મેલ મેટર્સ : અનધર રાઉન્ડ: વધુ કિક …વધુ નશો વધુ આનંદ આપી શકે?

-અંકિત દેસાઈ
ગયા અઠવાડિયે વડોદરામાં જે હિટ એન્ડ રનની ચકચારી ઘટના બની એમાં ‘અનધર રાઉન્ડ’ અને ‘નીકિતા’ આ બે શબ્દ અત્યંત ચર્ચામાં આવ્યા, કારણ કે હિટ એન્ડ રનનો મુખ્ય ગુનેગાર અકસ્માતમાં એક જણનો જીવ લીધા પછી ‘અનધર રાઉન્ડ’, ‘અનધર રાઉન્ડ’ની સાથે ‘નીકિતા’ની બૂમો પાડી રહ્યો હતો . એમાં આ ‘નીકિતા’ કોણ છે એની ઓળખ મળતી નથી, પણ પાછળથી પોલીસ તપાસમાં ખબર પડી કે ગુનેગાર રક્ષિત ચૌરસિયાના ઘરમાં ‘અનધર રાઉન્ડ’ નામની ફિલ્મનું પોસ્ટર પણ ચોંટાડવામાં આવ્યું હતું. વર્ષ 2020માં રિલીઝ થયેલી આ એક ડેનિશ ફિલ્મ હતી, જેના કેન્દ્રમાં નશો હતો.
એ ફિલ્મમાં ચાર મિત્રોની વાત થઈ છે, જે મીડ લાઈફ ક્રાઈસિસનો સામનો કરી રહ્યા છે અને એમને એક પ્રયોગ કરવાનું સૂઝે છે.
આ પણ વાંચો:મેલ મેટર્સ : આપણા જ સ્વાસ્થ્યને લઈને ગંભીર ક્યારે થશું?
આ પ્રયોગ એટલે હંમેશાં ઊર્જાવાન અથવા હકારાત્મક રહેવા માટે શરીરમાં સતત આલ્કોહોલનું પ્રમાણ જાળવી રાખવાનો અખતરો કરે છે, જેથી એમની અંદરનો આત્મવિશ્વાસ પણ જળવાયેલો અને સર્જનાત્મક રહીને પોતાની મીડ લાઈફ ક્રાઈસિસનો સામનો કરી શકે!
જેમ શરાબના શરૂઆતના કે પહેલાં તબક્કામાં થાય છે એમ શરૂશરૂમાં તો એ મિત્રોને ખૂબ મજા આવે છે, પરંતુ જેમ જેમ આલ્કોહોલનું પ્રમાણ અને એની ડિપેન્ડેસી – અવલંબન વધવા માંડે છે એમ ચારેય મિત્રના જીવનમાં નવી, વેચાતી લીધેલી સમસ્યાઓનું પ્રમાણ વધતું જાય છે. અને અંતે સાબિત એ જ થાય છે કે આલ્કોહોલ કે ઈવન કોઈ પણ નશો આપણને સુખી કરી શકતો નથી. હા, ગુજરાત નશાબંધી ખાતાના સૂત્રની જેમ ‘નશો નાશનું મૂળ’ જરૂર બને છે!
અહીં ચિંતાનો મુદ્દો એ છે કે આપણે ત્યાં નશાને શરણે જવાનું પ્રમાણ આટલું બધું વધી કેમ ગયું છે? દેશમાં દર ચોથે દિવસે ગંભીર હિટ એન્ડ રન થઈ રહ્યાં છે, જેમાંના લગભગ ડ્રાઈવર્સ નશાની હાલતમાં પકડાયા છે. આ ઉપરાંત નશાની હાલતમાં રસ્તાઓ પર ધમાલ કરતા, પોલીસ સાથે ઊંચા અવાજે માથાકૂટ કરતા કે સીનસપાટા કરતા યુવાનો-લોકોની સંખ્યામાં અત્યંત વધારો થયો છે.
- તો એના મૂળમાં શું હશે?
આપણી કથળતી જતી અને લગભગ ખાડે ગયેલી મૂલ્ય વ્યવસ્થા? આપણો બાળઉછેર? આપણી બદતર થઈ રહેલી કેળવણી પદ્ધતિઓ કે પછી દિવસે ને દિવસે વધતી જતી અને આપણને ભૌતિકતાની જાળમાં ફસાવતી જતી આપણી ખરીદશક્તિ?
આ કિસ્સામાં કારણ જે હશે એ ન કહી શકાય. બલકે ઉપરોકત તમામ કારણ પણ આપણે સૌએ વિચાર કરવો પડશે, કારણ કે આપણું વૈચારિક પછાતપણું અને આપણી નિંભર મૂલ્યહિનતા હવે છાપરે ચઢીને તેનું પાપ પોકારી રહી છે. આપણે સ્વીકારવું પડશે કે આપણે ક્યાંક ને ક્યાંક દિશાહીન થઈ રહ્યા છીએ અને આપણે સતત ને સતત પલાયનવાદી પણ બની રહ્યા છીએ.
પલાયન શેનાથી? તો કે આપણા વર્તમાનથી, વર્તમાનની આપણી સમસ્યાઓથી કે બધા જ અન્ય પ્રશ્નોથી જે આપણે લટકતા રાખ્યા છે અને જેની સામે આંખો મેળવવાનું આપણી પાસે કરેજ નથી.
કદાચ આ જ કારણો આપણી અંદર એક ભય અથવા તો અહમ્ પણ ઊભો કરી રહ્યા છે અને આપણે આર્ટિફિશિયલ આનંદની દિશામાં ધકેલાઈ રહ્યા છે. આ આર્ટિફિશિયલ આનંદ એટલે એ તમામ બાબત, જે આપણને આપણા વાસ્તવથી દૂર લઈ જઈ રહી છે અને આપણે ધારી લીધેલી કે ધારવા ઈચ્છીએ છીએ એવી કલ્પનાઓમાં આપણને જીવતા રાખે છે. બાકી, આવા હિટ એન્ડ રન એ તો દેખીતી ઘટનાઓ છે એટલે ચર્ચાઈ રહી છે. બાકી, સમાજનો બહુમતી વર્ગ એક યા અન્ય રીતે નશામાં છે, જેને કારણે આપણી ડેમોક્રેટિક-લોકતાંત્રિક સિસ્ટમમાં પણ ઘણો સડો ઘૂસી ગયો છે. ખાસ તો સિવિક સેન્સથી આપણે દિવસે ને દિવસે દૂર થઈ રહ્યા છીએ!
ખેર, આ આખી ચર્ચાઓ મુખ્ય સૂર આત્મમંથનનો છે. આ એ જ પ્રજા છે, જે પ્રજાએ સો વર્ષ પહેલાં ચંપારણ, બારડોલી સત્યાગ્રહ, ચોરીચોરા કે હિંદ છોડો આંદોલનો કર્યા હતા. એ પ્રજાના ફરજંદોમાં મૂલ્યહીનતા, પલાયનવાદ અને નિંભરતાનો દબદબો કઈ રીતે ઘૂસી ગયો?
અગેઈન પાછો પ્રશ્ન એ જ ઊઠે છે કે એનાં કારણ શું? શું આમાંય કોઈ વર્ગ વિશેષ પ્રભાવ પાડી રહ્યો હશે? એક યા અન્ય રીતે? આપણે આત્મમંથન કરવું જ પડશે અને આપણી વેલ્યુ સિસ્ટમ ફરીથી અત્યંત બળવાન કરવી જ પડશે, નહીંતર સમાજ તરીકે આપણે ભાગે હજુ વધુ ભોગવવાનું આવશે!