નીતિશકુમારનો ભાજપ પ્રેમ ફરી બન્યો ચર્ચાનું કેન્દ્ર, શું બિહારમાં ગઠબંધનને જોખમમાં મુકશે?
મોતિહારી: રાજકારણમાં દોસ્તી-દુશ્મની કંઇપણ સ્થાયી નથી હોતું. સીએમ નીતિશકુમારને જોઇને ખરેખર આ વાત સાબિત થાય છે. ગઇકાલના કટ્ટર વિરોધીઓ આજે કટ્ટર સમર્થક પણ બની શકે છે. નીતિશકુમાર હંમેશા એવી કોઇને કોઇ પ્રવૃત્તિ કરતા જ હોય છે જેને જોઇને એમ લાગે કે બિહારના રાજકારણમાં મોટા ફેરફારો થવાના છે.
ગુરૂવારે મોતિહારીના કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના દીક્ષાંત સમારોહમાં તેઓ સામેલ થવા માટે પહોંચ્યા હતા. અહીં સીએમ નીતિશકુમારે કહ્યું હતું કે તેમની અને ભાજપની દોસ્તી ક્યારેય ખતમ નહિ થાય. આ કાર્યક્રમમાં અનેક ભાજપના નેતાઓએ હાજરી આપી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ તથા બિહારના રાજ્યપાલ પણ ઉપસ્થિત હતા. આ બધાની હાજરી વચ્ચે નીતિશકુમારે કહ્યું હતું કે ‘જેટલા લોકો અમારા છે, તે તમામ સાથીઓ છે. હું જ્યાં સુધી જીવિત છું ત્યાં સુધી તમારા બધા સાથે મારો સંબંધ જળવાયેલો રહેશે.” આ વાત તેમણે રાજ્યપાલ, રાષ્ટ્રપતિની સામે જોઇને કહી હતી.
આ એ જ નીતિશકુમાર છે કે જેઓ એક વર્ષ પહેલા ભાજપના નેતૃત્વવાળા NDA ગઠબંધનની ગાંઠ ખોલીને ભાગ્યા હતા અને તમામ સંબંધો પર પૂર્ણવિરામ મુકી દીધું હતું. હવે આજે તેઓ દોસ્તીયારીની વાતો કરી રહ્યા છે. ખુદ ભાજપ નેતાઓ પણ તેમના વિરોધાભાસી નિવેદનોને કારણે અસમંજસમાં છે. આ અગાઉ પણ અનેક પ્રસંગોએ તેઓ ભાજપને ‘હમ સાથ સાથ હૈ’ કહી ચુક્યા છે.
આ વર્ષના માર્ચની વાત છે. બિહારમાં ચૈત્રી છઠનું પર્વ ઉજવાઇ રહ્યું હતું. બિહારના ભાજપ નેતા સંજય મયૂખના ઘરે ભોજન સમારોહ હતો. ભોજન પ્રસાદ લેવા માટે સીએમ નીતિશ સંજય મયૂખના ઘરે પહોંચ્યા હતા. એવું કહેવાય છે કે ચૈત્રી છઠના તહેવારનો પવિત્ર પ્રસાદ જે ગ્રહણ કરે છે તેમની સાથે પછી કોઇ વેરવિરોધ રહેતા નથી. પ્રસાદ લેનાર વ્યક્તિ એક પ્રકારે પ્રસાદ આપનારના જ પરિવારનો ગણાય છે. તો આનો અર્થ શું એ થયો કે ભાજપ નેતાના ઘરે પ્રસાદ લેવા જવાને બહાને નીતિશ તેમની જમાતમાં સામેલ થવા ગયા?
ગત મહિને G-20 સમિટના ભોજન સમારોહમાં પણ તેઓ સામેલ થયા હતા. ચોંકાવનારી ઘટના એ બની કે કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી અને નીતિશકુમાર કોઇ વાત પર એકબીજાની સામે જોઇનએ ખડખડાટ હસી રહ્યા હોય તેવી એક તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ. વર્ષ 2017માં પણ બંને વચ્ચે આવી જ એક મુલાકાત થઇ હતી અને નીતિશકુમાર વિપક્ષી મહાગઠબંધનની ગાંઠ છોડીને NDAમાં જોડાઇ ગયા હતા.
તો બીજી બાજુ એવી પણ ઘટનાઓ બની હતી જેમાં ગઠબંધનમાં સામેલ નેતાઓ પર નીતિશ ભડકી ગયા હોય! ખરેખર તો વિપક્ષી એકતા જળવાઇ રહે એ માટે નીતિશકુમારે ઘણા પ્રયત્નો કર્યા છે, પરંતુ કોંગ્રેસ જે રીતે INDIA ગઠબંધન પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા કવાયત કરી રહ્યું છે તેની સામે નીતિશને નારાજગી છે. ગઠબંધનનું નામ INDIA રાખવા અંગે પણ તેઓ સંમત ન હતા, નામ નક્કી કરવામાં તેમની સલાહ ન લેવાઇ એ વાતની પણ તેમને નારાજગી છે. યુપી-બિહારના અલગ અલગ પક્ષોને આ ગઠબંધન હેઠળ લાવવામાં તેમની સક્રિય ભૂમિકા રહી છે પરંતુ કોંગ્રેસે જે રીતે ગઠબંધન હાઇજેક કરી દીધું છે તેને પગલે JDU અને RJD નેતાઓમાં પણ રોષ છે.