IPL 2025

બૉલ પર લાળ લગાડવા પરનો પ્રતિબંધ ગયો, રિવર્સ-સ્વિંગનું કમબૅક…

શમીની અપીલ કારગત નીવડીઃ હવે આઇસીસી પણ કોરોનાકાળનો આ બૅન ઉઠાવવા વિચાર કરશે

મુંબઈઃ બૉલ પર લાળ લગાડવા પર પાંચ વર્ષ પહેલાં મૂકવામાં આવેલો પ્રતિબંધ બીસીસીઆઇએ પાછો ખેંચી લીધો છે. એ સાથે હવે બાવીસમી માર્ચે શરૂ થઈ રહેલી આઇપીએલમાં બોલર કે ફીલ્ડર બૉલને ચમકાવવા માટે એના પર લાળ લગાડી શકશે. આઇસીસીએ કોવિડ-19ના સમયકાળ દરમ્યાન આ પ્રતિબંધ લાગુ કર્યો હતો જેને પગલે આઇપીએલમાં પણ એ બૅન લાગુ કરાયો હતો. હવે રમતી વખતે બૉલ પર લાળ લગાડી શકાશે જેને પગલે ફાસ્ટ બોલરની રિવર્સ-સ્વિંગની તરકીબ પાછી જોવા મળશે.

Sakshi

ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ તાજેતરમાં આઇસીસીને આ પ્રતિબંધ પાછો ખેંચી લેવાની અપીલ કરી હતી અને શમીના આ પ્રસ્તાવને વર્નોન ફિલૅન્ડર અને ટિમ સાઉધી સહિત ઘણા ક્રિકેટરોએ ટેકો આપ્યો હતો. આજે મુંબઈમાં આઇપીએલની તમામ 10 ટીમના કૅપ્ટનોની મીટિંગમાં આ પ્રતિબંધ પાછો ખેંચી લેવો જોઈએ કે નહીં? એ મુદ્દે મંતવ્ય માગવામાં આવ્યું હતું અને મોટા ભાગના સુકાનીઓ પ્રતિબંધ પાછો ખેંચી લેવા સંમત થયા હોવાથી બીસીસીઆઇએ બૅન પાછો ખેંચી લીધો હતો.
બૉલ પર લાળ લગાડવા પરનો પ્રતિબંધ પાછો ખેંચી લેવાનો નિર્ણય લેનાર આઇપીએલ પ્રથમ મોટી ટૂર્નામેન્ટ છે.

બીસીસીઆઇના એક ટોચના અધિકારીએ પીટીઆઇને જણાવ્યું હતું કે `બૉલ પર લાળ લગાડવા પરનો પ્રતિબંધ પાછો ખેંચી લેવામાં આવ્યો છે. આઇપીએલના મોટા ભાગના કૅપ્ટનો આ બૅન પાછો ખેંચી લેવાની તરફેણમાં હતા. કેટલાક સુકાનીઓ બૅન ઉઠાવી લેવાની તરફેણમાં નહોતા. કેટલાકના બેમત હતા. જોકે બહુમત કૅપ્ટનોનો સપોર્ટ હોવાથી બીસીસીઆઇએ પ્રતિબંધ પાછો ખેંચી લીધો છે.’

બીસીસીઆઇના આ નિર્ણયને પગલે હવે આઇસીસી પણ આંતરરાષ્ટ્રીય મૅચોમાં લાગુ કરવામાં આવેલો આ પ્રતિબંધ પાછો ખેંચી લેવા કદાચ વિચારશે. આઇપીએલના કૅપ્ટનોની મીટિંગ બપોરે 12.30 વાગ્યે શરૂ થવાની હતી, પણ ક્રિકેટ બોર્ડના કેટલાક ટીમ અધિકારીઓ મોડા આવ્યા હોવાથી મીટિંગ સમયસર શરૂ નહોતી થઈ શકી.


હવે સેકન્ડ ઇનિંગ્સમાં ભેજની સમસ્યા નહીં નડે, વાઇડ માટે પણ ડીઆરએસની સુવિધા અપનાવાશે

હવેથી આઇપીએલની ડે-નાઇટ મૅચમાં ભેજની સમસ્યા ન નડે એ માટે બીસીસીઆઇએ મહત્ત્વનો નિર્ણય લીધો છે. હવેથી મૅચમાં (મોડી સાંજે કે રાતના સમયે શરૂ થતી) સેકન્ડ ઇનિંગ્સમાં બીજો બૉલ (બીજો વપરાયેલો બૉલ) ઉપયોગમાં લઈ શકાશે. એક જાણીતી ક્રિકેટ વેબસાઇટના અહેવાલ મુજબ મૅચના બીજા (પછીના) દાવમાં 11મી ઓવરથી બીજો બૉલ લઈ શકાશે.

એ જોતાં હવે ટૉસ જીતનાર કૅપ્ટને નિર્ણય લેવા સંબંધમાં મોડી સાંજે કે રાત્રે ભેજને લીધે હરીફ ટીમને થનારા નુકસાન વિશેનો વિચાર જો કર્યો હશે તો એ કારગત નહીં નીવડે, કારણકે પછીની ઇનિંગ્સમાં 11મી ઓવરથી (વપરાયેલો) બીજો બૉલ ઉપયોગમાં લેવામાં આવનાર હોવાથી ગેમ પર ભેજની ખાસ કંઈ અસર નહીં જોવા મળે અને બૅટર-બોલર વચ્ચેની સમતુલા જોવા મળશે.

દરમ્યાન હવેથી મર્યાદા બહારના ઊંચા વાઇડ તથા ઑફ સ્ટમ્પની બહારના વાઇડ માટે ડીઆરએસ (ડિસિઝન રિવ્યૂ સિસ્ટમ)નો ઉપયોગ કરવાની છૂટ આપી છે. બીસીસીઆઇના અધિકારીએ જણાવ્યું હતું કે `ઊંચા વાઇડ અને ઑફ સ્ટમ્પની બહારના વાઇડ વિશે નિર્ણય લેવા હવેથી હૉક-આય તથા બૉલ ટ્રૅકિંગની મદદ લઈ શકાશે.



દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button