૅટર્સ છે.
જોકે ઓપનિંગમાં રોહિતને સાથ આપવા કોના પર પસંદગી ઊતારવી એ નિર્ણય ટીમના સિલેક્ટર્સ તથા ટીમ-મૅનેજમેન્ટ માટે થોડો મુશ્કેલ બની રહેશે.
આ પણ વાંચો : મુંબઈની પ્રથમ મૅચમાં હાર્દિકની ગેરહાજરીમાં સૂર્યકુમાર કૅપ્ટન…
હાર્દિકે જર્નલિસ્ટોને એવું પણ કહ્યું હતું કે `રોહિત સાથે ઓપનિંગમાં કોને મોકલવો એ વિશે અમે ટીમની જરૂરિયાત અને પિચ તથા હવામાન સહિતની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લઈશું.’ ઇંગ્લૅન્ડનો 26 વર્ષીય રાઇટ-હૅન્ડ બૅટર વિલ જૅક્સ બ્રિટિશ ટીમ વતી કુલ 40 મૅચ રમ્યો છે જેમાં તેણે 36 સિક્સર અને 89 ફોરની મદદથી 900-પ્લસ રન બનાવ્યા છે. લીગ ટૂર્નામેન્ટો સહિતના સમગ્ર ટી-20 ફૉર્મેટમાં હાડ-હિટર વિલ જૅક્સ કુલ 274 સિક્સર અને 478 ફોરની મદદથી 5,090 રન બનાવી ચૂક્યો છે.
28 વર્ષીય વિકેટકીપર-બૅટર રાયન રિકલ્ટન સાઉથ આફ્રિકા વતી 32 મૅચ રમ્યો છે જેમાં તેણે 26 સિક્સર તથા 123 ફોર સાથે કુલ 1,200 જેટલા રન બનાવી ચૂક્યો છે. સમગ્ર ટી-20 ફૉર્મેટમાં તેણે 115 મૅચમાં 145 સિક્સર તથા 260 ફોરની મદદથી 3,047 રન બનાવ્યા છે.
નમન ધીર પણ ટૉપ-ઑર્ડર બૅટર છે અને ટી-20 ફૉર્મેટમાં તેણે 17 છગ્ગા તથા 26 ચોક્કાની મદદથી 311 રન બનાવ્યા છે.
હાર્દિક પંડ્યા ગઈ સીઝનમાં સ્લો ઓવર-રેટના ત્રીજા અફેન્સ બદલ એક મૅચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હોવાથી રવિવારે ચેન્નઈ સામેની મૅચમાં નહીં રમી શકે. જસપ્રીત બુમરાહ પીઠની ઈજામાંથી હજી પૂર્ણપણે મુક્ત ન થયો હોવાથી શરૂઆતની થોડી મૅચ નથી રમવાનો.