નેશનલ

ચંદ્રયાન-થ્રીને લઈને આ શું બોલી ગયા ઈસરો ચીફ સોમનાથ…

કોચીઃ ચંદ્રયાન-થ્રી એ માત્ર ઈન્ડિયા કે ઈસરો જ નહીં પણ સંપૂર્ણ દુનિયા માટે એક મહત્ત્વની સિદ્ધી હતી અને હવે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના ચીફ એસ. સોમનાથે ફરી એક વખત ચંદ્રયાન-થ્રીને લઈને મહત્ત્વની માહિતી આપી છે. કોચીમાં એક કાર્યક્રમ દરમિયાન જ્યારે એસ. સોમનાથને પૂછવામાં આવ્યું હતું કે શું રોવર ફરી એક વખત સક્રિય થશે કે? આ સવાલનો જવાબ ઈસરો ચીફે કહ્યું હતું કે હા, આ શક્ય છે…

ઈસરોના વડાએ આ સવાલના જવાબમાં જણાવ્યું હતું કે જોકે, એ વાત અલગ છે કે હાલમાં રોવર ચંદ્રની સપાટી પર આરામ ફરમાવી રહ્યું છે. પરંતુ તે ફરી એક્ટિવ થશે એ વાતને નકારી શકાય નહીં. તેમણે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે રોવર ચંદ્રની સપાટી પર હાલમાં ઊંઘી રહ્યું છે એટલે આપણે એને ઊંઘવા દઈએ. અમે એને હેરાન નહીં કરીએ. જ્યારે તેને જાગવું હશે ત્યારે એ જાગશે.


ઈસરોના ચીફે પોતાના ભાષણમાં આગળ એવું પણ કહ્યું હતું કે ચંદ્રયાન-3 મિશનનો મૂળ હેતુ તો પાર પડી ગયો છે અને આ મિશન દરમિયાન એકઠી કરવામાં આવેલી માહિતીનો ઉપયોગ કરીને વૈજ્ઞાનિકો અલગ અલગ સંશોધનો કરી રહ્યા છે. આ મિશનમાં લેન્ડર અને રોવર સામેલ થયા હતા. બીજી સપ્ટેમ્બરના રોજ, રોવરને સ્લિપ મોડમાં નાખવામાં આવ્યું હતું.


અત્રે ઉલ્લેખનીય છે કે ગયા મહિને એટલે કે 22મી સપ્ટેમ્બરના રોજ, ઈસરોએ ચંદ્રયાન-3ના લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેમના તરફથી કોઈ મેસેજ આવ્યો નહોતો. દરમિયાન બધાના મનમાં એક જ સવાલ થઈ રહ્યો હતો કે શું હવે પ્રજ્ઞાન રોવર ફરી વખત ક્યારેય જાગશે કે નહીં?


ચંદ્રયાન-3 એ 23 ઓગસ્ટે સાંજે 6.04 કલાકે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરીને ઈતિહાસ રચી દીધો હતો અને એની સાથે સાથએ જ દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરનાર ભારત દુનિયાનો પ્રથમ દેશ બની ગયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button