નિવૃત્તિમાં કઈ પ્રવૃત્તિ તમને સૌથી વધુ જીવંત રાખે?

-નીલા સંઘવી
60 વર્ષ થાય એટલે કોઈ પણ વ્યક્તિના મનમાં એવો વિચાર આવે કે હવે વૃદ્ધ થયા છીએ, જીવનસંધ્યાને આરે છીએ. હવે પછીનો સમય ખૂબ શાંતિથી, પોતાને ગમે એ રીતે પસાર કરવાનો છે. આખી જિંદગી કામ કર્યું, સંઘર્ષ કર્યો, સંતાનોને ભણાવ્યાં, કામધંધે લગાડ્યાં, પરણાવ્યાં. આ બધાંને કારણે પોતાને ગમતી પ્રવૃત્તિઓ તો સાવ ભુલાઈ જ ગઈ.
નાના હતા ત્યારે ક્રિકેટ રમતા હતા, પપ્પા સામે જીદ કરીને ગિટાર લેવડાવી હતી. એ સમયે ગિટાર વગાડવાનો ને શીખવાનો શોખ હતો, પણ પછી ભણવાની લાહ્યમાં પછી કરિયરની કડાકૂટમાં પછી પ્રેમ અને પરણવાનું પછી સંતાનોની જવાબદારીમાં આ બધું જ ભુલાઈ ગયું. સમય ક્યાં પસાર થઈ ગયો ખબર જ ના પડી, પણ હવે જ્યારે બધી જ જવાબદારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે ત્યારે પોતાના શોખ રિવાઈવ કરવા માટે વિચારવું જોઈએ.
આ પણ વાંચો:ફેશનઃ વિચ બટન ડુ યુ વોન્ટ…
થોડા સમય પહેલાં મારે એક બહુ જ જાણીતી વ્યક્તિની મુલાકાત લેવાની હતી. એમની ઉંમર હશે સિત્તેરની આસપાસ. હું તો પહોંચી એમના બંગલે. બંગલાના ગેટ પર જ વૉચમેને રોકી: કોને મળવું છે?થી માંડીને બધી જ વિગત ફોન કરીને બંગલાની અંદર પહોંચાડી. અંદરથી ફોન પર સંમતિ મળતાં વૉચમેને મને બંગલાની અંદર જવા પ્રવેશ આપ્યો.
પ્રવેશતાં જ મન પ્રસન્ન થઈ જાય એવો હરિયાળો બગીચો! થોડે આગળ ગઈ તો જોયું કે એક ભાઈ પાવડો-કોદાળી લઈને જમીન ખોદી રહ્યા હતા. આસપાસ થોડા રોપા પડ્યા હતા. મને થયું આ ભાઈ ગાર્ડનના કેરટેકર માળી હશે. એ રોપા રોપવાના કામે વળગેલા છે. એમના હાથ-પગ-મોઢું બધું માટીથી ખરડાયેલું હતું.
એમનું ધ્યાન મારી તરફ ગયું પછી હાથ ઊંચો કરીને મારું અભિવાદન કર્યું. હું થોડી મૂંઝાઈ. આ કેરટેકર ભાઈ મારી સામે કેમ હાથ ઊંચો કરે છે? છતાં એમને અપમાન ન લાગે તેથી મેં પણ હાથ ઊંચો કરીને અભિવાદનનો જવાબ વાળ્યો. બંગલામાં પ્રવેશી એટલે સ્ટાફની એક વ્યક્તિ મને બંગલાના સોફા તરફ દોરી ગઈ. પછી પાણી આપ્યું અને ‘સર હમણાં આવશે.’
પાંચેક મિનિટ પછી પેલા ભાઈ જે જમીન ખોદતા હતા એ અંદર આવ્યા અને મારી સામે જોઈને બોલ્યા, ‘બહેન, મને દસ મિનિટ આપો, હમણાં ફ્રેશ થઈને આવું છું.’
હું તો ચકિત થઈ ગઈ. તો હું જે વ્યક્તિની મુલાકાત કરવા આવી હતી તે આ વ્યક્તિ છે? બાપરે હું તો એમને માળી સમજી બેઠી હતી.
થોડી વારે પેલા ભાઈ આવ્યા. આપણે એમને સુરેશભાઈ કહીશું. સુરેશભાઈ બહુ મોટા ઉદ્યોગપતિ છે. એમનો વ્યાપાર દેશ-વિદેશમાં વિસ્તરેલો છે. ફ્રેશ થઈને કપડાં બદલીને આવેલા સુરેશભાઈ બોલ્યા:
‘સોરી, તમારે રાહ જોવી પડી, પણ એવું છે ને કે માળી આજે નવા છોડ લાવ્યો હતો. જો હું એને આજે જ રોપી ન દઉં તો પછી તે મૂરઝાઈ જાય અને નકામા થઈ જાય. તેથી મેં વિચાર્યું કે તમે આવો એ પહેલાં હું એ છોડને રોપી દઉં.’
‘ઓહ, તો આપ બાગકામ કરો છો… માળી ન કરે?’
