તસવીરની આરપાર : વણઝારા જ્ઞાતિમાં ધુળેટીએ બાળકને નિડરતાના પાઠ ભણાવવા થતી ‘ઢૂંઢ’

-ભાટી એન.
વણઝારા સમાજમાં ધુળેટીનું મહાત્મ્ય અનેરું છે. જૂના વખતમાં પોઠો ઉપર માલ લઈને એક જગ્યાએથી માલ બીજી જગ્યાએ લઈ જવાનું ટ્રાન્સપોર્ટેશનનું કામ મુખ્યત્વે વણઝારા કરતા. આ જ્ઞાતિ આમ તો રાજપૂત છે એટલે ખમીરતા, શક્તિ ને હિંમત તેમની રગેરગમાં ખરું. પહેલાનાં સમયમાં ગાઢ જંગલ ને હિંસક પ્રાણી, ચોર, લૂંટારાનો ત્રાસ ખૂબ જ રહેતો…!? આથી કિંમતી માલસામાન સુરક્ષિત લઈ જવાનું કામ વણઝારા (રાજપૂત) કરતા. તેઓ ખડતલ, હિંમતવાન પરિવાર ને સમૂહમાં આખી વણઝાર લઈ જાય.
તે સમયે કોઈ યાંત્રિક સાધનો નહીં. આથી પોઠો પર માલને રાખી એક શહેરમાંથી માલ લઈ બીજા શહેરમાં લઈ જાય. તેમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો. જીવનું જોખમ જેવું કાર્ય કરતા પણ ડરતા નહીં. આથી પોતાના બાલબચ્ચાંને નિડરતાના પાઠ ભણાવવામાં આવતા.
આ પણ વાંચો: કચ્છી ચોવક : લોભી વૃત્તિ સામે લાલબત્તી, પાઇની પેદાસ નહીં ને ઘડીની ફૂરસદ નહીં.
વણઝારા જ્ઞાતિમાં બાળકનો જન્મ થાય એટલે પ્રથમ ધુળેટીએ સાંજના સમયે તમામ વણઝારા પરિવાર એકત્રિત થાય ને નાના બાળકને નવાં વસ્ત્રો પહેરાવી તેની બહેન ઢીંગલી જેવી સાડી પહેરી તેના ભાઈને ખોળામાં લઈને બેસે ને આવેલા સ્નેહીજનો રૂપિયા ભરાવે (આપે) જે જગ્યાએ બેસે ત્યાં ચોકો આપે તેની ઉપર કાંસાની થાળી રાખે તેમાં ખોપરું, પતાસા રાખે ને બહેન જે રજાઈ પર બેસે ત્યાં ચારે બાજુ ખોપરું, પતાસા રાખે ને રૂપિયા ભરાવે તેમ ગીતો મારવાડી ભાષામાં
ગાય. સંધ્યા સમયે યોજાતો આ અનોખો કાર્યક્રમ એટલે ‘ઢૂંઢ’ એટલે ગોતવું, યાદ અપાવું.
વણઝારા જ્ઞાતિની ‘ઢૂંઢ’ વિચિત્ર છે. તેની પાછળ એક રહસ્ય છુપાયેલ છે!? …શું…? હા તો… જન્મતા બાળકને પ્રથમ ધુળેટીએ ‘ઢૂંઢે’ એટલે જ્ઞાતિના પુરુષો લાકડી લઈને બહેનના ખોળામાં બેઠેલા બાળકને યાદ અપાવે કે તારી ઉપર આવી રીતે લાકડીઓના ઘા થશે પણ તારે ડરવાનું નથી તારે? નિડર બની ચોર, લૂંટારાની સામે લડવાનું છે.
આવો સંદેશ આપવા જ્ઞાતિના ભાઈઓ લાકડીઓ લઈ હરિ હરિ.. રે… હરિયા લે… આવું ગીત ગાતા જાયને એક આડી રાખેલ લાકડી ઉપર લાકડીના ઘા કરતા જાય ને આમ પાંચવાર ગીત ગાયને છેલ્લે જે નામ હોય તે નામ લઈ કહે… આવડો મોટો થાય તેમ કરી લાકડી ઊંચ્ચે રાખી કહે આથી નાનું બાળક નિર્ભય બની જાય ને જન્મતાની સાથે હિંમત આપે. જોકે હવે તો વણઝારા એ પોઠો કાઢી ટ્રેકટર, ટ્રકથી ટ્રાન્સપોર્ટેશન કરવા લાગ્યા છે. આ વિચરતી વિમુક્ત જ્ઞાતિમાં હવે ભણતરનું જ્ઞાન આવતું જાય છે. કારણ સમયાંતરે ધંધો ચેન્જ કરવો પડે છે.
આ પણ વાંચો: તસવીરની આરપાર : પોરબંદરનો હુજૂર પૅલેસ કળા-સ્થાપત્યનો ઉત્તમોતમ નમૂનો છે…
આજે ટ્રાન્સપોર્ટના ધંધામાં તમામ જ્ઞાતિ આવી ગયા છે અને અત્યાધુનિક સાધનો આવતાં વણઝારાઓ ટ્રાન્સપોર્ટનો ધંધો ચેન્જ કરવા લાગ્યા છે. તેમ છતાં વણઝારા પોતાની જૂની પરંપરાને વળગી રહ્યા છે. આવી ‘ઢૂંઢ’ અન્ય જ્ઞાતિમાં લગભગ થતી હોય તો મને ખબર નથી પણ હજુ વાંકાનેરમાં રહેતા વણઝારાના ઘેર તા. 14-3-25 ‘ઢૂંઢ’ થયેલ એક ઝલક જોતા વિચિત્ર ‘ઢૂંઢ’ વિશે જાણી આપને ‘ઢૂંઢ’ વિશે અવગત કર્યા પણ સાચે જ વણઝારાની ‘ઢૂંઢ’ જોશો તો તેમાં ખુમારીનો રણકો સાંભળવા મળશે. તો એક વાર વણઝારા જ્ઞાતિની ‘ઢૂંઢ’ જોવાનું ચૂકશો નહીં.