મગજ મંથન : વિચાર-વાણી-વર્તન કોઈની પણ પ્રગતિ કરાવે ને પડતી પણ…!

-વિઠ્ઠલ વઘાસિયા
અડગનનનનન
નનનનનન
નનનન
વિચાર-વાણી અને વર્તન આ ત્રણ ‘વ’થી શરૂ થતા શબ્દો વ્યક્તિની પ્રગતિ અને અધોગતિનું કારણ બની શકે છે. એમાંય વાણી અને વર્તનનો મૂળભૂત આધાર વિચાર પર છે. વ્યવહારિક કે આધ્યાત્મિક ક્ષેત્રમાં વિચારો જ વ્યક્તિને મહાન બનાવે છે.
કોઈપણ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ માટે સવળો વિચાર એ સુખ અને આનંદનું કારણ બને છે, જ્યારે અવળો વિચાર ક્લેશ, ઝઘડા કે દુ:ખનું કારણ બને છે. મનુષ્ય માત્રના જીવનમાં વિચાર-વાણી અને વર્તન અગત્યની ભૂમિકા ભજવે છે. આ ત્રણેય પરસ્પર જોડાયેલા છે અને વ્યક્તિના વ્યક્તિત્વ અને પ્રભાવને ઘડવામાં મદદ કરે છે, જેમકે.
આ પણ વાંચો: મગજ મંથન : કઠોર પરિશ્રમથી ડરો છે તો પછી ઉન્નત જીવનની કલ્પના ન કરો!
વિચાર:
વિચાર એ મગજમાં ઉદ્ભવતા વિચારો, તર્ક, કલ્પનાઓ અને માન્યતાઓનો સમૂહ છે. જે વ્યક્તિ વિચારે છે તે જ તેના વર્તન અને વાણીમાં દેખાય છે. વ્યક્તિ જેવું વિચારે છે તેવું જ થઈને રહે છે. કહેવાય છે કે મગજમાં ઉદ્ભવતો વિચાર પરિણામ લાવીને જ રહે છે. જાહેર જીવનમાં ખેલાતું યુદ્ધ પહેલાં મગજમાં ખેલાઈ ગયું હોય છે.
એક ભાઈ દરરોજ સવારે ઊઠીને પોતાના ઘર પાસેના ઓટલે બેસીને દાતણ કરે. ઓટલાની સામે મોટાં શિંગડાં વાળી એક ભેંસ કાયમ બાંધેલી રહેતી. આ ભાઈ કાયમ દાતણ કરતી વખતે મોટાંશિંગડાં વાળી ભેંસ સામે જોતા રહે અને મનમાં એ ભેંસ વિશે વિચારે:
‘આ ભેંસનાં શિંગડાં કેવડા મોટાં છે. આ ભેંસનાં શિંગડાં વચ્ચે માથું જાય કે નહીં? જાય તો શું થાય ?’ આવું દરરોજ વિચારે. વિચારતાં વિચારતાં એક દિવસ એવું વિચાર્યું કે એમાં વળી વિચારવાનું શું ? અમલ કરીને પાકું જ કરી લઈએ.
પોતે ઊભા થઈ અને પેલી ભેંસના શિંગડાં અંદર પોતાનું માથું ઘુસાડી દીધું. પરિણામ શું આવ્યું હશે એ આપણે સૌ જાણીએ છીએ !
વિચારના ઘણા પ્રકાર છે:
સકારાત્મક વિચાર – જે આશાવાદી, ઉન્નતિપ્રેરક અને ખુશહાલ જીવન તરફ દોરી જાય છે.
નકારાત્મક વિચાર – જે હતાશા, ડર અને શંકા જન્માવે છે.
સંશયાત્મક વિચાર – જે અનિશ્ર્ચિતતા અને શંકા પેદા કરનારો વિચાર છે.
ઉદાસીન વિચાર – જે કોઈપણ દિશામાં ન જવાનું વિચારી સ્થિર રહેવામાં માને છે.
દરેક મનુષ્યના વ્યક્તિત્વ ઘડતરમાં વિચાર મહત્ત્વની ભૂમિકા ભજવે છે…વિચાર મગજ અને શરીર પર સીધો પ્રભાવ પાડે છે. હોર્મોન્સ,આરોગ્ય અને ઊર્જા પર વિચારની અસર જબરી રહેતી હોય છે.