‘હા બહેન, બાગકામ મારો શોખ છે. માળી તો કરે જ. આટલાં વર્ષોથી એ જ કરે છે, પણ હવે હું ધીરે ધીરે વ્યવસાયની ડોર દીકરાઓના હાથમાં આપી રહ્યો છું. થોડા સમયમાં દીકરાઓ બધું શીખી જાય એટલે પૂર્ણપણે નિવૃત્ત થઈ જવાની ઇચ્છા છે અને નિવૃત્તિના સમયમાં કરવાની પ્રવૃત્તિઓ વિશે મેં વિચારી રાખ્યું છે. જુઓ, હવે સિત્તેરનો થયો. આજ સુધી ખૂબ મહેનત કરી, સંઘર્ષ કર્યો. શૂન્યમાંથી સર્જન કર્યું.
આ બધું કરતાં બહુ બધો ભોગ આપવો પડ્યો છે. કેટલાય શોખ ભૂલી જવા પડ્યા છે. કેટલીય વાર મન મારવું પડ્યું છે, પણ મને લાગે છે કે હવે એવો સમય આવી ગયો છે કે જે શોખ ભૂલી જવા પડ્યા છે એને ફરીથી રિવાઈવ કરવા. ગાર્ડનિંગ મારો પ્રથમ શોખ છે. ઈનફેકટ, મેં તો મારા કૉલેજકાળમાં ગાર્ડનિંગ ડિઝાઈનનો કોર્સ પણ કર્યો છે. પછી કરિયર – પરિવારની સુખ-સમૃદ્ધિ આપવાની મહેચ્છામાં એ બધું વીસરાઈ ગયું. ધંધો – પરિવાર – જવાબદારીઓથી એવો ઘેરાઈ ગયો કે મને સમય પણ મળ્યો નહીં.
‘બહેન, તમે સ્ત્રીઓ કહો છો કે તમારે તમારો સમય જોઈએ તો એ રીતે અમને પુરુષોને પણ અમારો ME TIME અમારો સમય જોઈતો હોય છે. આજ સુધી એવો સમય ન મળ્યો, પણ હવે હું મારો ‘મી ટાઈમ’ માણવા માંગું છું. ઘરમાં મને બધાં ખિજાય છે – શું આ માટી માટી થઈ જાઓ છો? પત્ની કહે છે કે તમારા સફેદ કપડાં પર માટીના ડાઘ લાગે છે તે ડ્રાય ક્લિનિંગમાં આપવા છતાં જતા નથી. તેથી બાગકામ કરતી વખતે પહેરવાના સ્પેશિયલ ડાર્ક કલરના કપડાં મંગાવવાનો છું.
પરિવારજનો કહે છે કે ‘એકની બદલે ત્રણ માળી રાખો, તમારે આ બધું કરવાની શી જરૂર છે? કયાંક કાંઈ વાગી જશે તો?’ સ્વાભાવિક રીતે જ તે લોકો મારી ચિંતા કરી રહ્યા છે, પણ એ બધા નથી સમજતા કે મને આ કાર્યથી કેટલી મજા આવે છે, જે વ્યાપારમાં મને ક્યારેય નથી આવી. આજે નાના નાના રોપ વાવ્યા છે એ જ્યારે મોટા થશે તેની કૂંપળ-ડાળીઓ ફૂટશે – પાન ઊગશે અને જ્યારે ફૂલ ખીલશે ત્યારે કેટલો આનંદ થશે. મેં ઉગાડેલાં ફૂલ-પાનને હું રોજ સવારે ઊઠીને નીરખી લઉં છું. ક્યાંક કળી ખીલી હોય કે ફૂલ ખીલ્યું હોય તો મારા આનંદનો પાર રહેતો નથી. ઘણીવાર તો મને નાના બાળકની માફક કૂદીને તાળી પાડવાનું મન થઈ જાય છે. મને આવો આનંદ મળે છે બાગકામમાં!’
‘ઓહ, આ તો કેટલી પ્રેરણાદાયી વાત છે કે તમે આ ઉંમરે તમારો શોખ પૂરો કરી રહ્યા છો એ ખુશીની વાત છે.’ મેં કહ્યું.
‘આવો, તમારી મારાં ફૂલ – છોડ – વૃક્ષો સાથે મુલાકાત કરાવું.’ કહીને એ વડીલ મને ગાર્ડનમાં લઈ ગયા. એમણે ઉગાડેલાં ફૂલ-છોડ વિશે વિગતવાર વાત કરી… એક નાનું બાળક પોતે કરેલું કાર્ય ખુશ થઈને બીજાને બતાવવા આતુર હોય તેવી જ આતુરતાથી આ વડીલ પણ મને એમણે રચેલા બાગકામની દુનિયા સાથે મારી ઓળખ કરાવી રહ્યા હતા.
આ પણ વાંચો: વૃદ્ધાશ્રમમાં સ્થળાંતર… આવું પણ કારણ હોઈ શકે !
આમને આમ જ આપણે થોડું કહીએ છે કે વૃદ્ધ અને બાળકો સરખાં જ હોય. વૃદ્ધાવસ્થા એ બીજું બાળપણ છે. વૃદ્ધાવસ્થામાં પોતાને ગમતું કામ કરીને સંધ્યાટાણે છાયો મેળવવાનું સદ્ભાગ્ય બધાંને મળે તો કેવું સારું!