દિલ્હીમાં પ્રદૂષણને ઓછું કરવા માટે સરકાર એક્શનમાં…..
સીએનજી વાહનો જ ચલાવવામાં આવશે, ફટાકડા ફોડવા પર પ્રતિબંધ…
નવી દિલ્હી: દિલ્હીમાં પ્રદૂષણના નિવારણને ધ્યાનમાં રાખીને, કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (સીએક્યુએમ)એ એનસીઆર વિસ્તારો અને દિલ્હી વચ્ચે બસો માટે કેટલીક સૂચનાઓ જાહેર કરી હતી. આ ઉપરાંત હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનની બસો માટે પણ કેટલીક સૂચનાઓ જાહેર કરી હતી જેમાં માત્ર ઈલેક્ટ્રિક,સીએનજી અને બીએસ બસો જ ચલાવવા માટે કહેવામાં આવ્યું છે. શુક્રવારે એટલે કે આજે થયેલી કેન્દ્ર સરકાર સાથે રાજ્યોની સંયુક્ત બેઠકમાં દિલ્હી સરકારે કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયને રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ (NCR)માં ફટાકડા ફોડવા અને ડીઝલ બસોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવા વિનંતી કરી હતી.
1 નવેમ્બરથી આ સૂચનાનો અમલ કરવો જરૂરી છે. તેમ કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ એ જણાવ્યું હતું. તેમજ 1 જાન્યુઆરી 2024થી રાજસ્થાન અને દિલ્હીના બીજા વિસ્તારોમાં પણ ફક્ત ઇલેક્ટ્રિક,સીએનજી અને બીએસ બસો જ ચાલવવા દેવામાં આવશે.
દિલ્હીના પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે જણાવ્યું હતું કે કેન્દ્રીય પર્યાવરણ પ્રધાન ભૂપેન્દ્ર યાદવે દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના પર્યાવરણ પ્રધાનો સાથે બેઠક યોજી હતી. તેમણે કહ્યું કે બેઠક દરમિયાન, દિલ્હી સરકારે સમગ્ર NCR ક્ષેત્રમાં પ્રદૂષણને કાબૂમાં લેવા માટે ઘણા પગલાં સૂચવ્યા. રાયે કહ્યું હતું કે દિલ્હી સરકારે શિયાળા દરમિયાન વાયુ પ્રદૂષણને કાબૂમાં લેવા માટે ઘણા પગલાં લીધાં છે, પરંતુ જ્યાં સુધી હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ એનસીઆર ક્ષેત્રમાં પ્રદૂષણના સ્ત્રોતોને પહોંચી વળવા કોઇ એક્શન પ્લાન તૈયાર નહીં કરે ત્યાં સુધી આ પગલાં અસરકારક રહેશે નહીં.
રાયે એ બાબત પર પણ ભાર મૂક્યો હતો કે NCR રાજ્યોએ સમગ્ર પ્રદેશમાં ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવો જોઈએ. દિલ્હી સરકારે શુક્રવારે વાયુ પ્રદૂષણની અસરો વિશે જાગૃતિ લાવવા અને શહેરની હવાની ગુણવત્તા સુધારવા માટે મેરેથોન દોડનું આયોજન પણ કર્યું હતું.