વિચાર શુદ્ધ રાખવા માટે સારાં પુસ્તકો વાંચવા જોઈએ. ધ્યાન અને આત્મમંથન કરવું જોઈએ. સારા અને સંસ્કારી લોકોની સંગત રાખવી જોઈએ.
વાણી:
વાણી એ વિચાર અને વર્તનની મુખ્ય અભિવ્યક્તિ છે. દરેક વ્યક્તિના વ્યક્તિત્વનું એ પરિબળ છે.
વાણીના ઘણા પ્રકાર છે, જેમકે.
સદ્ભાવ પૂર્ણ વાણી – જે મીઠી, ઉદ્દીપક અને શાંતિપ્રદ હોય છે.
કઠોર વાણી – જે બીજા માટે નુકસાનકારક અને દુ:ખ ઉત્પન્ન કરનારી વાણી છે.
સત્ય ને નિષ્કપટ વાણી – જે સત્ય અને સાફ વાણી છે.
અસત્ય વાણી – જે અવિશ્વાસ અને ધોખો ઉત્પન્ન કરે છે.
મૌન પણ વાણીનો એક પ્રકાર છે. આવશ્યક હોય ત્યારે બોલવું અને બિનજરૂરી મૌન રાખવું.
સારી વાણી લોકોમાં અસરકારક પ્રભાવ પાડે છે. તેમ જ શાંતિ અને શિસ્તનું નિર્માણ કરે છે. જીવન જીવવા માટે મદદરૂપ થાય છે. અપશબ્દ અને ઉગ્ર વાણીથી બચવું જોઈએ. હંમેશાં સત્ય અને વિવેક સાથે ચાલવું જોઈએ. ગેરસમજ ટાળવા માટે સ્પષ્ટ અને સમજદારી પૂર્વક વાણી વાપરવી જોઈએ.
વર્તન:
વર્તન એ વ્યક્તિના વિચાર અને લાગણીઓનું પ્રત્યક્ષ પ્રદર્શન છે. વર્તન દ્વારા જ અન્ય લોકો અને સમાજ પર વ્યક્તિની છાપ પડતી હોય છે. વર્તનના પણ ઘણા પ્રકાર છે, જેમકે
સંસ્કારી અને શિસ્તબદ્ધ વર્તન – જે સામાજિક નિયમો અને નૈતિક મૂલ્યોનું પાલન કરાવે છે.
આક્રમક વર્તન – જે ગુસ્સા ભરેલું, અવિચારી અને નુકસાનકારક હોય છે.
સ્નેહસભર ને સહકાર ભર્યું વર્તન – જે પ્રેમાળ અને સહકાર આપનારું વર્તન છે.
સ્વાર્થ પ્રેરિત વર્તન – જે માત્ર પોતાના હિત માટે જ કામ કરે છે.
સારાં વર્તનથી સમાજમાં સન્માન મળે છે અને વિશ્વાસ પ્રાપ્ત થાય છે. સંબંધો મજબૂત બને છે. એક સારી અને સ્વસ્થ સમાજની રચના થાય છે. તેમજ આંતરિક શાંતિ અને સંતોષ પ્રાપ્ત થાય છે.
આ પણ વાંચો: કવર સ્ટોરી : એસએમઇ સેબીના સાણસામાં…
શ્રેષ્ઠ વર્તન માટે સજ્જનતા અને નમ્રતા દાખવવી જોઈએ, ક્રોધ અને ઈર્ષાને કાબુમાં રાખવા જોઈએ, સહકાર અને સહાનુભૂતિ વધારવી જોઈએ અને બિનજરૂરી દંભ અને આક્રોશથી દૂર રહેવું જોઈએ.
આમ વિચાર-વાણી ને વર્તન એ ત્રણેય વ્યક્તિના વ્યક્તિત્વ અને જીવનની ગુણવત્તાને નિર્ધારિત કરે છે. સારા વિચારો, શીતળ વાણી અને ભદ્ર વર્તન દ્વારા સમાજમાં શાંતિ અને સુખ ફેલાવી શકાય છે.