આમચી મુંબઈનેશનલ

ઈતિહાસને ડામવા માટે 400 વર્ષ પહેલાનો ઈતિહાસ ખોદ્યોઃ ઉદ્ધવ ઠકારેની ટીકા

મુંબઈઃ મહારાષ્ટ્રમાં સંભાજીનગરમાં આવેલી ઔરંગઝેબની કબર નેસ્તનાબૂદ કરવાનો મામલો હિંસક બન્યો છે. નાગપુરમાં હિંસા અને આગજનીના બનાવો બનતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. આ મામલે મુખ્ય પ્રધાન અને ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભાગૃહમાં રજૂઆત કરી છે ત્યારે શિવસેના (યુબીટી)ના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પક્ષના મુખપત્ર સામનામાં આ ઘટના સંદર્ભે ભાજપને વખોડી છે અને આને છત્રપતિ શિવાજી મહારાજ અને છત્રપતિ સંભાજી મહારાજના ઈતિહાસને ખતમ કરવાનું કારસ્તાન ગણાવ્યું છે.

શું લખ્યું છે સામનામાં
સામનામાં લખ્યું છે કે જ્યારે ખલનાયક ખતમ થાય છે ત્યારે નાયક પણ ખતમ થાય છે. હવે સ્પષ્ટ થઈ ગયું છે કે ફડણવીસ અને અન્ય લોકો ઔરંગ્યાને (મુગલ રાજા ઔરંગઝેબ) શિવ રાય કરતાં વધુ મહત્વના માને છે. શિવરાયનું સામ્રાજ્ય ધાર્મિક હતું, પણ તે બધાને સાથે લઈ આગળ વધવાના સિદ્ધાંત સાથે કામ કરતું હતું. ભાજપ આમ ક્યારેય કરતું નથી. મૂળભૂત રીતે, છત્રપતિ શિવરાય અને છત્રપતિ સંભાજી રાજે ક્યારેય સંઘ કે ભાજપની વિચારધારાના પ્રતીક નહોતા. હવે તેઓ પોતાની અનુકૂળતા કે રાજકીય લાભ ખાટવા જય શિવાજી અને જય સંભાજીના નારા લગાવી રહ્યા છે. આ લોકો શિવાજી રાજે અને સંભાજી રાજેનું મહત્વ ઘટાડવા માંગે છે. તેથી જે ઔરંગઝેબ સામે લડ્યા તેમનું મહત્વ ઓછું કરવા ઔરંગઝેબને જ (ઈતિહાસ) કબરસહિત ખતમ કરવા માગે છે. જ્યારે ખલનાયક એટલે કે ઔરંગઝેબ ખતમ થશે ત્યારે જ આપોઆપ તેની સામે લડનારા શિવાજી મહારાજ અને સંભાજી મહારાજનો ઈતિહાસ પણ ભૂંસાઈ જશે, તેવી ટીકા શિવસેનાએ કરી છે.

મોદી પર કર્યા પ્રહાર
ગઈકાલે લોકસભામાં ઓડિશાના બારગઢ મતવિસ્તારના ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિતે વડા પ્રધાન મોદીને છત્રપતિ શિવાજી મહારાજ સાથે સરખાવ્યા અને શિવાજી મહારાજનો પુનર્જન્મ મોદીના રૂપમાં થયો છે, તેવું નિવેદન આપ્યું હતું. તે વિશે વાત કરતા સામનામાં ટીકા કરી હતી કે ભાજપે નવા શિવાજીને જન્મ આપ્યો છે અને તેના માટે તેઓ મૂળ શિવાજીને નષ્ટ કરવાની યોજના ધરાવે છે અને છત્રપતિ શિવાજી મહારાજને ઈતિહાસમાંથી ભૂંસવા ઔરંગઝેબને ભૂંસવો જરૂરી છે. એવું જ મહારાષ્ટ્રમાં થઈ રહ્યું છે. મોદીના છત્રપતિ શિવાજી તરીકેના ગૂણગાન ગવાઈ રહ્યા છે તે ભયંકર છે. છત્રપતિના વંશજો ઉદયનરાજે (શ્રીમંત) અને શિવેન્દ્રરાજે ભોસલે (શ્રીમંત) મોદીને શિવાજીરાજે તરીકે વર્ણવવા સાથે સહમત છે?, તેવો સવાલ પણ ઠાકરેના મુખપત્રમાં કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો…નાગપુરમાં પોલીસ પર થયેલા હુમલા વિશે ભાજપના નિતેશ રાણેએ શું કહ્યું, જાણો?

મહારાષ્ટ્રમાં ઔરંગઝેબના નામે ઘમાસાણ ચાલી રહ્યું છે. ચારસો વર્ષ પહેલા દફનાવવામાં આવેલા ઔરંગ્યાને ફરીથી જીવિત કરવામાં આવ્યો છે કારણ કે ભાજપના પેટમાં એક નવા શિવાજી ઊગી રહ્યો છે. છત્રપતિ શિવાજી મહારાજ, અમને માફ કરો, તેમ લેખના અંતમાં કહેવામાં આવ્યું છે.

વર્ષ 2019 પહેલા શિવસેના અને ભાજપની યુતિ હતી અને બન્ને પક્ષ ભગવા પક્ષ તરીકે ઓળખાતા હતા, પરંતુ 2019 બાદ અલગ જ માહોલ બન્યો અને હાલમાં શિવસેનાના બે ભાગ થયા છે અને ઉદ્ધવ ઠાકરેની સેનાએ વિરોધપક્ષમાં બેસવાનો વારો આવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button